ટીમ ઇન્ડિયા પહોંચી ગઈ બ્રિસ્બેન, હોટેલમાંની સુવિધાઓથી નારાજ

13 January, 2021 10:45 AM IST  |  New Delhi | Agency

ટીમ ઇન્ડિયા પહોંચી ગઈ બ્રિસ્બેન, હોટેલમાંની સુવિધાઓથી નારાજ

તસવીર સૌજન્ય - જાગરણ

ટીમ ઇન્ડિયા ગઈ કાલે ચોથી અને અંતિમ ટેસ્ટ મૅચ માટે બ્રિસ્બેન પહોંચી ગઈ હતી, પણ હોટેલ પહોંચતાવેંત તેમને જબરો ઝટકો લાગ્યો હતો. હોટેલમાં બેઝિક સુવિધાની કમી હોવાની જાણકારી ભારતીય ક્રિકેટ બોર્ડ (બીસીસીઆઇ)ના એક અધિકારીએ આપી હતી. ઉલ્લેખનીય છે કે ભારતીય ટીમ પાસેથી ફરિયાદ મળ્યા બાદ બીસીસીઆઇના પ્રેસિડન્ટ સૌરવ ગાંગુલી, સેક્રેટરી જય શાહ અને ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર હેમંત અમીને ક્રિકેટ ઑસ્ટ્રેલિયાના અધિકારીઓ સાથે તમામ મુદ્દા પર ચર્ચા કરી હતી અને આયોજકોએ આશ્વાન આપતાં કહ્યું હતું કે ટીમને કોઈ પ્રકારની તકલીફ નહીં પડે.

બીસીસીઆઇના અધિકારીએ જણાવ્યું કે ‘હોટેલમાં રૂમ-સર્વિસ કે હાઉસકીપિંગની સુવિધા નથી. ત્યાં જિમ ઘણાં બેઝિક છે અને એ પણ આંતરરાષ્ટ્રીય કક્ષાનાં નથી. પ્લેયરોને સ્વિમમિંગ-પૂલનો વપરાશ કરવા દેવામાં નથી આવી રહ્યો. તેમણે ચેક-ઇન કર્યું ત્યારે તેમને આવી કોઈ બાંયધરી નહોતી આપી. હા, પ્લેયરોને ટીમ-રૂમ અને હોટેલની અંદર એકબીજા સાથે હળવા-મળવાની પરવાનગી આપવામાં આવી છે.’

હોટેલના અધિકારીઓ સાથે પણ આ મુદ્દે વાત કરવામાં આવી હતી. એક અધિકારીએ કહ્યું કે ‘જ્યારે મૅનેજરને આ બાબતે જાણ કરવામાં આવી ત્યારે તેણે કહ્યું કે ઇન્ડિયા અને ઑસ્ટ્રેલિયા માટે નિયમ એકસરખા છે. કોઈ પણ ટીમને હાર્ડ ક્વૉરન્ટીનમાં રાખવામાં નથી આવ્યા.’

આવામાં ભારતીય ટીમને વિશ્વાસ છે કે બીસીસીઆઇના અધિકારીઓ આ બાબતે કંઈક ઉકેલ લાવશે અને ટીમ અંતિમ તેમ જ નિર્ણાયક ટેસ્ટ મૅચ પર ધ્યાન કેન્દ્રિત કરી શકશે.

india australia team india brisbane sports news cricket news