ઈરાની કપમાં વિદર્ભે કરી ટ્રોફી જીતવાની હૅટ-ટ્રિક

06 October, 2025 10:02 AM IST  |  Nagpur | Gujarati Mid-day Correspondent

રેસ્ટ આૅફ ઇ​ન્ડિયાને ૯૩ રને હરાવીને વિજેતા બન્યું

ઈરાની કપની ટ્રોફી સાથે ખુશખુશાલ વિદર્ભના પ્લેયર્સ

નાગપુરમાં ઈરાની કપની મૅચના અંતિમ દિવસે રેસ્ટ ઑફ ઇ​ન્ડિયાને ૯૩ રને હરાવીને રણજી ચૅમ્પિયન વિદર્ભ વિજેતા બન્યું હતું. અંતિમ દિવસે વિદર્ભને જીત માટે ૮ વિકેટ અને રેસ્ટ ઑફ ઇ​ન્ડિયાને ૩૩૧ રનની જરૂર હતી. ૩૪૨ અને ૨૩૨ રન કરીને વિદર્ભે ૩૬૧ રનનો ટાર્ગેટ આપ્યો હતો. પહેલી ઇનિંગ્સમાં ૨૧૪ રન કરનાર રેસ્ટ ઑફ ઇ​ન્ડિયા ૭૩.૫ ઓવરમાં ૨૬૭ રન કરીને ઑલઆઉટ થયું હતું.

પહેલી ઇનિંગ્સમાં ૧૪૩ રન ફટકારનાર વિદર્ભનો ઓપનર અથર્વ તાઇડે પ્લેયર ઑફ ધ મૅચ બન્યો હતો. વર્ષ ૧૯૫૯-’૬૦થી રણજી ચૅમ્પિયન ટીમ ઈરાની કપ જીતવા માટે રેસ્ટ ઑફ ઇ​ન્ડિયા સામે રમે છે. વિદર્ભ ૨૦૧૭-’૧૮, ૨૦૧૮-’૧૯ અને ૨૦૨૫-’૨૬માં ઈરાની કપ રમ્યું છે અને ત્રણેયમાં વિજેતા બનીને ટ્રોફી જીતવાની હૅટ-ટ્રિક કરી છે. રેસ્ટ ઑફ ઇ​ન્ડિયા ૩૦ વખત આ ટાઇટલ જીત્યું છે. IPL અને દુલીપ ટ્રોફી જીતનાર રેસ્ટ ઑફ ઇ​ન્ડિયાનો કૅપ્ટન રજત પાટીદાર સતત ત્રીજી ટ્રોફી જીતતાં ચૂકી ગયો હતો.

પાંચમા દિવસે ૧૩મી ઓવરમાં ૩૦/૨ના સ્કોરથી બીજી ઇનિંગ્સની શરૂઆત કરનાર રેસ્ટ ઑફ ઇ​ન્ડિયા માટે યંગ બૅટર યશ ધુલે ૮ ફોર અને એક સિક્સરને આધારે ૧૧૭ બૉલમાં ૯૨ રનની મોટી ઇનિંગ્સ રમી હતી. સ્પિન ઑલરાઉન્ડર માનવ સુથારે ચાર ફોર અને એક સિક્સરની મદદથી ૧૧૩ બૉલમાં ૫૬ રનની અણનમ ઇનિંગ્સ રમી હતી. રણજી ટ્રોફીની એક સીઝનમાં રેકૉર્ડ વિકેટ લેનાર સ્પિનર હર્ષ દુબેએ વિદર્ભ માટે બીજી ઇનિંગ્સમાં ૭૩ રન આપી ચાર વિકેટ ઝડપી હતી. 

irani cup test cricket nagpur cricket news sports sports news