20 April, 2026 03:15 PM IST | Lucknow | Gujarati Mid-day Correspondent
રિષભ પંત અને સંજીવ ગોયનકા
IPLમાં ભૂતકાળમાં લખનઉ સુપર જાયન્ટ્સના માલિક અને બિઝનેસમૅન સંજીવ ગોયનકા કે. એલ. રાહુલ સાથેની તીવ્ર વાતચીતને કારણે ખૂબ ટ્રોલ થયા હતા. વર્તમાન સીઝનમાં પણ લખનઉની ખરાબ શરૂઆત બાદ તેઓ મેદાન પર રિષભ પંત સાથે ગંભીર વાતચીત કરતા હોય એવાં દૃશ્યો જોવા મળ્યાં હતાં. આ વિવાદો વિશે સંજીવ ગોયનકા કહે છે કે ‘રિષભને ક્યારેય ઠપકો આપવાની પરિસ્થિતિ ઊભી નથી થઈ. સોશ્યલ મીડિયા પર સંજીવ ગોયનકાના હાવભાવ શૅર કરીને લોકોને વ્યુઝ મળે છે. કેટલાક લોકોએ નિર્ણય લીધો છે કે ચાલો સંજીવ ગોયનકાને પન્ચિંગ બૅગ બનાવીએ અને ટ્રોલ કરીએ. હા, હું સ્વીકારું છું કે હું કેટલીક વખત ઉગ્ર બની જાઉં છું, પણ હું હવે એ વિશે શીખી રહ્યો છું.’ તેમણે વધુમાં કહ્યું હતું કે ‘હું એવી વ્યક્તિ છું જે બોલતી વખતે હાથના હાવભાવનો ઉપયોગ કરે છે. હું મારા હાથને મારી પીઠ પાછળ રાખવાનું શીખી રહ્યો છું જેથી કોઈ ખોટો મેસેજ બહાર ન જાય. આજકાલ ઘણાં બધાં મૉર્ફ કરેલાં અને AI-જનરેટેડ વર્ઝન ફરતાં હોય છે. હું કૅપ્ટનને ક્રિકેટ સંબંધી જ્ઞાન નથી આપતો. મારી પાસે નિષ્ણાતોની એક ટીમ છે. આ મોટી ટીમ ક્રિકેટ સંબંધી બાબતોનું નિરીક્ષણ કરે છે.’