હૈદરાબાદમાં ટી૨૦ મૅચની ટિકિટ લેવા ૩૦,૦૦૦ લોકોનો ધસારો : નાસભાગમાં અનેકને ઈજા

23 September, 2022 11:15 AM IST  |  Hyderabad | Gujarati Mid-day Correspondent

રવિવારની ભારત-ઑસ્ટ્રેલિયા ટી૨૦ના સ્થળે બનેલી કમનસીબ ઘટનામાં મહિલાઓ સહિત અનેક બેભાન

હૈદરાબાદમાં ટી૨૦ મૅચની ટિકિટ લેવા ૩૦,૦૦૦ લોકોનો ધસારો : નાસભાગમાં અનેકને ઈજા

રવિવારે ઑસ્ટ્રેલિયા સામે હૈદરાબાદમાં ઉપ્પલ ખાતેના રાજીવ ગાંધી ઇન્ટરનૅશનલ સ્ટેડિયમમાં રમાનારી સિરીઝની ત્રીજી અને છેલ્લી ટી૨૦ મૅચ માટેની ટિકિટ ખરીદવા ગઈ કાલે સિકંદરાબાદ જિમખાના ગ્રાઉન્ડ ખાતે ૩૦,૦૦૦ જેટલા લોકોનો ધસારો થતાં પોલીસ માટે સ્થિતિ કાબૂ બહારની બની ગઈ હતી અને અસંખ્ય લોકોની નાસભાગ તથા પોલીસના લાઠીચાર્જમાં અનેક લોકો ઈજા પામ્યા હતા તેમ જ મહિલાઓ સહિત આશરે ૨૦ જણ બેભાન થઈ ગયા હતા. આઇ.એ.એન.એસ.ના અહેવાલ અનુસાર વહેલી સવારથી અસંખ્ય લોકો લાઇનમાં ઊભા રહી ગયા હતા. ધીમે-ધીમે ધસારો વધતાં મુખ્ય ગેટમાંથી અનેક લોકો ધસી આવ્યા હતા અને પોલીસે તેમને ઓચિંતા આવતાં રોકવા લાઠીચાર્જ કરવો પડ્યો હતો. આ ધમાલમાં કેટલાક પોલીસ-કર્મચારીઓ પણ ઘાયલ થયા હતા. ઘટનાસ્થળે કેટલાક લોકોએ કહ્યું હતું કે ‘ટિકિટો વેચવા માત્ર ૪ કાઉન્ટર ખોલવામાં એ વ્યવસ્થા પૂરતી નહોતી એટલે આ અભૂતપૂર્વ કમનસીબ ઘટના બની હતી. અન્ય એક અહેવાલ મુજબ બે મહિલા સહિત ચાર જણને નજીવી ઈજા થઈ હતી.

સરકારનો સહકાર જરૂરી : પ્રધાન

તેલંગણના સ્પોર્ટ્‍સ મિનિસ્ટર વી. શ્રીનિવાસ ગૌડે સરકારી અધિકારીઓ સાથે તેમ જ હૈદરાબાદ ક્રિકેટ અસોસિએશનના પ્રમુખ તથા ભૂતપૂર્વ ક્રિકેટર મોહમ્મદ અઝહરુદ્દીન સાથે આ ઘટના બાબતે તેમ જ મૅચના સરળ આયોજન સંબંધે મીટિંગ રાખી હતી. ગૌડે પી.ટી.આઇ.ને કહ્યું કે ‘અસોસિએશને જો પોતાની રીતે આગળ વધવાને બદલે સરકાર પાસે સહકાર માગ્યો હોત તો આ ગોઝારી ઘટનાને ટાળી શકાઈ હોત.’

અઝહરુદ્દીને શું કહ્યું?

મોહમ્મદ અઝહરુદ્દીને આ ઘટનાને કમનસીબ ગણાવીને મૅચ યોજવી જરાય આસાન કામ નથી એવું જણાવતાં પી.ટી.આઇ.ને કહ્યું કે ‘વ્યવસ્થામાં ઊણપ હોય તો અમે એમાં સુધારો કરવા તૈયાર છીએ. હૈદરાબાદને ઘણા વખતે મૅચ મળી છે.’

33

હૈદરાબાદના ઉપ્પલમાં છેલ્લે આટલા મહિના પહેલાં ઇન્ટરનૅશનલ મૅચ રમાઈ હતી, જેમાં ભારતે વેસ્ટ ઇન્ડીઝને ટી૨૦માં ૬ વિકેટે હરાવ્યું હતું.

cricket news sports news sports hyderabad t20 international