09 June, 2026 11:40 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વિશ્વ યોગાસન ચૅમ્પિયનશિપમાં ભારતે મેડલ્સની સેન્ચુરી કરી
અમદાવાદમાં હાલમાં ચોથી જૂનથી ૮ જૂન સુધી વિશ્વની પ્રથમ યોગાસન ચૅમ્પિયનશિપ યોજાઈ હતી. ૧૨૨ યોગવીરોની ટીમે ૬ જેટલી એજ-કૅટેગરીમાં ૧૦૨ ગોલ્ડ મેડલ સહિત ૧૧૪ મેડલ ભારત માટે જીત્યા હતા. ભારતે ૯ સિલ્વર અને ૩ બ્રૉન્ઝ મેડલ પણ જીત્યા હતા. ૭૯ દેશોના ૫૨૨ ખેલાડીઓએ ચૅમ્પિયનશિપમાં ભાગ લીધો હતો એમાંથી ૩૧ દેશોએ ઓછામાં ઓછો એક મેડલ જીત્યો હતો.
આ ચૅમ્પિયનશિપમાં ભારત પછી નેપાલે અને ઉઝબેકિસ્તાને સૌથી વધુ મેડલ જીત્યા. નેપાલે એક ગોલ્ડ સહિત બાવન મેડલ અને ઉઝબેકિસ્તાને એક ગોલ્ડ સાથે ૨૫ મેડલ જીત્યા હતા. મેડલ-ટૅલીમાં ગોલ્ડના પૉઇન્ટ વધારે હોવાથી ૩ ગોલ્ડ, ૩ સિલ્વર અને પાંચ બ્રૉન્ઝ સાથે જપાન બીજા ક્રમે રહ્યું.
અન્ડર-18 હૉકી એશિયા કપમાં ભારતનું નામ રોશન કરવા બદલ મેન્સ ટીમને ૬૧.૫ લાખ અને વિમેન્સ ટીમને ૨૧ લાખનો પુરસ્કાર
સ્પોર્ટ્સ મિમિસ્ટર ડૉ. મનસુખ માંડવિયાએ જપાનમાં અન્ડર-18 હૉકી એશિયા કપમાં શાનદાર પ્રદર્શન કરનાર હૉકી પ્લેયર્સને સન્માનિત કર્યા હતા.
અન્ડર-18 મેન્સ હૉકી ટીમને ગોલ્ડ મેડલ સાથે ચૅમ્પિયનશિપ જીતવા બદલ ૬૧.૫ લાખ રૂપિયાનું કૅશ પ્રાઇઝ આપવામાં આવ્યું, જ્યારે અન્ડર-18 વિમેન્સ હૉકી ટીમને ૨૧ લાખ રૂપિયાનો ચેક એનાયત કરવામાં આવ્યો હતો.
ડૉ. મનસુખ માંડવિયાએ આ અવસરે યુવા ખેલાડીએ પ્રેરિત કરતાં કહ્યું, ‘સમગ્ર રાષ્ટ્ર તમારા પર ગર્વ અનુભવે છે. જેણે ૧૩ ગોલ કર્યા છે તેણે ૧૫ કે તેથી વધુ ગોલ કરવાનું વિચારવું જોઈએ. જેણે ૧૦ ગોલ રોક્યા છે તેણે વિરોધીઓને એક પણ ગોલ ન કરવા દેવાનું લક્ષ્ય રાખવું જોઈએ. તમારી ક્ષમતા મુજબ શ્રેષ્ઠ પ્રદર્શન કરતા રહો.’
તામિલનાડુ સરકારે આર. પ્રજ્ઞાનંદને ૫૦ લાખના કૅશ પ્રાઇઝથી સન્માનિત કર્યો
ભારતના ૨૦ વર્ષના ગ્રૅન્ડમાસ્ટર આર. પ્રજ્ઞાનંદે ભારત માટે પહેલી વખત નૉર્વે ચેસ ટાઇટલ જીતીને ઇતિહાસ રચ્યો હતો. ગઈ કાલે તે મમ્મી-પપ્પા સાથે તામિલનાડુના મુખ્ય પ્રધાન વિજયને મળ્યો હતો.
તામિલનાડુ સ્પોર્ટ્સ ડેવલપમેન્ટ ઑથોરિટી દ્વારા મુખ્ય પ્રધાનના હાથે ૫૦ લાખ રૂપિયાનો ચેક આપી આર. પ્રજ્ઞાનંદને ઐતિહાસિક સિદ્ધિ માટે સન્માનિત કરવામાં આવ્યો હતો. તેણે ભૂતપૂર્વ ઍક્ટર વિજય સાથે મુખ્ય પ્રધાનના ટેબલ પર ચેસની રમત પણ રમી હતી.