હર્લી ગાલા : વાગડ સમાજનું અને ‘મિડ-ડે લેડીઝ ક્રિકેટ’નું અનેરું ગૌરવ

21 November, 2022 01:44 PM IST  |  Mumbai | Ajay Motivala

કચ્છ વાગડ સમાજમાંથી ભારતીય ટીમમાં પહોંચેલી પ્રથમ મહિલા ક્રિકેટર : બીકેસીમાં ન્યુ ઝીલૅન્ડ સામે રમાશે ટી૨૦ સિરીઝ : મૂળ કચ્છના જયંતીલાલ કેનિયા ભારત વતી ટેસ્ટ મૅચ રમ્યા હતા

હર્લી ગાલા

ભારત વતી એકસાથે સંખ્યાબંધ ગુજરાતી ક્રિકેટરો ઇન્ટરનૅશનલ ક્રિકેટમાં રમતા હોય એ હવે કોઈ નવી વાત નથી રહી. વર્તમાન મેન્સ ક્રિકેટની વાત કરીએ તો ગુજરાતીઓમાં રવીન્દ્ર જાડેજા, હાર્દિક પંડ્યા, કૃણાલ પંડ્યા, અક્ષર પટેલ, ચેતેશ્વર પુજારા, હર્ષલ પટેલ ભારત વતી રમીને ગુજરાતી સમાજનું નામ રોશન કરી રહ્યા છે. અમદાવાદના જસપ્રીત બુમરાહને પણ ન ભુલાય. જોકે હવે તો વિમેન્સ ક્રિકેટ પણ મેન્સ ક્રિકેટની જેમ જ લોકપ્રિય થઈ રહી છે અને એમાં જો કોઈ ગુજરાતી ખેલાડી (ખાસ કરીને કચ્છી સમાજની પ્લેયર) ભારતની મહિલા ટીમમાં સામેલ કરવામાં આવે તો ગુજરાતીઓ માટે એ બહુ મોટું ગૌરવ કહેવાય.

કચ્છ વાગડ સમાજની ઑલરાઉન્ડર ૧૬ વર્ષની હર્લી ગાલાને ઑલ ઇન્ડિયા વિમેન્સ સિલેક્શન કમિટીએ ૨૭ નવેમ્બરથી મુંબઈમાં ન્યુ ઝીલૅન્ડની અન્ડર-19 વિમેન્સ ટીમ સામે રમાનારી ભારતની અન્ડર-19 વિમેન્સ ટીમમાં સામેલ કરવામાં આવી છે. આ બે ટીમ વચ્ચે બાંદરા-કુર્લા કૉમ્પ્લેક્સ (બીકેસી) ખાતે ૬ ડિસેમ્બર સુધી પાંચ ટી૨૦ મૅચ રમાશે. આગામી ૧૪ જાન્યુઆરીથી સાઉથ આફ્રિકામાં સૌપ્રથમ અન્ડર-19 વિમેન્સ ટી૨૦ વર્લ્ડ કપ રમાશે અને એની પૂર્વતૈયારી રૂપે આ સિરીઝ રમાવાની છે.

જુહુ રહેતી વાગડ વીસા ઓસવાળ જૈન સમાજની હર્લી તન્મય ગાલા 

‘મિડ-ડે લેડીઝ ક્રિકેટ’ની ૨૦૨૨ની સીઝનની ચૅમ્પિયન ટીમ વાગડ કલા કેન્દ્રની ફાસ્ટ બોલિંગ-ઑલરાઉન્ડર છે. એ સીઝનની ‘વુમન ઑફ ધ સિરીઝ’ હર્લી તાજેતરમાં મુંબઈ અન્ડર-19 ટીમમાં સિલેક્ટ થઈ હતી અને હવે ભારતીય ટીમમાં સ્થાન પામી છે. ખરેખર તો હર્લીને દેશભરમાંથી સિલેક્ટ કરવામાં આવેલી કુલ ૧૪૦ આશાસ્પદ ખેલાડીઓમાંથી શૉર્ટ-લિસ્ટ કરાયેલી ૧૫ પ્લેયરની ટીમમાં સ્થાન મળ્યું છે એ તેની બહુ મોટી સિદ્ધિ કહેવાય. અસરદાર પેસ બોલિંગ તેમ જ ટીમને ખૂબ ઉપયોગી થતી બૅટિંગ અને ચપળ ફીલ્ડિંગ બદલ હર્લી ભારતીય મહિલા ક્રિકેટમાં અત્યારે ખૂબ ચર્ચામાં છે. તેણે તાજેતરમાં આંધ્ર પ્રદેશ અને ગોવા સહિતનાં સ્થળોએ રમાયેલી મૅચોમાં પણ બહુ સારું પર્ફોર્મ કર્યું એ બદલ તેને ફાઇનલ અન્ડર-15 ટીમમાં સમાવવામાં આવી છે.

ભારતની અન્ડર-19 ટી૨૦ વિમેન્સ ટીમ : શ્વેતા સેહરાવત (કૅપ્ટન), સૌમ્યા તિવારી (વાઇસ-કૅપ્ટન), હર્લી ગાલા, શિખા શલોત, ત્રિશા જી., સોનિયા મેહદિયા, રિશિતા બાસુ (વિકેટકીપર), નંદિની કશ્યપ (વિકેટકીપર), સોનમ યાદવ, મન્નત કશ્યપ, અર્ચનાદેવી, પાર્શ્વી ચોપડા, તીતા સાધુ, ફલક નાઝ અને શબનમ એમ.ડી.

ભૂતપૂર્વ ટેસ્ટ-ક્રિકેટર જયંતીલાલ કેનિયાના હર્લી ગાલાને અભિનંદન

મૂળ કચ્છમાં બારોઈના જયંતીલાલ કેનિયા ૧૯૭૧માં વેસ્ટ ઇન્ડીઝમાં ભારત વતી એક ટેસ્ટ રમ્યા હતા. ડ્રૉમાં પરિણમેલી એ મૅચમાં તેઓ સૈયદ આબિદ અલી સાથે ઓપનિંગમાં રમ્યા હતા અને ગ્રેસન શિલિંગફર્ડના બૉલમાં ગૅરી સૉબર્સના હાથમાં કૅચઆઉટ થયા હતા. કેનિયાએ ગઈ કાલે ‘મિડ-ડે’ સાથેની વાતચીતમાં હર્લી માટે અભિનંદન પાઠવ્યાં હતાં અને તેને માટેના સંદેશમાં આ મુજબ જણાવ્યું હતું : ‘હર્લી ગાલા ખૂબ ટૅલન્ટેડ પ્લેયર છે. તેને મારા તરફથી ગુડ લક. મને ખાતરી છે કે તે ભારત વતી બહુ સારું પર્ફોર્મ કરશે. તેણે કોઈ પણ પ્રકારના માનસિક દબાણ વગર અને આત્મવિશ્વાસથી જ રમવું જોઈએ. તેણે ખૂબ સમજદારીથી તેમ જ હરીફ ખેલાડીઓના અપ્રોચને બરાબર પારખીને પોતાની જ ગેમ રમવી જોઈએ. તેણે કૅપ્ટનનું કહેવું સાંભળીને એ મુજબ અનુસરવાની સાથે બિન્દાસ અભિગમથી રમવું જોઈએ.’

sports sports news cricket news u-19 world cup