25 January, 2026 10:00 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
આર. એસ. ઍમ્બ્રિશ
ઝિમ્બાબ્વેની ક્વીન્સ સ્પોર્ટ્સ ક્લબમાં ગઈ કાલે ભારત અને ન્યુ ઝીલૅન્ડની અન્ડર-19 વર્લ્ડ કપની અંતિમ ગ્રુપ-સ્ટેજ મૅચ દરમ્યાન વરસાદનું વિઘ્ન નડ્યું હતું. વરસાદને કારણે મૅચને ૪૭-૪૭ અને પછી ૩૭-૩૭ ઓવરની કરવી પડી હતી. ટૉસ હારીને પહેલાં બૅટિંગ કરનાર ન્યુ ઝીલૅન્ડ ૩૬.૨ ઓવરમાં માત્ર ૧૩૫ રનના સ્કોર પર ઑલઆઉટ થઈ ગયું હતું. જવાબમાં ભારતે DLS મેથડથી મળેલો ૧૩૦ રનનો ટાર્ગેટ માત્ર ૧૩.૩ ઓવરમાં ફક્ત ૩ વિકેટ ગુમાવીને મેળવી લીધો હતો. વૈભવ સૂર્યવંશીએ ૨૩ બૉલમાં ૪૦ અને કૅપ્ટન આયુષ મ્હાત્રેએ ૨૭ બૉલમાં ૬ સિક્સ અને બે ફોર ફટકારીને ૫૩ રન કર્યા હતા.
ભારતના ફાસ્ટ બોલર આર. એસ. ઍમ્બ્રિશે ૮ ઓવરમાં ૨૯ રન આપીને સૌથી વધુ ૪ વિકેટ લીધી હતી. અન્ય ફાસ્ટ બોલર હેનિલ પટેલે ૭.૨ ઓવરમાં ૨૩ રન આપીને ૩ વિકેટ લીધી હતી. ૯.૩ ઓવરમાં બાવીસ રનના સ્કોર પર પાંચ કિવી બૅટર્સે પોતાની વિકેટ ગુમાવી દીધી હતી. પાંચ કિવી બૅટર્સ ડબલ ડિજિટમાં અને ૩ બૅટર્સ ૨૦+ રન કરી શક્યા હતા. ન્યુ ઝીલૅન્ડની આ પહેલાંની બન્ને ગ્રુપ સ્ટેજ મૅચ વરસાદને કારણે ધોવાઈ ગઈ હતી.
અન્ડર-19 વન-ડે વર્લ્ડ કપ 2026ના ચારેય ગ્રુપની ટૉપ થ્રી ટીમનો સુપર-સિક્સ રાઉન્ડ આજથી શરૂ થશે. સુપર-સિક્સ ગ્રુપ વનમાં વેસ્ટ ઇન્ડીઝ, શ્રીલંકા, ઑસ્ટ્રેલિયા, સાઉથ આફ્રિકા, આયરલૅન્ડ, અફઘાનિસ્તાનને સ્થાન મળ્યું છે.
સુપર-સિક્સ ગ્રુપ ટૂમાં ભારત, ઇંગ્લૅન્ડ, પાકિસ્તાન, ન્યુ ઝીલૅન્ડ, બંગલાદેશ અને ઝિમ્બાબ્વેનો સમાવેશ કરવામાં આવ્યો છે. ગ્રુપ Bમાં ટૉપ કરનાર ભારતીય ટીમ ૨૭ જાન્યુઆરીએ ઝિમ્બાબ્વે અને ૧ ફેબ્રુઆરીએ પાકિસ્તાન સામે ટકરાશે. ગ્રુપ Cમાં પાકિસ્તાન ત્રણમાંથી બે મૅચ જીતીને બીજા ક્રમે રહ્યું હતું.
બન્ને ગ્રુપની ટૉપ ટૂ ટીમ ૩ અને ૪ ફેબ્રુઆરીએ સેમી-ફાઇનલ મૅચ રમશે. હરારેમાં ૬ ફેબ્રુઆરીએ ફાઇનલ મૅચ રમાશે.