ખૂબ-ખૂબ આભાર CSK, મને નવી જિંદગી આપવા માટે : સરફરાઝ ખાન

18 December, 2025 10:13 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ત્રણેક વર્ષ બાદ IPLમાં કમબૅકને લીધે ભાવુક થયો સરફરાઝ ખાન

સરફરાઝ ખાન

મંગળવારે IPL 2026ના મિની ઑક્શનમાં પહેલા રાઉન્ડમાં અનસોલ્ડ રહ્યા બાદ આખરે ચેન્નઈ સુપર કિંગ્સ (CSK)એ મુંબઈકર બૅટર સરફરાઝ ખાનને તેની બેઝ-પ્રાઇસ ૭૫ લાખ રૂપિયામાં ટીમમાં સામેલ કરી લીધો હતો. સરફરાઝ ખાન IPLમાં છેલ્લે ૨૦૨૩માં દિલ્હી કૅપિટલ્સ વતી રમ્યો હતો. આમ ૩ વર્ષ બાદ IPLમાં કમબૅક અને પાંચ વખતની ચૅમ્પિયન CSKમાં સમાવેશને લીધે તે ભાવુક થઈ ગયો હતો અને તેણે એક ઇમોશનલ વિડિયો સોશ્યલ મીડિયામાં શૅર કરીને તેની ભાવના વ્યક્ત કરતાં CSKનો આભાર માન્યો હતો.

૨૦૨૩ બાદ સરફરાઝની મોટા ભાગે તેની ફિટનેસને લીધે IPLમાં અવગણના થઈ રહી હતી, પણ ડોમેસ્ટિક સીઝનમાં તેના શાનદાર ફૉર્મને લીધે અને ખાસ કરીને ઑક્શનમાં અમુક કલાકો પહેલાં જ તેણે ૨૨ બૉલમાં ૭૩ રનની ધમાકેદાર ઇનિંગ્સને લીધે ચેન્નઈ ટીમે તેને ખરીદી લીધો હતો. એને લીધે એ ખૂબ જ ઇમોશનલ થઈ ગયો હતો અને એક વિડિયો શૅર કરીને તેની પ્રતિક્રિયા આપી હતી. વિડિયો સાથે તેણે કૅપ્શનમાં લખ્યું હતું કે ‘ખૂબ-ખૂબ આભાર CSK, મને નવી જિંદગી આપવા માટે.’

સરફરાઝે હાલ ચાલી રહેલી સૈયદ મુસ્તાક અલી ટુર્નામેન્ટમાં મુંબઈ વતી રમતાં ૬ ઇનિંગ્સમાં ૬૪ની ઍવરેજ અને ૧૮૨ના સ્ટ્રાઇક-રેટથી ૨૫૬ રન બનાવ્યા હતા. મુંબઈ મંગળવારે નબળા રન-રેટને લીધે ફાઇનલની રેસમાંથી આઉટ થઈ ગયું હતું. 

IPL 2026 sarfaraz khan chennai super kings sports sports news cricket news