ચેન્નઈની ટૉપ ફોરની આશાને લાગ્યો મોટો ફટકો, હૈદરાબાદ સાથે ગુજરાતની પણ પ્લેઑફમાં એન્ટ્રી

19 May, 2026 02:12 PM IST  |  Chennai | Gujarati Mid-day Correspondent

ચેન્નઈના ૧૮૧ રનના ટાર્ગેટને ૧૯ ઓવરમાં ચેઝ કરીને પાંચ વિકેટે જીત્યું હૈદરાબાદ

હૈદરાબાદના ઈશાન કિશન અને હેન્રિક ક્લાસેને ત્રીજી વિકેટ માટે ૭૫ રનની મૅચવિનિંગ ભાગીદારી કરી હતી.

ગઈ કાલે ચેપૉક સ્ટેડિયમમાં ચેન્નઈ સુપર કિંગ્સ સામે સનરાઇઝર્સ હૈદરાબાદે પાંચ વિકેટે જીત મેળવી હતી. આ હરીફ સામે હૈદરાબાદે ૨૦૨૫થી હમણાં સુધી હૅટ-ટ્રિક જીત નોંધાવી છે. ચેન્નઈએ ૭ વિકેટ ગુમાવીને ૧૮૦ રન કર્યા હતા. જવાબમાં હૈદરાબાદે ત્રીજી વિકેટની ૭૫ રનની ભાગીદારીના આધારે ૧૯ ઓવરમાં પાંચ વિકેટે ૧૮૧ રનનો ટાર્ગેટ ચેઝ કર્યો હતો.  અન્ય ટીમની વર્તમાન સ્થિતિને ધ્યાનમાં લેતાં ૧૬-૧૬ પૉઇન્ટ સાથે હૈદરાબાદ સામે ગુજરાત ટાઇટન્સે પણ પ્લેઑફમાં બૅન્ગલોર સાથે સ્થાન પાક્કું કર્યું છે. ૧૩ મૅચમાં ૬ જીત સાથે ૧૨ પૉઇન્ટ ધરાવતા ચેન્નઈની પ્લેઑફની આશા હવે બીજી ટીમની મૅચનાં રિઝલ્ટ પર આધારિત હશે, કારણ કે ગુજરાત સામે પોતાની અંતિમ મૅચ જીતીને પણ આ ટીમ ૧૪ પૉઇન્ટ સુધી જ પહોંચી શકશે. ટૉસ જીતીને પહેલાં બૅટિંગ કરનાર ચેન્નઈ માટે ડેવાલ્ડ બ્રેવિસે ૨૭ બૉલમાં બે ફોર અને ચાર સિક્સની મદદથી ૪૪ રન કર્યા હતા. કાર્તિક શર્માએ ૧૯ બૉલમાં ૩૨ રન, સંજુ સૅમસને ૧૩ બૉલમાં ૨૭ રન અને શિવમ દુબેએ ૨૩ બૉલમાં ૨૬ રનનું યોગદાન આપ્યું હતું. હૈદરાબાદ માટે પૅટ કમિન્સે ૪ ઓવરમાં ૨૮ રન આપીને ૩ વિકેટ લીધી હતી. સાકિબ હુસેનને બે વિકેટ, ઈશાન મલિંગા અને પ્રફુલ હિંગેને ૧-૧ સફળતા મળી હતી. હૈદરાબાદ માટે રન-ચેઝ દરમ્યાન ઈશાન કિશન અને હેન્રિક ક્લાસેને તોફાની બૅટિંગ કરી હતી. હેન્રિક ક્લાસેને ૨૬ બૉલમાં ૬ ફોર અને બે સિક્સની મદદથી ૪૭ રન કરીને ટુર્નામેન્ટમાં ૨૦૦૦ રન પૂરા કર્યા હતા. ઈશાન કિશને ૪૭ બૉલમાં ૭ ફોર અને ત્રણ સિક્સની મદદથી ૭૦ રન કર્યા હતા. ચેન્નઈ માટે મુકેશ ચૌધરીએ ૩૬ રન આપીને બે વિકેટ લીધી હતી. ખરાબ ફીલ્ડિંગ ચેન્નઈની આ સતત બીજી હારનું મુખ્ય કારણ બની હતી. IPLમાં કૅપ્ટન તરીકે સૌથી વધુ 41 વિકેટ લેનાર ફાસ્ટ બોલર બન્યો પૅટ કમિન્સ. હાર્દિક પંડ્યાનો ૪૦ વિકેટનો રેકૉર્ડ તોડ્યો.

chennai super kings sunrisers hyderabad IPL 2026 ishan kishan cricket news sports sports news