T20 મૅચમાં એક બોલર સામે ૬૦ પ્લસ રન ફટકારનાર વિશ્વનો પ્રથમ બૅટર બન્યો રિષભ પંત

26 April, 2024 06:49 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મોહિત શર્માના ૧૮ બૉલમાં ૬૨ રન ઝૂડ્યા દિલ્હીના કૅપ્ટને

રિષભ પંત

દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં દિલ્હી કૅપિટલ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે રમાયેલી ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની ૧૭મી સીઝનની ૪૦મી મૅચમાં ઑલરાઉન્ડર પ્રદર્શન કરીને દિલ્હીએ ૪ રનથી જીત મેળવી હતી. દિલ્હીએ ૪ વિકેટ ગુમાવીને ૨૨૪ રન ફટકાર્યા હતા. ૨૨૫ રનનો ટાર્ગેટ ચેઝ કરવા ઊતરેલી ગુજરાતની ટીમ ૮ વિકેટ ગુમાવીને ૨૨૦ રન બનાવી શકી હતી. સીઝનની ચોથી જીત સાથે દિલ્હીની ટીમ પૉઇન્ટ્સ-ટેબલમાં ગુજરાતથી આગળ છઠ્ઠા ક્રમે પહોંચી છે. બન્ને ટીમના ૮ પૉઇન્ટ્સ છે, પરતું નેટ રન રેટના ફરકને કારણે ગુજરાત પૉઇન્ટ્સ-ટેબલમાં સાતમા ક્રમે છે. 
આ મૅચમાં અક્ષર પટેલ, રિષભ પંત, સાઈ સુદર્શન અને ડેવિડ મિલરની બૅટથી ફિફ્ટી પ્લસનો સ્કોર જોવા મળ્યો હતો, જેમાં દિલ્હીના કૅપ્ટન રિષભ પંતે ૨૦૪.૬૫ના સ્ટ્રાઇક-રેટથી પાંચ ચોગ્ગા અને ૮ સિક્સરની મદદથી ૪૩ બૉલમાં ૮૮ રન ફટકારી પ્લેયર ઑફ ધ મૅચનો અવૉર્ડ જીતીને T20 વર્લ્ડ કપ માટેની દાવેદારી મજબૂત કરી હતી.

કુલ ૩૪૨ રન ફટકારી ઑરેન્જ કૅપની રેસમાં ત્રીજા ક્રમે પહોંચેલા પંતે તેની ઇનિંગ્સ દરમ્યાન T20 મૅચમાં એક બોલર સામે બૅટ્સમૅન દ્વારા સૌથી વધુ રન બનાવવાનો મોટો વર્લ્ડ રેકૉર્ડ બનાવ્યો હતો. ૨૬ વર્ષના પંતે અનુભવી બોલર મોહિત શર્માના ૧૮ બૉલમાં ૬૨ રન બનાવ્યા, જેમાં સાત ચોગ્ગા અને ત્રણ છગ્ગાનો સમાવેશ થાય છે. વિશ્વમાં કોઈ પણ T20 મૅચમાં એક બોલર સામે કોઈ પણ બૅટ્સમૅન દ્વારા બનાવવામાં આવેલા આ સૌથી વધુ રન જ નથી, એક જ દાવમાં બોલર સામે ૬૦+ રન બનાવનાર ખેલાડીનો પણ આ પ્રથમ રેકૉર્ડ છે.

એક T20 મૅચમાં બોલર સામે બૅટ્સમૅન દ્વારા સૌથી વધુ રન

બૅટર

બોલર

મૅચ

રન

બૉલ

રિષભ પંત

મોહિત શર્મા

દિલ્હી v/s ગુજરાત

૬૨

૧૮

ઉસ્માન ખાન

કૈસ અહમદ

મુલતાન v/s લાહોર

૫૪

૧૮

કૅમરન ડેલપોર્ટ

ટૉમ કરન

એસેક્સ v/s સરે

૫૩

૧૫

વિરાટ કોહલી

ઉમેશ યાદવ

બૅન્ગલોર v/s દિલ્હી

૫૨

૧૭

હાશિમ અમલા

લસિથ મલિંગા

પંજાબ v/s મુંબઈ

૫૧

૧૬

 

sports news sports cricket news IPL 2024 Rishabh Pant gujarat titans delhi capitals