01 December, 2022 12:12 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
શુભમન ગિલે વન-ડેના ઓપનિંગમાં ભારતને સારી આશા અપાવી. આવતા વર્ષે ભારતમાં વન-ડેનો વર્લ્ડ કપ રમાવાનો છે. તસવીર એ.એફ.પી.
ન્યુ ઝીલૅન્ડમાં ભારત પહેલાં હાર્દિક પંડ્યાના સુકાનમાં રમાયેલી ટી૨૦ સિરીઝ વરસાદનાં વિઘ્નો વચ્ચે ૧-૦થી જીત્યું અને ત્યાર બાદ ગઈ કાલે ફરી મેઘરાજા નડ્યા, વન-ડે સિરીઝનો નીરસ અંત આવ્યો અને એમાં શિખર ધવનની કૅપ્ટન્સીમાં ભારતની ૦-૧થી હાર થઈ. જોકે ભૂતપૂર્વ હેડ-કોચ રવિ શાસ્ત્રીનું ખાસ કરીને વન-ડે શ્રેણી વિશે કહેવું છે કે ભારત સિરીઝ હાર્યું એમાં પણ આપણે ઘણુંબધું પૉઝિટિવ કહી શકાય એવું મેળવ્યું છે.
ગિલને ઘણું એક્સપોઝર મળ્યું
શાસ્ત્રી ખાસ કરીને ઓપનર શુભમન ગિલ અને ફાસ્ટ બોલર ઉમરાન મલિકના પર્ફોર્મન્સથી પ્રભાવિત થયા છે. તેઓ શ્રેયસ ઐયર અને વૉશિંગ્ટન સુંદરના પર્ફોર્મન્સથી પણ ખુશ છે. તેમણે કહ્યું કે ‘શ્રેયસ બે મૅચમાં સારું રમ્યો. ક્રીઝ પર ટકી રહેવાની અને કઠિન સમયનો સામનો કરવાની શ્રેયસની ગજબની ક્ષમતા જોવા મળી. સૂર્યકુમાર યાદવ તો ટૅલન્ટેડ બૅટર છે જ, ખાસ કરીને ઓપનર શુભમન ગિલનો પર્ફોર્મન્સ મને ખૂબ ગમ્યો. ભારતીય ટીમને ન્યુ ઝીલૅન્ડ વારંવાર જવા નથી મળતું અને એમાં પણ ત્યાંની અનોખી પરિસ્થિતિમાં સારું રમવું એ કોઈ નાનીસૂની વાત નથી. કિવી લૅન્ડ પર ગિલને બહુ સારું એક્સપોઝર મળી ગયું.’
ઉમરાનની બોલિંગની માવજત જરૂરી
શાસ્ત્રીએ એવું પણ જણાવ્યું કે ‘ઉમરાન મલિકમાં ઘણું પોટૅન્શિયલ છે અને મને તેની બોલિંગ ખૂબ ગમી. તેની બોલિંગની માવજત કરાશે તો ટીમ ઇન્ડિયાને ઘણો ફાયદો થશે. ગઈ કાલની હાફ સેન્ચુરી (૬૪ બૉલમાં ૫૧ રન) સહિત વૉશિંગ્ટન સુંદર પણ સારું રમ્યો.’
શુભમન ગિલે ત્રણ મૅચમાં કુલ ૧૨૯ બૉલનો સામનો કરીને ૧૦૮ રન બનાવ્યા જેમાં તેની એક હાફ સેન્ચુરી સામેલ હતી; ૫૦, અણનમ ૪૫ અને ૧૩ તેના ત્રણ મૅચના સ્કોર હતા. શ્રેયસ ઐયરે એક હાફ સેન્ચુરી સહિત કુલ ૧૩૫ બૉલમાં ૧૨૯ રન બનાવ્યા હતા અને ભારતીય બૅટર્સમાં નંબર વન હતો. વૉશિંગ્ટન સુંદરે ૮૮ રન બનાવ્યા હતા, જેમાં ગઈ કાલની હાફ સેન્ચુરી (૫૧ રન)નો અને પહેલી મૅચના ત્રણ સિક્સર, ત્રણ ફોર સહિત બનાવેલા અણનમ ૩૭ રનનો સમાવેશ છે. ઉમરાન મલિકે બે ઇનિંગ્સમાં કુલ ૯૭ રનમાં ત્રણ વિકેટ લીધી હતી.