28 October, 2025 10:41 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
કરુણ નાયરે
કર્ણાટકના સ્ટાર બૅટર કરુણ નાયરે વેસ્ટ ઇન્ડીઝ સામેની ટેસ્ટ-સિરીઝમાં થયેલી અવગણના બાદ રણજી ટ્રોફીમાં સદી ફટકારી છે. કરુણ નાયર ગોવા સામેની બીજા રાઉન્ડની મૅચમાં ૨૬૭ બૉલમાં ૧૪ ફોર અને ૩ સિક્સરની મદદથી ૧૭૪ રનની અણનમ ઇનિંગ્સ રમ્યો હતો. કર્ણાટકના ૩૭૧ રન સામે ત્રીજા દિવસે ગોવાએ પહેલી ઇનિંગ્સમાં ૬ વિકેટે ૧૭૧ રન કર્યા હતા. કરુણ નાયરની ટીમ પાસે હજી મૅચમાં ૨૦૦ રનની લીડ બચી છે. ઇંગ્લૅન્ડની ટેસ્ટ-ટૂર પર સાધારણ પ્રદર્શન બાદ કરુણ નાયરને ભારતની ટેસ્ટ-ટીમમાંથી પડતો મૂકવામાં આવ્યો હતો.
કરુણ નાયરે ટેસ્ટ-ટીમમાં અવગણના વિશે કહ્યું હતું કે ‘દેખીતી રીતે એ ખૂબ નિરાશાજનક છે. છેલ્લાં બે વર્ષમાં (ડોમેસ્ટિક ક્રિકેટમાં) મારા પ્રદર્શનને ધ્યાનમાં લેતાં મને લાગે છે કે હું વધુ ટેસ્ટ-સિરીઝ માટે લાયક હતો, ફક્ત એક સિરીઝ કરતાં વધુ. આવી અવગણના તમારા મનમાં ચોંટી જાય છે અને એ દુઃખદાયક હોય છે. મારું આગળનું ધ્યેય શું હોઈ શકે? હું ફક્ત મારા દેશ માટે રમવા માગું છું. જો હું એ ન કરી શકું તો પછીનું કામ એ છે કે જે ડોમેસ્ટિક ટીમ માટે રમો છો એને માટે મૅચ જિતાડવાનો પ્રયાસ કરો.’