રોહિત શર્મા અને હાર્દિક પંડ્યાએ ક્રિષ્નપ્પા ગૌતમ પાસે માંગી પાર્ટી

20 February, 2021 02:32 PM IST  |  Ahmedabad | Gujarati Mid-day Correspondent

રોહિત શર્મા અને હાર્દિક પંડ્યાએ ક્રિષ્નપ્પા ગૌતમ પાસે માંગી પાર્ટી

ટીમ ઇન્ડિયાનો નેટ-બોલર ક્રિષ્નપ્પા ગૌતમ આઇપીએલની આ વર્ષની હરાજીમાં આઇપીએલના ઇતિહાસનો સૌથી મોંઘો અનકૅપ્ડ પ્લેયર બન્યો હતો. કર્ણાટકના ઑલરાઉન્ડર પ્લેયરને ચેન્નઈ સુપર કિંગ્સે ૯.૨૫ કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. આ પહેલાં આ રેકૉર્ડ કૃણાલ પંડ્યાના નામે હતો જેને ૨૦૧૮માં મુંબઈ ઇન્ડિયન્સે ૮.૮૦ કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. ૨૦ લાખ રૂપિયાની બેઝ પ્રાઇસ રાખનાર ગૌતમ પર થયેલો પૈસાનો વરસાદ જોઈને તેનાં માતા-પિતા અને પત્નીની આંખમાંથી ખુશીનાં આંસુ છલકી પડ્યાં હતાં.

આ વિશે વાત કરતાં ગૌતમે કહ્યું કે ‘આ ઘણું ટેન્શનવાળું હતું. હું ઘણો બેચેન હતો અને ટીવી જોઈ રહ્યો હતો. અમે હજી અમદાવાદ પહોંચ્યા જ હતા અને મેં રૂમમાં પહોંચીને ટીવી ચાલુ કર્યું તો મારું જ નામ આવ્યું. દરેક મિનિટે મારી લાગણીઓ બદલાઈ રહી હતી. ત્યારે જ દરવાજા પર રોહિત શર્મા અને હાર્દિક પંડ્યા આવ્યા અને મને ગળે વળગીને મારી પાસે પાર્ટી માગી. મારાં માતા-પિતાની આંખમાં ખુશીનાં આંસુ હતાં. આ લાગણી શબ્દોમાં વર્ણવવી ઘણી અઘરી છે. મારા માટે આઇપીએલની આ હરાજી પહેલી વાર નથી છતાં જ્યારે પણ હરાજી માટે નામ આવે છે ત્યારે પેટમાં પતંગિયાં ઊડવા માંડે છે.’

આ વર્ષે ચેન્નઈ માટે રમનારો ગૌતમ આઇપીએલમાં પહેલાં

૨૦૧૮-૨૦૧૯માં રાજસ્થાન માટે અને ૨૦૨૦માં પંજાબ માટે રમી ચૂક્યો છે. આ ત્રણેય સીઝનમાં તે કુલ ૨૪ મૅચ રમ્યો હતો જેમાં તેણે કુલ ૧૮૬ રન બનાવીને ૧૩ વિકેટ લીધી હતી. ચેન્નઈની ટીમમાં આ વર્ષે મહેન્દ્ર સિંહ ધોની સાથે ડ્રેસિંગરૂમ શૅર કરવા મળશે એ વાતથી પણ ગૌતમ ઘણો ઉત્સાહી જોવા મ‍ળી રહ્યો છે.

sports sports news cricket news indian premier league ipl 2021 rohit sharma hardik pandya