રડતાં બાળકને ચૂપ કરાવતો દેખાયો રોહિત શર્મા, એવું શું કહ્યું કે વીડિયો થયો વાયરલ?

10 January, 2023 06:36 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

મેચ પહેલાનો રોહિત શર્માનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે જેમાં તે એક રડતાં નાનકડા ફેનને ચૂપ કરાવતો જોવા મળે છે.

રોહિત શર્મા (ફાઈલ તસવીર)

ભારત (India) અને શ્રીલંકા (Sri Lanka) વચ્ચે ત્રણેય મેચની વનડે સીરિઝની શરૂઆત આજથી થવાની છે. બન્ને ટીમ વચ્ચે પહેલી મેચ ગુવાહાટીના બારસપારા સ્ટેડિયમમાં અત્યારે રમાઈ રહી છે. શ્રીલંકા વિરુદ્ધ આ સીરિઝથી ભારતના કેપ્ટન રોહિત શર્માએ પણ ફિટ થઈને કમબૅક કર્યું છે. તો મેચ પહેલા રોહિત શર્માનો (Rohit Sharma) એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે જેમાં તે એક રડતાં નાનકડા ફેનને ચૂપ કરાવતો જોવા મળે છે.

નાનકડા ફેનને ચૂપ કરાવતો જોવા મળ્યો રોહિત શર્મા
આ આખી ઘટના મેચના એક દિવસ પહેલા પ્રેક્ટિસ સેશન દરમિયાનની છે. પ્રેક્ટિસ દરમિયાન બાઉન્ડ્રી તરફ ભેગા થયેલા ચાહકો રોહિત શર્માને મળવા અને તેની સાથે સેલ્ફી લેવા માગતા હતા. તે સમયે એક નાનકડો ફેન રડવા માંડ્યો જેને જોઈને કૅપ્ટન રોહિત તરત જ ત્યાં પહોંચે છે. રોહિત આવતાની સાથે જ બાળકને ચૂપ કરાવતા પ્રેમથી તેના ગાલ પકડે છે અને કહે છે કે, "રડે કેમ છે, આટલા મોટા-મોટા ગાલ કરી લીધા છે."

આ પણ વાંચો : પહેલી વન-ડે પહેલાં બે ઝટકા

રોહિત શર્મા તેને ચૂપ કરાવે છે તેથી તે નાનકડો ફેન ખુશ થઈ જાય છે અને શાંત થઈને મોજમાં રોહિત સાથે સેલ્ફી લેતો જોવા મળે છે. તો સોશિયલ મીડિયા પર રોહિતના આ અંદાજનો વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. લોકો રોહિત શર્માના આ સુંદર જેસ્ચરથી ખૂબ જ ખુશ છે અને રોહિતના વખાણ કરી રહ્યા છે.

cricket news sports news sports rohit sharma