‘નસીબવંતા’ લિટન દાસની ૧૮ બૉલમાં વિક્રમી હાફ સેન્ચુરી

30 March, 2023 12:09 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

શાકિબે પાંચ વિકેટ લીધી એટલે બંગલાદેશ જીતી ગયું

લિટન દાસે અશરફુલનો ૧૬ વર્ષ જૂનો રેકાૅર્ડ તોડી નાખ્યો. તસવીર એ.એફ.પી.

બંગલાદેશે ગઈ કાલે ચટગ્રામમાં આયરલૅન્ડને બીજી ટી૨૦માં પણ હરાવીને ત્રણ મૅચની સિરીઝમાં ૨-૦થી વિજયી સરસાઈ મેળવી લીધી હતી. ઓપનર-વિકેટકીપર લિટન દાસ (૮૩ રન, ૪૧ બૉલ, ત્રણ સિક્સર, દસ ફોર) અને કૅપ્ટન શાકિબ-અલ-હસન (૪-૦-૨૨-૫) આ જીતના બે હીરો હતા. લિટન દાસે માત્ર ૧૮ બૉલમાં હાફ સેન્ચુરી પૂરી કરી હતી. બંગલાદેશના બૅટર્સમાં આ નવો વિક્રમ છે. લિટન દાસ ૧૬ રને હતો ત્યારે તેનો કૅચ છૂટ્યો હતો. ત્યાર બાદ તેણે મોહમ્મદ અશરફુલનો ૧૬ વર્ષ પહેલાંનો ૨૦ બૉલની હાફ સેન્ચુરીનો રેકૉર્ડ તોડી નાખ્યો હતો. ટી૨૦ ઇન્ટરનૅશનલ્સમાં યુવરાજ સિંહની ઇંગ્લૅન્ડ સામેની ૧૨ બૉલની હાફ સેન્ચુરી વર્લ્ડ રેકૉર્ડ છે.

બંગલાદેશે બૅટિંગ મળ્યા પછી ત્રણ વિકેટે ૨૦૨ રન બનાવ્યા હતા. રૉની તાલુકદારે ૪૪ રન અને શાકિબે અણનમ ૩૮ રન બનાવ્યા હતા. આયરલૅન્ડે જવાબમાં કર્ટિસ કૅમ્ફરની હાફ સેન્ચુરી (૫૦ રન, ૩૦ બૉલ, ત્રણ સિક્સર, ત્રણ સિક્સર) છતાં ૯ વિકેટે માત્ર ૧૨૫ રન બનાવ્યા હતા. શાકિબની પાંચ ઉપરાંત તસ્કિન અહમદે ત્રણ વિકેટ લીધી હતી. લિટન દાસે બે કૅચ પકડ્યા હતા.  ઑલરાઉન્ડ પર્ફોર્મન્સ બદલ શાકિબને મૅન ઑફ ધ મૅચનો અવૉર્ડ અપાયો હતો. હવે આયરલૅન્ડે આવતી કાલે ત્રીજી મૅચ જીતીને ૦-૩ના વાઇટવૉશથી બચવું પડશે.

sports news sports cricket news bangladesh ireland t20 international