એમઆઇ કેપટાઉન ટીમ માટે રાશિદ ખાન નહીં રમે, કૅરિબિયનનો આ દિગ્ગજ ખેલાડી બન્યો સુકાની

08 January, 2024 07:47 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સાઉથ આફ્રિકા ટી૨૦માં ગઈ સીઝન માટે મુંબઈ ઇન્ડિયન્સ કેપટાઉન માટે રાશિદ ખાન હતો સુકાની, આ સીઝન માટે ઈજાને કારણે રાશિદ ખાન નહીં રમી શકે

કીરોન પોલાર્ડ

સાઉથ આફ્રિકા ટી૨૦ લીગ પહેલાં મુંબઈ ઇન્ડિયન્સ ટીમને મોટો ઝટકો લાગ્યો છે. સાઉથ આફ્રિકા ટી૨૦ લીગમાં મુંબઈ ઇન્ડિયન્સની ટીમનું નામ મુંબઈ ઇન્ડિયન્સ કેપટાઉન છે. ગઈ સીઝનમાં આ ટીમનો સુકાની અફઘાનિસ્તાનનો સ્ટાર ખેલાડી રાશિદ ખાન હતો, પરંતુ આ સીઝનમાં રાશિદ ખાન ઈજાને કારણે લીગમાંથી ખસી ગયો છે. હવે રાશિદ ખાનને બદલે મુંબઈ ઇન્ડિયન્સ કેપટાઉન ટીમમાં કીરોન પોલાર્ડને સુકાનીની જવાબદારી સોંપવામાં આવી છે.

આઇપીએલમાં કીરોન પોલાર્ડ લાંબા સમય સુધી મુંબઈ ઇન્ડિયન્સનો ભાગ રહ્યો છે. કીરોન પોલાર્ડ પહેલી વાર મુંબઈ ઇન્ડિયન્સ માટે ૨૦૧૦ની આઇપીએલ સીઝન માટે રમ્યો હતો. ત્યાર બાદ તે આઇપીએલની ૨૦૨૨ની સીઝન સુધી મુંબઈ ઇન્ડિયન્સનો ભાગ રહ્યો અને રમતો હતો. જોકે હાલમાં તે આઇપીએલમાં મુંબઈ ટીમમાં સપોર્ટ ટીમનો ભાગ છે.

સાઉથ આફ્રિકા ટી૨૦ લીગનો કાર્યક્રમ શું છે?
સાઉથ આફ્રિકા ટી૨૦ લીગની શરૂઆત ૧૦ જાન્યુઆરીથી થશે, તો લીગની ફાઇનલ મૅચ ૧૦ ફેબ્રુઆરીએ રમાશે. આ લીગમાં કુલ ૩૪ મૅચ રમાશે. આ લીગમાં કુલ ૬ ટીમ ભાગ લઈ રહી છે. પહેલી મૅચ સનરાઇઝર્સ ઈસ્ટર્ન કેપ અને જોહનિસબર્ગ સુપર કિંગ્સ વચ્ચે રમાશે.

મુંબઈ અમિરેટ્સ ટીમમાં પોલાર્ડને બદલે નિકોલસ પૂરનને સુકાની બનાવાયો
મુંબઈ ઇન્ડિયન્સ એમિરેટ્સ ટીમમાં કીરોન પોલાર્ડને સુકાનીપદથી હટાવીને નિકોલસ પૂરનને સુકાની બનાવાયો છે. ઇન્ટરનૅશનલ લીગ ટી૨૦માં મુંબઈની ટીમમાં ગઈ સીઝનમાં પોલાર્ડ સુકાની હતો. જોકે પોલાર્ડ હજી પણ સાઉથ આફ્રિકા ટી૨૦ લીગમાં અને અમેરિકામાં રમાનારી એમએલ ટી૨૦ લીગમાં પણ પોલાર્ડ સુકાની છે.

sports news sports cricket news kieron pollard