આજની ઇલેવન ભારતને અગિયારમી વાર રાખી શકે અપરાજિત

05 January, 2023 12:36 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

અર્શદીપ સિંહ મંગળવારે ફિટ ન હોવાથી શિવમ માવીને કરીઅર શરૂ કરવાની તક મળી હતી અને ચાર વિકેટ લઈને સુપરહિટ નીવડ્યો હતો.

જ્યારે હાર્દિક પંડ્યાએ બેનમૂન કૅપ્ટન્સી ઉપરાંત ૨૯ રન બનાવ્યા હતા અને છેલ્લે સ્પિનર અક્ષર પટેલને વિનિંગ ઓવરની જવાબદારી સોંપીને કમાલ કરી નાખી હતી. છેલ્લા બૉલે ભારત જીત્યું ત્યારે હાર્દિક-અક્ષરે એકમેકને ભેટીને જીત સેલિબ્રેટ કરી હતી. તસવીર પી.ટી.આઇ.છેલ્લા બૉલે ભારત જીત્યું ત્યારે હાર્દિક-અક્ષરે એકમેકને ભેટીને જીત સેલિબ્રેટ કરી હતી. પી.ટી.આઇ.

ભારતની ન્યુ-લુક ટી૨૦ ટીમને આજે શ્રીલંકા સામેની સિરીઝમાં સતત બીજી મૅચ જીતીને ૨-૦ની વિજયી સરસાઈ મેળવવાનો તો મોકો છે જ, જો આજની મૅચ જીતશે તો ભારત લાગલગાટ ૧૧મી ટી૨૦ સિરીઝમાં અપરાજિત રહેવાનો પોતાનો વિક્રમ આગળ વધારી શકશે. બીજું, શ્રીલંકનો અગાઉ ભારત સામે તમામ ૧૧ ટી૨૦ હાર્યા છે એટલે આજે ભારતને ૧૨મી જીત મેળવવાની પણ તક છે. જોકે શ્રીલંકાની ટીમ છેલ્લે ૨૦૧૬માં પુણેમાં જ જીતી હતી અને આજે પુણેમાં જ મૅચ હોવાથી હાર્દિક પંડ્યા ઍન્ડ કંપનીએ જીતવા કોઈ કસર બાકી નહીં રાખવી પડે.

મંગળવારે વાનખેડેમાં શ્રીલંકાના સ્પિનરો સામે ભારતના સ્પિનરોનો પર્ફોર્મન્સ નબળો હોવાથી આજે શ્રીલંકાને પુણેમાં એ બાબત જોશ અપાવી શકે.

અર્શદીપ સિંહ મંગળવારે ફિટ ન હોવાથી શિવમ માવીને કરીઅર શરૂ કરવાની તક મળી હતી અને ચાર વિકેટ લઈને સુપરહિટ નીવડ્યો હતો. જો અર્શદીપને આજે રમાડવો પડશે તો ઉમરાન મલિકે (૪-૦-૨૭-૨) મંગળવારે વાનખેડેમાં સારું પર્ફોર્મ કર્યું હોવાથી આજે તેને ડ્રૉપ કરાશે કે કેમ એમાં શંકા છે.

હૂડાને અવૉર્ડ : માવી સુપરહીરો

મંગળવારે વાનખેડેમાં ભારતે શ્રીલંકાને ત્રણ મૅચની સિરીઝની દિલધડક પ્રથમ ટી૨૦માં છેલ્લા બૉલે હરાવીને ૧-૦થી સરસાઈ લીધી એ પછી દીપક હૂડા (૪૧ અણનમ, ૨૩ બૉલ, ૪૧ મિનિટ, ચાર સિક્સર, એક ફોર તેમ જ બે રનઆઉટ)ને મૅન ઑફ ધ મૅચનો પુરસ્કાર અપાયો હતો. જોકે કેટલાકના મતે પહેલી જ ઇન્ટરનૅશનલ મૅચ રમનાર શિવમ માવી (૪-૦-૨૨-૪) પણ આ પુરસ્કારને લાયક હતો.

ભારતે પાંચ વિકેટે ૧૬૨ રન બનાવ્યા બાદ શ્રીલંકાની ટીમ ઘણા ઉતાર-ચડાવ બાદ ૨૦મી ઓવરના છેલ્લા બૉલે ૧૬૦ રનના સ્કોર પર ઑલઆઉટ થતાં ભારતનો બે રનથી વિજય થયો હતો. ભારતની ઇનિંગ્સમાં અક્ષર પટેલે (૩૧ અણનમ, ૨૦ બૉલ, પચીસ મિનિટ, એક સિક્સર, ત્રણ ફોર) બૅટિંગ પછી મૅચની છેલ્લી ઓવરમાં પણ કમાલ કરી હતી. તેને ૩૧ રનમાં એકેય વિકેટ નહોતી મળી, પરંતુ હાર્દિકે તેને એ ૨૦મી ઓવરની જવાબદારી સોંપીને સૌકોઈને ચોંકાવી દીધા હતા અને અક્ષરે ભારતને વિજય અપાવ્યો હતો. શ્રીલંકાની ટીમને એ ઓવરમાં ૧૩ રનની જરૂર હતી, પરંતુ તેઓ ૧૧ રન બનાવી શક્યા હતા અને લાસ્ટ બૉલે દિલશાન મદુશન્કા રનઆઉટ થતાં ભારતનો થ્રિલિંગ મુકાબલામાં વિજય થયો હતો. કૅપ્ટન દાસુન શનાકાના ૪૫ રન એળે ગયા હતા.

sports news sports axar patel hardik pandya indian cricket team cricket news t20 international