09 April, 2025 06:55 AM IST | Chennai | Gujarati Mid-day Correspondent
રિકી પૉન્ટિંગે અને મહેન્દ્ર સિંહ ધોની
પંજાબ કિંગ્સના હેડ કોચ અને ભૂતપૂર્વ ઑસ્ટ્રેલિયન કૅપ્ટન રિકી પૉન્ટિંગે ભારતના ભૂતપૂર્વ કૅપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીના રિટાયરમેન્ટ પર મોટું નિવેદન આપ્યું છે. ૪૩ વર્ષનો ધોની વર્તમાન IPL સીઝનમાં તેની નબળી બૅટિંગ, બૅટિંગ-ક્રમ અને મૅચ પૂર્ણ કરવાની અસમર્થતાને કારણે ટીકાઓથી ઘેરાયેલો છે. ૫૦ વર્ષના પૉન્ટિંગે રિટાયરમેન્ટ વિશે ધોનીએ ક્યારે વિચારવું જોઈએ એ વિશે સલાહ-સૂચન આપ્યું છે.
એક ઇન્ટરવ્યુમાં પૉન્ટિંગ કહે છે, ‘આ સીઝન કેવી જશે એના પર આધાર રાખે છે. જો ધોની બૅટથી સારું પ્રદર્શન કરી શકે છે તો મને લાગે છે કે તે રમવાનું ચાલુ રાખશે. જો તેના બૅટિંગ પ્રદર્શનમાં ઘટાડો થાય તો તે રિટાયરમેન્ટ વિશે વિચારવાનું શરૂ કરી શકે છે. તે લાંબા સમયથી એક મહાન પ્લેયર રહ્યો છે. મને લાગે છે કે છેલ્લાં કેટલાંક વર્ષોમાં તેની ભૂમિકા થોડી ઓછી થઈ ગઈ છે. તે ફક્ત છેલ્લા ૧૦-૧૨ બૉલ માટે આવે છે અને મોટો પ્રભાવ પાડવાનો પ્રયાસ કરે છે. ધોની હજી પણ IPLમાં ખતરનાક છે. તેની વિકેટકીપિંગમાં કોઈ ઘટાડો થયો નથી. તે સ્પિનરો સામે સ્ટમ્પ્સ પાસે ઊભા રહીને તકો ગુમાવતો નથી અને પહેલા જેટલો જ ઍક્ટિવ છે.’