02 June, 2025 06:59 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
કરુણ નાયર
કૅન્ટરબરીમાં ઇંગ્લૅન્ડ લાયન્સ સામે પહેલી અનઑફિશ્યલ ટેસ્ટ-મૅચના બીજા દિવસે ઇન્ડિયા-Aએ કરુણ નાયરની ડબલ સેન્ચુરીની મદદથી ૧૨૫.૧ ઓવરમાં ઑલઆઉટ થઈને ૫૫૭ રન ફટકાર્યા હતા. ઇન્ટરનૅશનલ લેવલ પર આઠ વર્ષ બાદ શાનદાર કમબૅક કરનાર કરુણ નાયરે ૨૮૧ બૉલમાં ૨૬ ફોર અને એક સિક્સરની મદદથી ૨૦૪ રન ફટકાર્યા હતા.
બીજા દિવસની રમતને નાયરની સાથે ઇનિંગ્સને આગળ વધારનાર ધ્રુવ જુરેલ (૧૨૦ બૉલમાં ૯૪ રન) પણ મુંબઈના વિકેટકીપર-બૅટર સરફરાઝ ખાન (૧૧૯ બૉલમાં ૯૨ રન)ની જેમ સદી ચૂકી ગયો હતો. ઑલરાઉન્ડર શાર્દૂલ ઠાકુર (૩૨ બૉલમાં ૨૭ રન), સ્પિનર હર્ષ દુબે (૪૭ બૉલમાં ૩૨ રન), ફાસ્ટ બોલર્સ અંશુલ કમ્બોજ (૩૭ બૉલમાં ૨૩ રન) અને હર્ષિત રાણા (૨૦ બૉલમાં ૧૬ રન)ના સહયોગથી પહેલી ઇનિંગ્સમાં સ્કોર ૫૫૭ રન સુધી પહોંચ્યો હતો.
ગઈ કાલે ટી-બ્રેક સુધીમાં ઇંગ્લૅન્ડ લાયન્સે બીજા સેશન સુધીમાં ૧૮ ઓવરમાં એક વિકેટના નુકસાન સાથે ૭૫ રન ફટકાર્યા હતા. ફાસ્ટ બોલર અંશુલ કમ્બોજ દ્વારા હરીફ ટીમની પહેલી ઇનિંગ્સની છઠ્ઠી ઓવરમાં ભારતને પહેલી સફળતા મળી હતી.