17 August, 2025 07:41 AM IST | Sydney | Gujarati Mid-day Correspondent
ઇરફાન પઠાણ, રોહિત શર્મા
બૉર્ડર-ગાવસકર ટ્રોફી દરમ્યાન નબળા પ્રદર્શનને કારણે રોહિત શર્મા સિરીઝની અંતિમ અને પાંચમી સિડની ટેસ્ટ-મૅચમાં નહોતો રમ્યો. એ ટેસ્ટ-મૅચ વચ્ચે તેણે બ્રૉડકાસ્ટિંગ ટીમના હોસ્ટ સહિત કૉમેન્ટેટર ઇરફાન પઠાણને એક ઇન્ટરવ્યુ આપ્યો હતો જેમાં રોહિત શર્માએ કૉમેન્ટરી બૉક્સમાં તેની ટીકા કરતા ક્રિકેટ-નિષ્ણાતો પર જબરદસ્ત પ્રહાર કર્યા હતા.
હાલમાં એક ઇન્ટરવ્યુમાં ઇરફાન પઠાણે ખુલાસો કર્યો હતો કે ‘ઇન્ટરવ્યુ વખતે મારે ભારતીય કૅપ્ટનને મજબૂરીથી ટેકો આપવો પડ્યો હતો. તે તો ટીમમાં સ્થાન મેળવવાપાત્ર નહોતો. રોહિત શર્મા વાઇટ બૉલના ક્રિકેટમાં એક અદ્ભુત પ્લેયર છે, પરંતુ એ વર્ષે ટેસ્ટ-ક્રિકેટમાં તેની બૅટિંગ-ઍવરેજ માત્ર ૬ની હતી એથી અમે તેને કહ્યું હતું કે જો તે કૅપ્ટન ન હોત તો તેને ટીમમાં સ્થાન મળ્યું ન હોત અને એ સાચું છે.’
ઇરફાન આગળ કહે છે, ‘લોકો કહે છે કે અમે ઇન્ટરવ્યુ વખતે રોહિત શર્માને જરૂર કરતાં વધુ ટેકો આપ્યો હતો. જ્યારે કોઈ તમારી બ્રૉડકાસ્ટ-ચૅનલ પર ઇન્ટરવ્યુ આપવા આવે છે ત્યારે તમે તેની સાથે ખરાબ વર્તન નહીં કરી શકો. તમે તેને આમંત્રણ આપ્યું છે એથી તમે નમ્રતાથી વર્તશો. જ્યારે રોહિત ઇન્ટરવ્યુ આપવા આવ્યો ત્યારે અમે ચોક્કસપણે નમ્ર હતા અને અમારે એ બતાવવું પડ્યું હતું, કારણ કે તે અમારો મહેમાન હતો. પરંતુ અમે જ હતા જેણે (કૉમેન્ટરી બૉક્સમાં) કહ્યું હતું કે તેણે લડતા રહેવું જોઈએ.’
ઇન્ટરવ્યુના અંતે રોહિત શર્માએ કહ્યું હતું કે હું કાંઈ પણ છોડીને જવાનો નથી. જોકે આ વર્ષે ટેસ્ટમાંથી નિવૃત્તિ લેતાં જ એ સિરીઝ તેની ટેસ્ટ-કરીઅરની અંતિમ સિરીઝ બની ગઈ હતી.