02 May, 2026 09:16 AM IST | Jaipur | Gujarati Mid-day Correspondent
રિયાન પરાગ
જયપુરમાં ગઈ કાલે દિલ્હી કૅપિટલ્સ સામેની ટક્કરમાં સૌથી વધુ ફોકસ રાજસ્થાન રૉયલ્સના વૈભવ સૂર્યવંશી અને કૅપ્ટન રિયાન પરાગ પર હતું. સૂર્યવંશીને T20 ક્રિકેટમાં ૧૦૦ સિકસરના માઇલસ્ટોન અને કાયરન પોલાર્ડનો રેકોર્ડ તોડવા એક જ સિક્સરની જરૂરત હતી. જોકે સૂર્યવંશી કાઇલ જૅમિસનના પહેલા બૉલે ફોર ફટકાર્યા બાદ બીજા બૉલે બોલ્ડ થઈ ગયો હતો. જ્યારે વેપિંગ મામલે સજા મેળવનાર કૅપ્ટન રિયાન પરાગે ૫૦ બૉલમાં પાંચ સિક્સર અને ૮ ફોર સાથે ૯૦ રનની અફલાતૂન ઇનિંગ્સ રમીને ટીમને ૨૦ ઓવરમાં ૬ વિકેટે ૨૨૫ રનના ચૅલેન્જિંગ સ્કોર સુધી લઈ ગયો હતો. તેની આ સીઝનની પ્રથમ હાફ-સેન્ચુરી હતી. કૅપ્ટન તરીકે રમતા રિયાન બીજીવાર નર્વસ નાઇન્ટીઝનો ભોગ બન્યો હતો અને તેણે આ મામલે ડેવિડ વૉર્નરની બરોબરી કરી લીધી હતી.
|
રિયાન પરાગની ધમાકેદાર ઇનિંગ્સ |
|
|
રન |
૯૦ |
|
બૉલ |
૫૦ |
|
ચોગ્ગા |
૦૮ |
|
છગ્ગા |
૦૫ |
રિયાન આ પહેલાં ગઈ સીઝનમાં કોલકાતા સામે ૪૫ બૉલમાં ૯૫ રન બનાવીને આઉટ થયો હતો. રાજસ્થાને ટૉસ જીતીને પહેલા બૅટિંગ કરવાનો નિર્ણય લીધો હતો અને આ સીઝનમાં પહેલી જ મૅચ રમી રહેલા ઑસ્ટ્રેલિયન પેસ બોલર મિચલ સ્ટાર્કના પહેલા જ બૉલે યશસ્વી જયસ્વાલે સિક્સર ફટકારીને તેનું સ્વાગત કર્યું હતું. યશસ્વીએ IPLમાં ચોથીવાર ઇનિંગ્સના પહેલા બૉલે સિક્સર ફટકારીને તેનો જ રેકોર્ડ વધુ મજૂબત કર્યો હતો. પ્રિયાંશ આર્ય આવું બે વાર કરી ચૂક્યો છે. યશસ્વીએ મૅચના પહેલા બૉલે પહેલીવાર સિક્સર ફટકારીને વિરાટ કોહલી, ફિલ સૉલ્ટ, નમન ઓઝા અને પ્રિયાંશ આર્યની પંગતમાં બેસી ગયો હતો. મિચલ સ્ટાર્કે સૌથી વધુ ૩ વિકેટ લીધી હતી જ્યારે જૅમિસન, અક્ષર પટેલ અને ટી. નટરાજનને એક-એક વિકેટ મળી હતી.