રન-ચેઝમાં હાઇએસ્ટ સ્કોરર બની ગયો આ ઑસ્ટ્રેલિયન

25 April, 2024 07:29 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઑસ્ટ્રેલિયા ક્રિકેટના સેન્ટ્રલ કૉન્ટ્રૅક્ટમાંથી બહાર થનાર ૩૪ વર્ષના સ્ટૉઇનિસે દેશ માટે ફરી ક્રિકેટ રમવાની ઇચ્છા વ્યક્ત કરી હતી.

માર્કસ સ્ટૉઇનિસ

ચેપૉકના મેદાન પર રમાયેલી ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની ૧૭મી સીઝનની ૩૯મી મૅચમાં ૬ વિકેટે જીત મેળવીને લખનઉ સુપર જાયન્ટ્સે ચેન્નઈ સુપર કિંગ્સને સતત બીજી મૅચમાં હરાવી હતી. પ્રથમ ઇનિંગ્સમાં કૅપ્ટન ઋતુરાજ ગાયકવાડના ૧૦૮ રન, ઋતુરાજ અને શિવમ દુબે વચ્ચેની ૧૦૪ રનની પાર્ટનરશિપ અને માર્કસ સ્ટૉઇનિસની ઐતિહાસિક ૧૨૪ રનની ઇનિંગ્સને કારણે આ મૅચમાં ૪૨૩ રન બન્યા હતા. માત્ર ૪-૪ વિકેટ ગુમાવનાર બન્ને ટીમે ૨૦ સિક્સર અને ૩૮ ચોગ્ગા ફટકાર્યા હતા.

ટૉસ હારીને પ્રથમ બૅટિંગ કરતાં ચેન્નઈએ ૪ વિકેટે ૨૧૦ રન બનાવ્યા હતા. ચેન્નઈના ઋતુરાજ ગાયકવાડે ૧૦૮ (અણનમ) રન કર્યા હતા. જવાબમાં લખનઉએ ૧૯.૩ ઓવરમાં ૪ વિકેટ ગુમાવીને લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો. લખનઉના સ્ટૉઇનિસે ૧૨૪ (અણનમ) રન કર્યા હતા, જે IPL રન-ચેઝમાં ખેલાડીનો સર્વોચ્ચ સ્કોર છે. અગાઉ ૨૦૧૧માં પંજાબ કિંગ્સના પૉલ વાલ્થટીએ મોહાલીમાં ચેન્નઈ સામે પીછો કરતી વખતે અણનમ ૧૨૦ રન બનાવ્યા હતા. લખનઉ માટે આ બીજો સર્વશ્રેષ્ઠ વ્યક્તિગત સ્કોર છે. લખનઉ માટે ક્વિન્ટન ડી કૉકે ૨૦૨૨માં કલકત્તા સામે ૧૪૦ રન કર્યા હતા. ચેન્નઈ સામેની મૅચ બાદ લખનઉએ એક વિડિયો શૅર કર્યો હતો જેમાં સ્ટૉઇનિસે અગાઉ ધોનીએ શું સલાહ આપી હતી એ કહ્યું હતું. વિડિયોમાં સ્ટૉઇનિસે કહ્યું કે ‘ધોનીએ મને એક વાર કહ્યું હતું કે મોટી મૅચોમાં દરેક વ્યક્તિ વિચારે છે કે તેણે કંઈક એક્સ્ટ્રા કરવું છે અને તેણે કંઈક અલગ કરવું જોઈએ. ધોનીએ આપેલો એ મંત્ર હજી પણ મને યાદ છે. તેણે એમ પણ કહ્યું હતું કે દરેક વ્યક્તિ બદલાય છે, પરંતુ હું એકમાત્ર એવો ખેલાડી છું જે બદલાયો નથી અને એ જ મને સૌથી આગળ રાખે છે.’

ધોનીના ગુરુમંત્રને કારણે માર્કસ સ્ટૉઇનિસે ચેન્નઈ સામે શાનદાર દેખાવ કર્યો હતો. 
૬ સિક્સર અને ૧૩ રનની મદદથી ૬૩ બૉલમાં ૧૨૪ રન બનાવનાર સ્ટૉઇનિસ પ્લેયર ઑફ ધ મૅચ બન્યો હતો. ઑસ્ટ્રેલિયા ક્રિકેટના સેન્ટ્રલ કૉન્ટ્રૅક્ટમાંથી બહાર થનાર ૩૪ વર્ષના સ્ટૉઇનિસે દેશ માટે ફરી ક્રિકેટ રમવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. ૫૬ બૉલમાં ૧૦૦ રન ફટકારનાર ઋતુરાજ ગાયકવાડ ચેન્નઈ સુપર કિંગ્સના કૅપ્ટન તરીકે સેન્ચુરી મારનાર પ્રથમ કૅપ્ટન બન્યો છે. સાથે જ તે એવો પહેલો ચેન્નઈનો ખેલાડી બન્યો છે જેણે સદી ફટકાર્યા છતાં ટીમ મૅચ હારી ગઈ હોય. 

90
આટલી મૅચ બાદ માર્કસ સ્ટૉનિસે IPLમાં પ્રથમ સેન્ચુરી ફટકારી હતી

IPL રન-ચેઝમાં સૌથી વધુ વ્યક્તિગત સ્કોર

રન

ખેલાડી

વિરોધી ટીમ

વર્ષ

૧૨૪*

માર્કસ સ્ટૉઇનિસ (લખનઉ)

ચેન્નઈ

૨૦૨૪

૧૨૦*

પૉલ વાલ્થટી (પંજાબ)

ચેન્નઈ

૨૦૧૧

૧૧૯

વીરેન્દર સેહવાગ (દિલ્હી)

 હૈદરાબાદ

૨૦૧૧

૧૧૯

સંજુ સૅમસન (રાજસ્થાન)

 પંજાબ

૨૦૨૧

૧૧૭*

શેન વૉટ્સન (ચેન્નઈ)

 હૈદરાબાદ

૨૦૧૮

આટલી મૅચ બાદ માર્કસ સ્ટૉઇનિસે IPLમાં પ્રથમ સેન્ચુરી ફટકારી હતી

 

sports news sports cricket news IPL 2024 chennai super kings lucknow super giants ruturaj gaikwad