12 July, 2023 11:48 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
ડૉમિનિકામાં ગઈકાલે પ્રૅક્ટિસ દરમ્યાન મસ્તી-મજાકના મૂડમાં રોહિત શર્મા. અને યશસ્વી જયસ્વાલ
ટેસ્ટના વર્લ્ડ નંબર-વન ભારત અને નંબર-એઇટ વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે આજે ડૉમિનિકામાં બે મૅચવાળી સિરીઝનો પ્રથમ મુકાબલો શરૂ થઈ રહ્યો છે. ભારતીય ખેલાડીઓ વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપ (ડબ્લ્યુટીસી)ની ઑસ્ટ્રેલિયા સામેની ફાઇનલ હારીને હળવા આઘાત સાથે કૅરિબિયનના પ્રવાસે આવ્યા છે, જ્યારે વેસ્ટ ઇન્ડીઝના ખેલાડીઓ વન-ડેના વર્લ્ડ કપ માટે પોતાની ટીમ ક્વૉલિફાય ન થઈ શકી એ આઘાત, રંજ અને નિરાશા સાથે મેદાન પર ઊતરશે. ભારત માટે નવી ડબ્લ્યુટીસીની આ પહેલી જ સિરીઝ છે.
જે કંઈ હોય, પરંતુ ૨૧ વર્ષના ઓપનિંગ બૅટર યશસ્વી જયસ્વાલને આંતરરાષ્ટ્રીય કારકિર્દી શરૂ કરવાની આજે તક મળશે. ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટની ૧૫ મૅચમાં ૯ સેન્ચુરી ફટકારી ચૂકેલા યશસ્વીએ ૮૦.૨૧ની સરેરાશે ૧૮૪૫ રન બનાવ્યા છે જેમાં ૨૪ સિક્સર અને ૨૨૭ ફોરનો સમાવેશ છે. તે મોટા ભાગે ઓપનિંગમાં જ રમશે, કારણ કે તે મુંબઈ, વેસ્ટ ઝોન અને રેસ્ટ ઑફ ઇન્ડિયા વતી ઓપનિંગમાં જ રમે છે.
રોહિત શર્મા ભારતનો અને ક્રેગ બ્રેથવેટ વેસ્ટ ઇન્ડીઝનો કૅપ્ટન છે.