ડ્રગ્સ કેસમાં એક મહિનાનું સસ્પેન્શન ભોગવીને ક્રિકેટના મેદાન પર વાપસી માટે તૈયાર છે ફાસ્ટ બોલર કૅગિસો રબાડા

07 May, 2025 07:09 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સમાચાર સામે આવ્યા છે કે તે આ મામલે એક મહિનાનો પ્રતિબંધ ભોગવીને મેદાન પર વાપસીની તૈયારી કરી રહ્યો છે.

કૅગિસો રબાડા

સાઉથ આફ્રિકાનો ફાસ્ટ બોલર કૅગિસો રબાડા માર્ચ ૨૦૨૫માં ગુજરાત ટાઇટન્સ માટે બે મૅચ રમીને સ્વદેશ પરત ફર્યો હતો. હાલમાં તેણે ચોંકવનારો ખુલાસો કર્યો હતો કે કેટલાક પ્રતિબંધિત ડ્રગ્સના સેવનના કારણે તેના ક્રિકેટ રમવા પર અસ્થાયી પ્રતિબંધ લગાડવામાં આવ્યો છે. ગઈ કાલે સમાચાર સામે આવ્યા છે કે તે આ મામલે એક મહિનાનો પ્રતિબંધ ભોગવીને મેદાન પર વાપસીની તૈયારી કરી રહ્યો છે.

સાઉથ આફ્રિકા ડ્રગ ફ્રી સ્પોર્ટ્સ ઇન્સ્ટિટ્યુટના એક નિવેદન અનુસાર, ૨૦૨૫ની એક એપ્રિલે તેને ડોપ ટેસ્ટ પોઝિટિવ આવવા વિશે જાણ કરવામાં આવી હતી. નિયમો અનુસાર ડ્રગ્સ અબ્યુઝ ટ્રીટમેન્ટ પ્રોગ્રામ પૂર્ણ કરવાનો વિકલ્પ તેને આપવામાં આવ્યો હતો. આ પ્રોગ્રામનાં બે સેશન તેણે સંતોષકારક રીતે પૂર્ણ કર્યાં છે. તેણે એક મહિનાનું સસ્પેન્શન પૂરું કર્યું છે અને હવે તે રમતમાં પાછો ફરી શકે છે. ૧૦.૭૫ કરોડ રૂપિયાનો રબાડા પચીસ મેએ પોતાની ૩૦મી વર્ષગાંઠ ઊજવશે.

અહેવાલ અનુસાર કોકેઇન, હેરોઇન અને ગાંજા જેવા પ્રતિબંધિત પદાર્થના સેવન બદલ તેના પર મહત્તમ ચાર વર્ષનો પ્રતિબંધ લાગી શકે છે. જો પ્લેયર સાબિત કરે કે તેણે ક્રિકેટ-સિરીઝની બહરા આ ગુનો કર્યો છે અને એ પર્ફોર્મન્સ સુધારવા માટે નહોતું તો પ્રતિબંધ ઘટાડી ત્રણ મહિનાનો કરી શકાય છે. જો તે રિકવરી પ્રોગ્રામનો ભાગ બનવા તૈયાર થાય તો આ પ્રતિબંધ એક મહિનો પણ થઈ શકે છે.  

kagiso rabada cricket news sports news sports south africa gujarat titans