07 July, 2024 09:59 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
કૃણાલ પંડ્યા
સ્પિન ઑલરાઉન્ડર કૃણાલ પંડ્યાએ ભારતની T20 વર્લ્ડ કપ જીત દરમ્યાન હાર્દિકના પુનરાગમનની પ્રશંસા કરતાં કહ્યું હતું કે ટીકાના વંટોળ વચ્ચે લોકો ભૂલી ગયા કે તેનો નાનો ભાઈ પણ ‘ભાવનાત્મક વ્યક્તિ’ છે. લાસ્ટ સીઝનમાં મુંબઈ ઇન્ડિયન્સની કૅપ્ટન્સી મળ્યા બાદ ટીકાનો સામનો કરનાર હાર્દિકે વેસ્ટ ઇન્ડીઝમાં રમાયેલા વર્લ્ડ કપમાં બૉલ અને બૅટથી નોંધપાત્ર યોગદાન આપ્યું હતું.
કૃણાલે તેના ઇન્સ્ટાગ્રામ હૅન્ડલ પર એક લાંબી ઇમોશનલ પોસ્ટમાં લખ્યું હતું કે ‘હાર્દિક અને મેં પ્રોફેશનલ ક્રિકેટ રમવાનું શરૂ કર્યું એને લગભગ એક દાયકો થઈ ગયો છે. છેલ્લા કેટલાક દિવસો એટલા જ યાદગાર રહ્યા જેમનું આપણે સપનું જોયું હતું. દરેક દેશવાસીની જેમ હું પણ અમારી ટીમની સફળતાથી ખુશ હતો અને મારા ભાઈએ એમાં મહત્ત્વની ભૂમિકા ભજવી હોવાથી હું વધુ ભાવુક થયો. હાર્દિક માટે છેલ્લા છ મહિના ઘણા મુશ્કેલ રહ્યા છે. તે જેમાંથી પસાર થયો એ અયોગ્ય હતું અને એક ભાઈ તરીકે મને તેના માટે ખૂબ જ ખરાબ લાગ્યું. લોકો તેના વિશે ખરાબ બોલવા લાગ્યા. આપણે બધા ભૂલી ગયા કે તે પણ લાગણીઓથી ભરેલો માણસ છે.’
વર્લ્ડ ચૅમ્પિયન નાના ભાઈનો બાર્બેડોઝમાં ઇમોશનલ ઇન્ટરવ્યુ જોઈને એ સમયે કૃણાલ પંડ્યા પણ રડ્યો હતો.