ભારતે બીજી ટી૨૦માં ઇંગ્લૅન્ડને 7 વિકેટે હરાવ્યું

15 March, 2021 10:08 AM IST  | 

ભારતે બીજી ટી૨૦માં ઇંગ્લૅન્ડને 7 વિકેટે હરાવ્યું

વિરાટ કોહલી

ભારત-ઇંગ્લૅન્ડ વચ્ચે રમાઈ રહેલી પાંચ ટી૨૦ મૅચની સિરીઝમાંની બીજી મૅચ ગઈ કાલે રમાઈ હતી, જેમાં ભારતે ઇંગ્લૅન્ડને ૭ વિકેટથી મહાત આપીને સિરીઝમાં ૧-૧થી બરોબરી કરી લીધી હતી. ભારતે ટૉસ જીતીને પહેલાં ફીલ્ડિંગનો નિર્ણય લીધો હતો અને ઇંગ્લૅન્ડે ૬ વિકેટ ગુમાવીને ૧૬૪ રન બનાવ્યા હતા, જેની સામે ભારતે ત્રણ વિકેટ ગુમાવીને ૧૬૫ રનનું લક્ષ્ય ૧૩ બૉલ બાકી રાખીને પ્રાપ્ત કરી લીધું હતું. ટીમ ઇન્ડિયામાં જ્યાં ગઈ કાલે બે પ્લેયર ઈશાન કિશન અને સૂર્યકુમાર યાદવે ડેબ્યુ કર્યું હતું ત્યાં ઇંગ્લૅન્ડે પોતાની ટીમમાં માર્ક વુડના સ્થાને ટૉમ કરેનને ટીમમાં સામેલ કર્યો હતો. વિરાટ કોહલી ઝીરોની શ્રેણીનો સામનો કર્યા બાદ ગઈ કાલથી પાછો ફૉર્મમાં આવી ગયો હતો.
જેસન રૉયનો રણકાર
ભુવનેશ્વર કુમારે બોલિંગની શરૂઆત કરતાં પહેલી જ ઓવરના ત્રીજા બૉલ પર જોસ બટલરને ખાતું ખોલ્યા વિના પૅવિલિયનભેગો કરી દીધો હતો. ત્યાર બાદ જેસન રૉય અને ડેવિડ મલાને બીજી વિકેટ માટે ૬૩ રન જોડ્યા હતા. મલાન ૨૪ કરી યુઝવેન્દ્ર ચહલનો શિકાર બન્યો હતો. પહેલી ટી૨૦માં ૪૯ રન કરનાર જેસન રૉય આ મૅચમાં પણ ભારતીય બોલરોને હેરાન કરી ૩૫ બૉલમાં ૪ ચોગ્ગા અને બે સિક્સર ફટકારી ૪૬ રનની ઇનિંગ્સ રમ્યો હતો અને પહેલી ટી૨૦ની જેમ આ વખતે પણ વૉશિંગ્ટન સુંદર તેની વિકેટ લેવામાં સફળ થયો હતો. જૉની બેરસ્ટો ૨૦, કૅપ્ટન ઓઇન મૉર્ગન ૨૮ અને બેન સ્ટોક ૨૪ રન કરીને આઉટ થયા હતા. વૉશિંગ્ટન સુંદર અને શાર્દુલ ઠાકુરને બે-બે, જ્યારે ભુવનેશ્વર કુમાર અને યુઝવેન્દ્ર ચહલને એક-એક વિકેટ મ‍ળી હતી.
ડેબ્યુમાં ઈશાનની હાફ સેન્ચુરી
ભારતીય ટીમે એક પણ રન બનાવ્યા વિના લોકેશ રાહુલના રૂપમાં પહેલી વિકેટ ગુમાવી હોવાથી ઇંગ્લૅન્ડની સરખામણીમાં નબળી શરૂઆત કરી હોવાનું કહી શકાય, પણ બીજી વિકેટ માટે અન્ડર-૧૯ ક્રિકેટમાં દિલ્હીની કપ્તાની કરી ચૂકેલા બે પ્લેયર્સ ઈશાન કિશન અને વિરાટ કોહલીએ ૯૪ રનની ભાગીદારી કરી હતી. ટી૨૦ ઇન્ટરનૅશનલમાં ઈશાન કિશને બીજી ઓવર નાખવા આવેલા જોફ્રા આર્ચરના પહેલા જ બૉલમાં ચોગ્ગો ફટકારીને ટીમ ઇન્ડિયા માટે ટી૨૦ કરીઅરની શરૂઆત કરી હતી અને સિક્સર ફટકારી ડેબ્યુ મૅચમાં પોતાની ડેબ્યુ હાફ સેન્ચુરી પણ પૂરી કરી હતી. જોકે આદિલ રાશિદની ઓવરમાં રિવર્સ સ્વીપ મારવા જતા તે ૩૨ બૉલમાં પાંચ ચોગ્ગા અને ચાર સિક્સર ફટકારી ૫૬ રને આઉટ થયો હતો. સાતમી ઓવર નાખવા આવેલા આદિલ રાશિદના ચોથા બૉલ પર બાઉન્ડ્રી લાઇન પર ઊભેલા બેન સ્ટોક્સે ઈશાનનો એક કૅચ છોડતા તેને જીવનદાન પણ મળ્યું હતું. એ વખતે ઈશાન ૪૧ રને બેટિંગ કરી રહ્યો હતો.
ગઈ કાલે ટીમ ઇન્ડિયામાં ઈશાન કિશન અને સૂર્યકુમાર યાદવે ડેબ્યુ કર્યું હતું. કૅપ્ટન વિરાટ કોહલીએ તેમને કૅપ આપીને ટીમમાં સ્વાગત કર્યું હતું અને ત્યાર બાદ ઈશાને ટીમને પોતાના મનની વાત કહી હતી.
કોહલીનો વિરાટ દાવ
ઈશાન કિશન આઉટ થયા બાદ રિષભ પંત ૧૩ બૉલમાં બે ચોગ્ગા અને બે સિક્સર ફટકારી ક્રિસ જૉર્ડનનો શિકાર બન્યો હતો, પણ કોહલીએ પોતાનો વિરાટ દાવ રમતાં ૪૯ બૉલમાં પાંચ ચોગ્ગા અને ત્રણ સિક્સર ફટકારી ટીમ માટે સૌથી વધારે અણનમ ૭૩ રન બનાવ્યા હતા. ટી૨૦ ઇન્ટરનૅશનલમાં આ તેની ૨૬મી હાફ સેન્ચુરી હતી. ઉલ્લેખનીય છે કે કોહલી ટી૨૦માં ૩૦૦૦ રનનો આંકડો પ્રાપ્ત કરવાથી ૭૨ રન પાછળ હતો અને ગઈ કાલે તેણે ટીમને જીતવા માટે જોઈતા છેલ્લા પાંચ રન પ્રાપ્ત કરવા ફટકારેલી સિક્સરથી એ લક્ષ્ય પણ પ્રાપ્ત કરી લીધું હતું અને ટીમને વિજય અપાવડાવ્યો હતો. પાછલી ટી૨૦ના ભારતના હાઇએસ્ટ સ્કોરર શ્રેયસ ઐયરે આઠ રનનો દાવ રમ્યો હતો જેને લીધે ભારતે ત્રણ વિકેટ ગુમાવી ૧૭.૫ ‍ઓવરમાં જ ૧૬૫ રનનો ટાર્ગેટ પ્રાપ્ત કરી લીધો હતો. બન્ને દેશો વચ્ચે ત્રીજી ટી૨૦ આવતી કાલે રમાશે.

એક વિકેટ કી કીંમત તુમ ક્યા જાનો...
ગઈ કાલે યુઝવેન્દ્ર ચહલની બોલિંગ દરમ્યાન ડેવિડ મલાન એલબીડબલ્યુ આઉટ હોવા છતાં અમ્પાયરે તેને નૉટઆઉટ આપ્યો હતો. ત્યાર બાદ કોહલીએ ચહલ અને પંત પાસેથી કન્ફર્મ કર્યા બાદ મસ્તીભરી ઍક્શન કરીને ડીઆરએસ-કૉલ લીધો હતો, જેમાં મલાન આઉટ થયો હોવાની પુષ્ટિ થઈ હતી. જોકે તેને આઉટ જાહેર કરાતાં કોહલીએ ફરી એક વાર કંઈક આવી ઍક્શન કરી હતી, જાણે તે કહેતો હોય, ‘એક વિકેટ કી કીંમત તુમ ક્યા જાનો...’

હાર્દિક પાછો રન-અપ પર
હાર્દિક પંડ્યાએ ટી૨૦ ઇન્ટરનૅશનલમાં છેલ્લે ૨૦૧૯ની ૧૮મી સપ્ટેમ્બરે મોહાલીમાં સાઉથ આફ્રિકા રમાયેલી મૅચમાં ચાર ઓવરનો સ્પેલ નાખ્યો હતો. ગઈ કાલે ચાર ઓવરના સ્પેલમાં તેણે વગર વિકેટ લીધે ૩૩ રન ખર્ચ્યા હતા.

ભારતીય ટીમમાં ગઈ કાલે 3 વિકેટકીપર રમ્યા હતા, જેમાં લોકેશ રાહુલ, ઈશાન કિશન અને રિષભ પંતનો સમાવેશ છે.

ગઈ કાલે ભારતીય બોલરોએ ટી૨૦ ઇન્ટરનૅશનલ ક્રિકેટમાં બીજી વાર કુલ 10 લેગબાય નાખ્યા હતા. આ પહેલાં ૨૦૦૯ની ૧૦ ફેબ્રુઆરીએ કોલંબોમાં શ્રીલંકા સામે રમાયેલી ટી૨૦માં તેમણે આટલા લેગબાય નાખ્યા હતા.

ઘરઆંગણે રમાયેલી ટી૨૦માં ૨૦૦ અથવા એથી ઓછા સ્કોરને ચેઝ કરવાનો ભારતનો વારો ગઈ કાલે 16મી વાર આવ્યો હતો. આમાંથી ગઈ કાલની મૅચને ગણીને ભારતે કુલ ૧૩ મૅચમાં વિજય હાંસલ કર્યો હતો, જ્યારે ત્રણ મૅચમાં તેમનો પરાજય થયો હતો. નોંધવા જેવી વાત એ છે કે આ ત્રણેત્રણ પરાજય ન્યુ ઝીલૅન્ડ સામે જ થયો હતો જેમાંની એક મૅચમાં ભારત ૧૨૭ રનનો ટાર્ગેટ પણ ચેઝ નહોતું કરી શક્યું. આ મૅચ ૨૦૧૬માં નાગપપુરમાં ટી૨૦ વર્લ્ડ કપ દરમ્યાન રમાઈ હતી, જેમાં ટીમ ઇન્ડિયા માત્ર ૭૯ રનના સ્કોરમાં પૅવિલિયનભેગી થઈ ગઈ હતી.


ટી૨૦ ડેબ્યુમાં ૫૦ કે એથી વધારે રન કરનાર ભારતીયો
રન પ્લેયર વિરોધી ટીમ સ્ટેડિયમ વર્ષ
૬૧ રહાણે ઇંગ્લૅન્ડ મૅન્ચેસ્ટર ૨૦૧૧
૫૬ ઈશાન ઇંગ્લૅન્ડ અમદાવાદ ૨૦૨૧
૫૦ ઉથપ્પા પાકિસ્તાન ડર્બન ૨૦૦૭
૫૦* રોહિત સા. આફ્રિકા ડર્બન ૨૦૦૭

india england cricket news sports news virat kohli