05 May, 2025 10:28 AM IST | Chennai | Gujarati Mid-day Correspondent
આયુષ મ્હાત્રે
મુંબઈના યંગ બૅટર આયુષ મ્હાત્રેએ શનિવારે ચેન્નઈ સુપર કિંગ્સ માટે રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુ સામે શાનદાર ઇનિંગ્સ રમી હતી. પોતાની ચોથી IPL મૅચમાં તેણે ૧૯૫.૮૩ના સ્ટ્રાઇક-રેટથી બૅટિંગ કરતાં નવ ચોગ્ગા અને પાંચ છગ્ગાની મદદથી ૪૮ બૉલમાં ૯૪ રન ફટકારીને ૨૧૪ રનના ટાર્ગેટ-ચેઝને સરળ બનાવ્યો હતો. ૬ રનથી સેન્ચુરી ચૂકનાર આ પ્લેયરે ચેન્નઈના ભૂતપૂર્વ ક્રિકેટર સુરેશ રૈનાનો ૧૭ વર્ષ જૂનો રેકૉર્ડ તોડ્યો હતો.
૧૭ વર્ષ ૨૯૧ દિવસની ઉંમરે IPLમાં ફિફ્ટી ફટકારનાર આયુષ ચેન્નઈનો યંગેસ્ટ પ્લેયર બન્યો છે. આ પહેલાં ૨૦૦૮માં સુરેશ રૈનાએ ૨૧ વર્ષ ૧૪૮ દિવસની ઉંમરે મુંબઈ ઇન્ડિયન્સ સામે ફિફ્ટી ફટકારીને આ રેકૉર્ડ બનાવ્યો હતો. મુંબઈ માટે ડોમેસ્ટિક ક્રિકેટ રમતા આયુષે વાનખેડે સ્ટેડિયમમાં મુંબઈ ઇન્ડિયન્સ સામે IPL ડેબ્યુ કરીને ચેન્નઈનો યંગેસ્ટ પ્લેયર બનવાની સિદ્ધિ પણ મેળવી હતી.