ટૉપ ટૂની ટક્કરમાં કોણ બનશે સિકંદર?

16 April, 2024 07:49 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બે વિકેટ લઈને યુઝવેન્દ્ર ચહલ ૨૦૦ IPL વિકેટ લેનાર પ્રથમ બોલર બની શકે

આઇપીએલ ૨૦૨૪

આજે કલકત્તામાં ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની ૧૭મી સીઝનની હાલની પૉઇન્ટ્સ-ટેબલની ટૉપ ટૂ ટીમો વચ્ચે ટક્કર થશે. કોલકાતા નાઇટ રાઇડર્સ (૮ પૉઇન્ટ) સતત બીજી જીત મેળવીને રનરેટના આધારે નંબર વન બનવાનો પ્રયાસ કરશે, જ્યારે રાજસ્થાન રૉયલ્સની નજર સતત બીજી જીત મેળવીને ક્વૉલિફાય થવાની દિશામાં આગળ વધવા પર હશે. 

૨૦૧૨ અને ૨૦૧૪માં ગૌતમ ગંભીરના નેતૃત્વમાં IPL ચૅમ્પિયન બનનાર કલકત્તાની ટીમ તેની જ મેન્ટરશિપમાં ૧૭મી સીઝનમાં ધૂમ મચાવી રહી છે. ઈડન ગાર્ડન્સમાં ઑલરાઉન્ડર સુનીલ નારાયણે વિરોધીઓને ખૂબ હેરાન કર્યા છે. લખનઉ સુપર જાયન્ટ્સ સામેની મૅચમાં મિચેલ સ્ટાર્ક અને ફિલ સૉલ્ટ નવા મૅચ-વિનર બનીને સામે આવ્યા હતા. જો આજે કલકત્તા જીતશે તો હોમગ્રાઉન્ડ પર સતત બીજી જીત મેળવીને પૉઇન્ટ્સ-ટેબલ પર ૧૦ પૉઇન્ટ સાથે નંબર વન બનશે. રિન્કુ સિંહને ઘણી તક મળી છે, પણ તે ચાર ઇનિંગ્સમાં માત્ર ૬૩ રન બનાવી શક્યો છે. ઑલરાઉન્ડર આન્દ્રે રસેલ પણ તોફાની તેવર બતાવવા તૈયાર હશે. 

50
આટલામી IPL જીત ઈડન ગાર્ડન્સમાં મેળવી શકે છે આજે કલકત્તા

200
આટલી IPL વિકેટ લેનાર પ્રથમ બોલર બની શકે છે યુઝવેન્દ્ર ચહલ, જો તે આજે બે વિકેટ લેશે તો

રાજસ્થાન પાસે હેડ-ટુ-હેડ રેકૉર્ડ બરાબર કરવાની તક 
કુલ મૅચ : ૨૮ 
કલકત્તાની જીત : ૧૪ 
રાજસ્થાનની જીત : ૧૩


રાજસ્થાનની બૅટિંગ લાઇનઅપ ફુલ ફૉર્મમાં છે; સંજુ સૅમસન, રિયાન પરાગ અને શિમરન હેટમાયર ૧૫૫થી વધુના સ્ટ્રાઇક-રેટથી રન બનાવી રહ્યા છે. ટ્રેન્ટ બોલ્ટ, આવેશ ખાન, કેશવ મહારાજ અને યુઝવેન્દ્ર ચહલની હાજરીમાં રાજસ્થાનની બોલિંગ આક્રમક રહી છે. જોવાનું એ છે કે સ્ટાર સ્પિનર રવિચંદ્રન અશ્વિન અને જોસ બટલર આજની મૅચ માટે ફિટ થઈ શકશે કે નહીં. ટૂંકમાં આજની મૅચ કલકત્તાની બોલિંગ અને રાજસ્થાનની બૅટિંગ વચ્ચેનો જંગ હશે. 

sports news sports cricket news IPL 2024 rajasthan royals kolkata knight riders