09 May, 2026 07:58 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
ફિન ઍલને અણનમ ૧૦૦ રન કર્યા હતા.
IPL 2026માં કોલકાતા નાઇટ રાઇડર્સે ૩૪ બૉલ પહેલાં દિલ્હી કૅપિટલ્સ સામે ૮ વિકેટે જીત મેળવી હતી. દિલ્હીએ માંડ-માંડ ૧૪૨-૮નો સ્કોર કર્યો હતો. જવાબમાં ફિન ઍલને ૪૭ બૉલમાં કલકત્તા માટે ફાસ્ટેસ્ટ સદી ફટકારીને ૧૪.૨ ઓવરમાં બે વિકેટે ૧૪૭ રન કરીને ૧૪૩ રનનો ટાર્ગેટ ચેઝ કરાવી આપ્યો હતો. શરૂઆતની ૬ મૅચમાં પરાજિત રહ્યા બાદ લાગલગાટ ચોથી જીત સાથે કલકત્તા ૯ પૉઇન્ટ સાથે આઠમાથી સાતમા ક્રમે પહોંચ્યું છે. સતત બીજી અને ઓવરઑલ સાતમી હારને કારણે ૮ પૉઇન્ટ સાથે દિલ્હી સાતમાથી આઠમા ક્રમે સરકી ગયું છે. દિલ્હી સામે કલકત્તાની આ સતત ચોથી જીત પણ છે. વર્તમાન સીઝનમાં દિલ્હીને ઘરઆંગણે ૬ મૅચમાંથી સતત પાંચમી હાર મળી છે. દિલ્હીના ઓપનર પથુમ નિસાન્કાએ ૨૯ બૉલમાં પાંચ ફોર અને ત્રણ સિક્સની મદદથી ૫૦ રન ફટકાર્યા હતા. આશુતોષ શર્માએ ૨૮ બૉલમાં ૩૯ રનનું યોગદાન આપ્યું હતું. કલકત્તાના સ્પિનર અનુકુલ રૉય અને ફાસ્ટ બોલર કાર્તિક ત્યાગીને બે-બે વિકેટ મળી હતી. રન-ચેઝ દરમ્યાન ફિન ઍલને ૪૭ બૉલમાં ૨૧૨.૭૭ના સ્ટ્રાઇક-રેટથી બૅટિંગ કરીને પાંચ ફોર અને ૧૦ સિક્સની મદદથી અણનમ ૧૦૦ રન કર્યા હતા. સિક્સ ફટકારીને તેણે પોતાની પહેલી IPL સદી પૂર્ણ કરી હતી. કૅમરન ગ્રીને ૨૭ બૉલમાં બે સિક્સની મદદથી અણનમ ૩૩ રન કર્યા હતા. દિલ્હીના કૅપ્ટન અક્ષર પટેલને જ એકમાત્ર વિકેટ મળી હતી. તેણે ૪ ઓવરમાં ૨૭ રન આપીને એક વિકેટ લીધી હતી.
6.28 ખરાબ ઍવરેજથી એક IPL સીઝનમાં રન બનાવનાર ભારતીય કૅપ્ટન બન્યો અક્ષર પટેલે. ૧૦ મૅચમાં માત્ર ૪૪ રન કર્યા.
ગૌતમ ગંભીરે પોતાની બે IPL ટીમોની મૅચનો આનંદ માણ્યો
ભારતીય ટીમના હેડ કોચ ગૌતમ ગંભીર અને બૅટિંગકોચ સિતાંશુ કોટક ગઈ કાલે દિલ્હી અને કલકત્તાની મૅચ જોવા અરુણ જેટલી સ્ટેડિયમ પહોંચ્યા હતા. ગૌતમ ગંભીર ભારતીય સિલેક્ટર આર. પી. સિંહ અને ક્રિકેટ બોર્ડના વાઇસ-પ્રેસિડન્ટ રાજીવ શુક્લા સાથે VIP બૉક્સમાં મૅચનો આનંદ માણતો જોવા મળ્યો હતો. ગૌતમ ગંભીર IPLમાં માત્ર બે ટીમ દિલ્હી અને કલકત્તા માટે જ રમ્યો છે. શરૂઆતની ૩ સીઝન સહિત ૨૦૧૮ની અંતિમ સીઝન તે દિલ્હી માટે રમ્યો હતો. ૨૦૧૧થી ૨૦૧૭ની સતત ૭ સીઝન તે કલકત્તા માટે રમ્યો હતો.