IPLમાં લખનઉ અને દિલ્હી વચ્ચે રહ્યો છે બરાબરીનો જંગ

22 April, 2025 08:12 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

કે. એલ. રાહુલ પોતાના જૂના હોમ ગ્રાઉન્ડ એકાના સ્ટેડિયમમાં જૂની ટીમ લખનઉ વિરુદ્ધ પહેલી વાર રમશે

કે. એલ. રાહુલ

IPL 2025ની ૪૦મી મૅચ આજે લખનઉ સુપર જાયન્ટ્સ (LSG) અને દિલ્હી કૅપિટલ્સ (DC) વચ્ચે રમાશે. આ ટુર્નામેન્ટમાં બન્ને ટીમ વચ્ચે બરાબરીની ટક્કર રહી છે. બન્ને ટીમ વચ્ચેની ટક્કરમાં પહેલી ત્રણ મૅચ લખનઉએ અને છેલ્લી ત્રણ મૅચ દિલ્હીએ જીતી છે. વર્તમાન સીઝનમાં બન્ને વચ્ચે થયેલી પહેલી ટક્કરમાં દિલ્હીએ લખનઉ સામે ૨૧૦ રનનો ટાર્ગેટ ચેઝ કરીને એક વિકેટે રોમાંચક જીતી મેળવી હતી. એકાના સ્ટેડિયમમાં બન્ને ટીમ વચ્ચે બે મૅચ રમાઈ છે અને બન્ને ટીમે એક-એક જીત નોંધાવી છે.

હેડ-ટુ-હેડ રેકૉર્ડ

કુલ મૅચ

૦૬

DCની જીત

૦૩

LSGની જીત

૦૩

બન્ને ટીમોએ અત્યાર સુધી સારું પ્રદર્શન કર્યું છે અને ૧૦-૧૦ પૉઇન્ટ મેળવ્યા છે, પરંતુ બન્ને ટીમોના કૅપ્ટન્સનું પ્રદર્શન અત્યાર સુધી સારું રહ્યું નથી. લખનઉનો વિકેટકીપર-બૅટર રિષભ પંત ૮ મૅચમાં ફક્ત ૧૦૬ રન ફટકારી શક્યો છે, જ્યારે દિલ્હીના ઑલરાઉન્ડર અક્ષર પટેલે ૧૪૦ રન બનાવ્યા છે અને સાત મૅચમાં ફક્ત એક વિકેટ લઈ શક્યો છે. આ મૅચમાં દિલ્હી કૅપિટલ્સના અનુભવી વિકેટકીપર-બૅટર કે. એલ. રાહુલના પ્રદર્શન પર સૌની નજર રહેશે, કારણ કે તે આજે તેના જૂના હોમ ગ્રાઉન્ડ એકાના સ્ટેડિયમમાં જૂની ટીમ લખનઉ સામે પહેલી વાર રમતો જોવા મળશે. સીઝનમાં દિલ્હી-લખનઉની પહેલી ટક્કર સમયે દીકરાના જન્મના કારણે રાહુલ મૅચ માટે ઉપલબ્ધ રહી શક્યો નહોતો.

IPL 2025 lucknow super giants delhi capitals kl rahul Rishabh Pant cricket news