સતત પાંચમી હારથી પંજાબને બચાવવા કૅપ્ટન શિખર ધવન કરશે વાપસી?

26 April, 2024 07:03 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

શાહરુખ ખાન અને પ્રીતિ ઝિન્ટાની ટીમ વચ્ચે આજે ટક્કર

શાહ રૂખ ખાન , પ્રીતી ઝિન્ટા

આજની મૅચ :કોલકાતા નાઇટ રાઇડર્સ v/s પંજાબ કિંગ્સ, કલકત્તા, સાંજે ૭.૩૦ વાગ્યે,  કલકત્તા
આવતી કાલની મૅચ : દિલ્હી કૅપિટલ્સ v/s મુંબઈ ઇન્ડિયન્સ, બપોરે ૩.૩૦ વાગ્યે, દિલ્હી , લખનઉ સુપર જાયન્ટ્સ v/s રાજસ્થાન રૉયલ્સ, સાંજે ૭.૩૦ વાગ્યે, લખનઉ

ઇન્ડિયન પ્રીમિયર લીગ(IPL)ની ૧૭મી સીઝનની ૪૨મી મૅચ આજે ઈડન ગાર્ડન્સમાં શાહરુખ ખાનની કોલકાતા નાઇટ રાઇડર્સ અને પ્રીતિ ઝિન્ટાની પંજાબ કિંગ્સ વચ્ચે રમાશે. કલકત્તાની ટીમ ૧૦ પૉઇન્ટ સાથે પ્લેઑફની રેસમાં બીજા ક્રમે છે, જ્યારે પંજાબની ટીમ માત્ર બે જીત સાથે સૌથી તળિયાની ટીમોમાં સામેલ થઈ છે. પંજાબની ટીમ પર આજે સતત પાંચમી હારનો ખતરો છે. પ્લેઑફની રેસમાં બની રહેવા માટે આ ટીમે હવે પછીની ૬ મૅચ જીતવી જરૂરી છે, જ્યારે કલકત્તાને પ્લેઑફ માટે ક્વૉલિફાય થવા માત્ર ૩ જીતની જરૂર રહેશે. 

૭ મૅચમાં ચાર વખત ૨૦૦થી વધુ રન બનાવનાર કલકત્તાની ટીમના કૅપ્ટન શ્રેયસ ઐયર સિવાય તમામ નિષ્ણાત બૅટ્સમેનોએ ૧૫૦થી વધુની સ્ટ્રાઇક-રેટથી રન બનાવ્યા છે. વેન્કટેશ ઐયર ખરાબ ફૉર્મમાં છે, જ્યારે નીતીશ રાણાની આંગળીમાં ફ્રૅક્ચરને કારણે તેની ગેરહાજરીને કારણે ટીમમાં માસ્ટર સ્પિન બૅટ્સમૅન અને ઉપયોગી ઑફ-બ્રેક બોલરનો અભાવ છે. માત્ર સુનીલ નારાયણ જ બોલિંગમાં શિસ્તબદ્ધ પ્રદર્શન કરી શક્યો છે. તેનો ઇકૉનૉમી રેટ સાતની આસપાસ રહ્યો છે, જે ‘ઇમ્પૅક્ટ પ્લેયર રૂલ્સ’ના આ યુગમાં એકદમ અસરકારક છે.

પ્રૅક્ટિસ સેશન દરમ્યાન શિખર ધવન અને ગૌતમ ગંભીર.

IPLના ઇતિહાસના સૌથી મોંઘા ખેલાડી મિચલ સ્ટાર્કના પ્રદર્શન પર આજે સૌની નજર રહેશે. ૨૪.૭૫ કરોડના આ ખેલાડીએ ૭ મૅચમાં માત્ર ૬ વિકેટ લઈને ૨૮૭ રન આપ્યા છે. તે પર્પલ કૅપની રેસમાં હાલમાં ૪૦મા ક્રમે છે. ત્યારે પંજાબની નબળી બૅટિંગ લાઇનઅપ સામે તરખાટ મચાવવાની તેની પાસે સ્વર્ણિમ તક છે. સ્ટાર્કની તુલનામાં હર્ષિત રાણા (૯.૨૫ની ઇકૉનૉમીમાં ૯ વિકેટ) અને વૈભવ અરોરા (૯.૫૭ની ઇકૉનૉમીમાં ૭ વિકેટ) જેવા સ્થાનિક બોલરો વધુ સારા સાબિત થયા છે.

પંજાબ કૅમ્પને આશા હશે કે તેમનો નિયમિત કૅપ્ટન શિખર ધવન ખભાની ઈજામાંથી સાજા થયા બાદ ઝડપી પુનરાગમન કરશે. સૅમ કરૅનની કૅપ્ટન્સીમાં આજે પંજાબ પર સતત પાંચમી હારનો ખતરો છે, જ્યારે પંજાબના ફૅન્સ આશા રાખી રહ્યા છે કે આજની મૅચ જીતીને પંજાબ પ્લેઑફની રેસમાં બની રહે.

હેડ ટુ હેડ રેકૉર્ડ
કુલ મૅચ             ૩૨
કલકત્તાની જીત  ૨૧
પંજાબની જીત   ૧૧

sports news sports cricket news IPL 2024 shikhar dhawan punjab kings kolkata knight riders gautam gambhir Shah Rukh Khan priety zinta