પૅટ કમિન્સના કમબૅક બાદ પણ ઈશાન કિશનને જ કૅપ્ટન રાખો : સંજય બાંગર

23 April, 2026 03:18 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ભૂતપૂર્વ ક્રિકેટર ઈશાનની વ્યૂહાત્મક સમજબૂઝથી ભારે ઇમ્પ્રેસ થયો છે અને ઑસ્ટ્રેલિયન કૅપ્ટન આખી સીઝન રમી શકશે કે નહીં એ અંગે શંકા છે

સંજય બાંગર

રેગ્યુલર કૅપ્ટન પૅટ કમિન્સની ઇન્જરીને લીધે સનરાઇઝર્સ હૈદરાબાદે એની ગેરહાજરીમાં ટીમની કમાન વિકેટકીપર-બૅટર ઈશાન કિશનને સોંપી છે. શરૂઆતમાં થોડીક સ્ટ્રગલ બાદ હૈદરાબાદ છેલ્લી ત્રણેય મૅચમાં જીત મેળવીને પૉઇન્ટ-ટેબલમાં ત્રીજા નંબરે પહોંચી ગયું છે. ભારતનો ભૂતપૂર્વ ક્રિકેટર સંજય બાંગર કિશનની કૅપ્ટન્સીથી ભારે ઇમ્પ્રેસ થયો છે અને કમિન્સના કમબૅક બાદ પણ તેને જ જાળવી રાખવાની તરફેણમાં છે. બાંગરે આ બાબતે કહ્યું હતું કે ‘લીડર તરીકે કિશનમાં સારી સમજબૂઝ છે. કયા બૅટ્સમૅન સામે કયા બૉલરને બોલિંગ આપવી એની તેનામાં સારી સમજ છે. એ રીતે તે મૅચ પર અંકુશ જમાવતો હોય છે. તે ઉતાવળે નિર્ણય નથી લેતો. મેં જોયું છે કે તે યોગ્ય નિર્ણયો લેતો હોય છે. દિલ્હી કૅપિટલ્સ સામે તેણે સ્પિનર્સનો સારી રીતે ઉપયોગ કર્યો હતો. કમિન્સ કમબૅક કરે તો પણ કિશનને જ કૅપ્ટન બનાવી રાખવો જોઈએ. કમિન્સ એક વર્ષ સુધી ઈજાગ્રસ્ત રહ્યા બાદ કમબૅક કરી રહ્યો હોવાથી એ આખી ટુર્નામેન્ટ રમી શકશે કે કેમ એમાં શંકા છે. બીજું કૅપ્ટનપદે જો કોઈ ભારતીય હોય તો ખેલાડીઓ સાથે સારી એકરૂપતા અને સાતત્યતા રહેતી હોય છે.’ કમિન્સ મોટા ભાગે શનિવારે રાજસ્થાન સામે કમબૅક કરવાનો છે.

sunrisers hyderabad ishan kishan sanjay bangar cricket news IPL 2026 pat cummins sports sports news