પહેલી વન-ડે પહેલાં બે ઝટકા

10 January, 2023 12:42 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મેં ટી૨૦ ન રમવાનું હજી નક્કી નથી કર્યું. આઇપીએલ પછી બધું નક્કી કરીશ. : રોહિત શર્મા

રોહિત શર્મા

ગુવાહાટીમાં ભારતની આજે શ્રીલંકા સામે સિરીઝની પ્રથમ વન-ડે (બપોરે ૧.૩૦ વાગ્યાથી લાઇવ) રમાય એ પહેલાં જસપ્રીત બુમરાહની ઈજાને કારણે સિરીઝમાંથી બાદબાકી થવાની ખબર ગઈ કાલે હજી તો શાંત પડી ત્યાં કૅપ્ટન રોહિત શર્માએ બે ઇન્ફૉર્મ-બૅટર્સ સૂર્યકુમાર યાદવ અને ઇશાન કિશન વિશે ચોંકાવનારાં નિવેદનો કર્યાં હતાં.

રોહિતે પત્રકારોને કહ્યું, ‘ઇશાન કિશને તેની છેલ્લી વન-ડેમાં ફાસ્ટેસ્ટ ડબલ સેન્ચુરી ફટકારી હોવા છતાં કમનસીબે અમે તેને મંગળવારે (આજે) શ્રીલંકા સામેની પહેલી વન-ડેમાં નહીં રમાડી શકીએ. તેની આ સિદ્ધિ પહેલાં જેણે સારું પર્ફોર્મ કર્યું એને ઇલેવનમાં મોકો મળશે. કિશન નહીં, પણ શુભમન ગિલ દાવની શરૂઆત કરશે. ઑક્ટોબરના વન-ડે વર્લ્ડ કપ પહેલાં ભારત ૧૫ વન-ડે અને એશિયા કપ રમશે એટલે કિશનને મોકો મળશે જ.’

ગિલે ૧૩ ઇનિંગ્સમાં ૬૮૭ રન બનાવ્યા છે જે મુજબ તેની ૫૭ પ્લસની બૅટિંગ ઍવરેજ અને ૯૯.૦૦નો સ્ટ્રાઇક-રેટ છે.

સૂર્યકુમાર (૧૧૨ અણનમ, ૫૧ બૉલ, ૯ સિક્સર, ૭ ફોર) શનિવારે રાજકોટમાં શ્રીલંકા સામે બેનમૂન ટી૨૦ ઇનિંગ્સ રમ્યો અને ભારતને સિરીઝ જિતાડી, પરંતુ વન-ડે અલગ ફૉર્મેટ હોવાથી આજે રોહિત સહિતનું ટીમ-મૅનેજમેન્ટ સૂર્યાને બદલે શ્રેયસ ઐયરને ઇલેવનમાં સમાવવાના મૂડમાં હતું.

બન્ને દેશની સંભવિત ઇલેવન

ભારત : રોહિત (કૅપ્ટન), ગિલ, કોહલી, રાહુલ (વિકેટકીપર), સૂર્યકુમાર/શ્રેયસ, હાર્દિક, અક્ષર, ચહલ/કુલદીપ, સિરાજ, મોહમ્મદ શમી અને અર્શદીપ/ઉમરાન.
શ્રીલંકા : શનાકા (કૅપ્ટન), મેન્ડિસ (વિકેટકીપર), નિસન્કા, ફર્નાન્ડો, ધનંજય, અસલન્કા, હસરંગા, કરુણારત્ને, થીકશાના, રજિતા, દિલશાન મદુશન્કા/લાહિરુ કુમારા.

sports news sports indian cricket team cricket news rohit sharma