ગુજરાત સામે બે બૉલમાં બે રન કરવામાં નિષ્ફળ ગયેલો ડેવિડ મિલર રડી પડ્યો

10 April, 2026 02:45 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રિટાયર્ડ હર્ટ થયા પછી પાછો આવીને ધમાકેદાર બૅટિંગ કરી, પણ સેકન્ડલાસ્ટ બૉલમાં સિંગલ ન લેવાની ભૂલ ભારે પડી : દિલ્હીને રેકૉર્ડ ચોથી વખત ૧ રનથી હાર મળી

ડેવિડ મિલર

બુધવારે ગુજરાત ટાઇટન્સે પહેલી વખત ૧ રનથી જીત નોંધાવીને વર્તમાન સીઝનમાં હારની હૅટ-ટ્રિકથી બચીને પહેલો વિજય મેળવ્યો હતો. ગુજરાતના ૪ વિકેટે ૨૧૦ના સ્કોર બાદ દિલ્હી કૅપિટલ્સ ૨૦ ઓવરમાં ૮ વિકેટ ગુમાવીને ૨૦૯ રન કરી શક્યું હતું. આ સાથે દિલ્હી IPLમાં સૌથી વધુ ચાર વખત ૧ રનથી હારનારી ટીમ બની હતી. અગાઉ દિલ્હી ૨૦૧૫માં ચેન્નઈ સુપર કિંગ્સ સામે, ૨૦૧૬માં ગુજરાત લાયન્સ સામે અને ૨૦૨૧માં રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુ સામે ૧ રનથી હાર્યું હતું. ઓપનર કે. એલ. રાહુલની બાવન બૉલની ૯૨ રનની શાનદાર ઇનિંગ્સ બાદ ડેવિડ મિલરે ૨૦૫ના સ્ટ્રાઇક-રેટથી બૅટિંગ કરીને દિલ્હીને રન-ચેઝમાં વાપસી કરાવી આપી હતી. તેણે ૩ ફોર અને ૩ સિક્સના આધારે ૨૦ બૉલમાં ૪૧ રન ઝૂડી નાખ્યા હતા. તેણે વર્તમાન સીઝનમાં ૧૦૬ મીટરની લાંબી સિક્સર ફટકારવાના બૅન્ગલોરના ફિનિશર ટિમ ડેવિડના રેકૉર્ડની પણ બરાબરી કરી હતી. ફાસ્ટ બોલર પ્રસિદ્ધ ક્રિષ્નાની ઓવરમાં જ્યારે છેલ્લા બે બૉલમાં બે રન બનાવવાની જરૂર હતી ત્યારે ડેવિડ મિલર સાથે કુલદીપ યાદવ બૅટિંગ કરી રહ્યો હતો. છેલ્લેથી બીજા બૉલમાં એક રન લઈને મૅચ ટાઇ કરવાની તક નકારીને ડેવિડ મિલરે અંતિમ બૉલમાં પોતે જ વિનિંગ શૉટ મારવાનું નક્કી કર્યું હતું. જોકે એ અંતિમ બૉલમાં મિલર શૉટ રમવાનું ચૂકી ગયો અને જોસ બટલરે એક રન દોડવા ગયેલા કુલદીપ યાદવને રનઆઉટ કરીને ગુજરાતને મૅચ જિતાડી આપી હતી. મૅચ બાદ ડેવિડ મિલર ડ્રેસિંગ રૂમમાં રડતો જોવા મળ્યો હતો. ઇન્ટરનૅશનલ ક્રિકેટમાં આ અગાઉ પણ તેણે આવા અપસેટનો સામનો કરવો પડ્યો હતો.

gujarat titans delhi capitals IPL 2026 david warner shubman gill sports news sports cricket news