05 April, 2026 08:54 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
ડાબેથી કાર્તિક શર્મા અને સાથે પ્રશાંત વીર.
બૅન્ગલોરના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં IPL 2026ના બીજા ડબલ-હેડરની બીજી મૅચ રમાશે. ૧૯મી સીઝનની ૧૧ મૅચમાં ડિફેન્ડિંગ ચૅમ્પિયન રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુ અને પાંચ વખતની ચૅમ્પિયન ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચે રસાકસીનો જંગ જામશે. સનરાઇઝર્સ હૈદરાબાદ સામે ધમાકેદાર ઓપનિંગ મૅચ જીત્યા બાદ એક અઠવાડિયાનો આરામ કરીને બૅન્ગલોર આજે પોતાની બીજી મૅચ રમશે. ચેન્નઈને સીઝનની પહેલી બન્ને મૅચમાં અનુક્રમે રાજસ્થાન સામે ૮ વિકેટે અને પંજાબ સામે પાંચ વિકેટે હાર મળી હતી. રજત પાટીદારની આગેવાની હેઠળના બૅન્ગલોરનું બૅટિંગ-યુનિટ શાનદાર ફૉર્મમાં છે. મુખ્ય પેસ બોલર જૉશ હેઝલવુડની ગેરહાજરીમાં પણ પહેલી મૅચમાં બૅન્ગલોરના બોલિંગ-યુનિટે ૯ વિકેટ લઈને આક્રમક પ્રદર્શન કર્યું હતું. ચેન્નઈના બૅટિંગ-યુનિટે પહેલી મૅચમાં ૧૨૭ રને ઑલઆઉટ થયા બાદ બીજી મૅચમાં ૨૦૯ રન કરીને શાનદાર કમબૅક કર્યું હતું. બન્ને મૅચમાં ચેન્નઈના બોલિંગ-યુનિટની ધાર નબળી જોવા મળી હતી. બોલિંગ-યુનિટને અનુક્રમે બે અને પાંચ વિકેટ જ મળી હતી. આજે ચેન્નઈ સીઝનની પહેલી બે મૅચ હાર્યા બાદ હારની હૅટ-ટ્રિકથી બચવાનો પ્રયાસ કરશે. છેલ્લી ત્રણેય IPL મૅચમાં ચેન્નઈ સામે બૅન્ગલોરે જીત નોંધાવી છે. ૨૦૦૮થી એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં બન્ને ટીમ સામસામે ૧૨ મૅચ રમી છે. અહીં બૅન્ગલોર સામે ચેન્નઈ માત્ર પાંચ મૅચ જીત્યું છે અને ૨૦૨૩માં છેલ્લી મૅચ જીતી હતી. બન્ને વચ્ચેની એક મૅચ નો-રિઝલ્ટ પણ રહી હતી. બૅન્ગલોર પોતાના આ મુખ્ય હોમગ્રાઉન્ડમાં ૧૦૬ મૅચમાંથી બાવન મૅચ જીત્યું છે. ૫૦ મૅચમાં હાર મળી છે અને ૪ મૅચ નો-રિઝલ્ટ રહી છે. ચેન્નઈ અહીં સોળમાંથી ૯ મૅચ જીત્યું છે. ૬ મૅચમાં હાર મળી છે અને એક મૅચ નો-રિઝલ્ટ રહી હતી.
બન્ને ટીમનો હેડ-ટુ-હેડ રેકૉર્ડ
મૅચ : ૩૫
ચેન્નઈની જીત : ૨૧
બૅન્ગલોરની જીત : ૧૩
નો-રિઝલ્ટ : ૧
મૅચનો સમય સાંજે ૭.૩૦ વાગ્યાથી.
IPL ઇતિહાસના સૌથી મોંઘા અનકૅપ્ડ પ્લેયર્સનો ફ્લૉપ શો
ચેન્નઈ સુપર કિંગ્સે નવી સીઝનના ઑક્શનમાં બે યંગ બૅટર્સ પર ૨૮.૪૦ કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો હતો. કાર્તિક શર્મા અને પ્રશાંત વીર નામના આ બન્ને યંગ બૅટર્સ ૧૪.૨૦ કરોડ રૂપિયાની કિંમત સાથે જૉઇન્ટ્લી IPL ઇતિહાસના સૌથી મોંઘા અનકૅપ્ડ પ્લેયર્સ બન્યા હતા. જોકે તેમની ટુર્નામેન્ટની શરૂઆત સાધારણ રહી છે. ઉત્તર પ્રદેશનો ૨૦ વર્ષનો ડાબા હાથનો બૅટર પ્રશાંત વીર પંજાબ સામે ડેબ્યુ મૅચમાં ૭ બૉલમાં ૬ રન જ કરી શક્યો હતો, જ્યારે ૧૯ વર્ષનો રાજસ્થાનનો જમણા હાથનો બૅટર કાર્તિક શર્મા રાજસ્થાન રૉયલ્સ સામે પોતાની ડેબ્યુ મૅચમાં ૧૫ બૉલમાં ૧૮ રન કર્યા બાદ પંજાબ કિંગ્સ સામે ૩ બૉલમાં ૧ રન જ કરી શક્યો હતો.