૨૦૦૭ની ફાઇનલના હીરો જોગિન્દરને ફરી ભારત વતી રમવા જ નહોતું મળ્યું

04 February, 2023 01:36 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પેસ બોલરે કંટાળીને છેવટે રિટાયરમેન્ટ જાહેર કરી દીધું

જોગિન્દર શર્મા

૨૦૦૭ની ટી૨૦ વર્લ્ડ કપની ફાઇનલ-વિનિંગ ઓવરના હીરો અને રાઇટ-આર્મ મીડિયમ પેસ બોલર જોગિન્દર શર્માએ તમામ પ્રકારની ક્રિકેટમાંથી રિટાયરમેન્ટ જાહેર કર્યું છે. ૩૯ વર્ષનો જોગિન્દર ૧૫ વર્ષ પહેલાં ૨૪ વર્ષની ઉંમરે ક્રિકેટજગતમાં છવાઈ ગયો હતો, પરંતુ કમનસીબે તેને વિશ્વકપની એ ફાઇનલ પછી ભારત વતી ફરી રમવા જ નહોતું મળ્યું. જોગિન્દરનું ફૉર્મ કારણભૂત હતું કે ક્રિકેટના રાજકારણે તેને ફરી ભારત વતી રમતો રોક્યો એ વાતને બાજુએ મૂકીએ તો ભારતીય ક્રિકેટમાં ૨૦૦૭ના સૌપ્રથમ ટી૨૦ વર્લ્ડ કપના ચૅમ્પિયનોમાં તેનું નામ અચૂક લેવાશે.

કરીઅરની ૮ મૅચમાં પાંચ વિકેટ

૨૦૦૪થી ૨૦૦૭ સુધીમાં જોગિન્દર ૪ વન-ડે અને ૪ ટી૨૦ રમ્યો હતો, જેમાં તેણે માત્ર પાંચ વિકેટ લીધી હતી. આઇપીએલમાં તે ચેન્નઈ સુપર કિંગ્સ વતી રમ્યો હતો અને તેણે નૉન-ઇન્ટરનૅશનલ ૬૩ ટી૨૦માં ૬૧ વિકેટ લીધી હતી. તાજેતરમાં તે લેજન્ડ્સ લીગ ક્રિકેટ સ્પર્ધામાં રમ્યો હતો. હવે તે ક્રિકેટજગતમાં નવી તક ઝડપવા માગે છે અને ક્રિકેટ સંબંધી બિઝનેસમાં પણ નસીબ અજમાવવા માગે છે.

ફાઇનલની છેલ્લી ઓવરમાં જિતાડ્યા

૨૦૦૭ની ફાઇનલમાં ભારતે આપેલા ૧૫૮ રનનો લક્ષ્યાંક મેળવવા જતાં પાકિસ્તાને ૧૯ ઓવરમાં ૧૪૫ રનમાં ૯ વિકેટ ગુમાવી દીધી હતી અને અંતિમ ૬ બૉલમાં જીતવા માટે ૧૩ રન કરવાના હતા. કૅપ્ટન ધોનીએ જોગિન્દરને એ ઓવર આપી હતી. તેનો પહેલો બૉલ વાઇડ હતો અને બીજો બૉલ ડૉટ રહ્યા બાદ ત્રીજા બૉલમાં મિસબાહ-ઉલ-હકે (૩૮ બૉલમાં ૪૩ રન) સિક્સર ફટકારી હતી. એ પછી ૪ બૉલમાં માત્ર ૬ રન જોઈતા હતા, પરંતુ જોગિન્દરના ત્રીજા બૉલમાં મિસબાહે ખોટું જોખમ ઉઠાવીને સ્કૂપમાં શૉર્ટ ફાઇન લેગ પર શ્રીસાન્તને કૅચ આપી દીધો હતો અને ભારતનો પાંચ રનથી વિજય થયો હતો. જોગિન્દરે પાકિસ્તાનની ૯મી ઓવરમાં યુનુસ ખાન (૨૪ બૉલમાં ૨૪ રન)ની પણ વિકેટ લીધી હતી.

હરિયાણા પોલીસમાં ડીએસપી : કોવિડકાળમાં ફરજ બજાવેલી

જોગિન્દર ૨૦૦૭ના સપ્ટેમ્બરમાં ભારતને વર્લ્ડ કપ અપાવ્યા પછી હરિયાણા પોલીસમાં જોડાયો હતો. તે હરિયાણાના કુરુક્ષેત્ર જિલ્લાના પેહોવા નગરમાં ડેપ્યુટી સુપરિન્ટેન્ડન્ટ ઑફ પોલીસ (ડીએસપી) છે. તેણે પોલીસ તરીકેની ફરજ બજાવતી વખતે ઘણા મહત્ત્વના કિસ્સા ઉકેલ્યા છે. ૨૦૨૦ અને ૨૦૨૧ના કોવિડકાળ દરમ્યાન જોગિન્દરે પોલીસ તંત્ર વતી બહુ સારી ફરજ અદા કરી હતી.

sports sports news cricket news indian cricket team