10 February, 2026 03:30 PM IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent
પાકિસ્તાનની ક્રિકેટ ટીમ (તસવીર: મિડ-ડે)
ભારત અને પાકિસ્તાન વચ્ચેની ક્રિકેટ મૅચ આર્થિક અને રાજદ્વારી પરિણામો માટે પણ મહત્ત્વની ગણાય છે. હાલમાં ચાલી રહેલા ICC T20 વર્લ્ડ કપ 2026 દરમિયાન કોલંબોમાં 15 ફેબ્રુઆરીએ થનારી ભારત વિરુદ્ધ પાકિસ્તાન મૅચ પર એક મોટો વિવાદ ફાટી નીકળ્યો હતો. પાકિસ્તાન સરકારે તેમની ટીમને સંકેત આપ્યો કે તે ભારત સામે નહીં રમે, ત્યારે ઇન્ટરનૅશનલ ક્રિકેટ બોર્ડ (ICC) ને આશરે ડૉલર 174 મિલિયન ભારતીય રૂપિયામાં આશરે રૂ. 1,578 કરોડના નુકસાન થાય તેવો ભય હતો. પાકિસ્તાન સરકારે હવે પોતાનો નિર્ણય બદલી દીધો અને ટીમને ભારત સામે રમવાની મંજૂરી આપી. BCB ના પ્રમુખ મોહમ્મદ અમીનુલ ઇસ્લામે કહ્યું, "આ સમયે બાંગ્લાદેશને ટેકો આપવા માટે પાકિસ્તાનના પ્રયાસોથી અમે ખૂબ જ ખુશ છીએ. આપણો ભાઈચારો કાયમ રહે. વાતચીતના વર્તમાન પરિણામને જોતાં, હું પાકિસ્તાનને સમગ્ર ક્રિકેટ ઇકોસિસ્ટમના લાભ માટે 15 ફેબ્રુઆરીએ ભારત સામે મૅચ રમવા વિનંતી કરું છું."
પાકિસ્તાન સરકારની મંજૂરી બાદ, ભૂતપૂર્વ પાકિસ્તાની કૅપ્ટન મોહમ્મદ હાફીઝે નિર્ણયનું સ્વાગત કર્યું પણ એક મહત્ત્વપૂર્ણ અપીલ પણ કરી. તેમણે કહ્યું કે ભારત-પાકિસ્તાન મૅચ રમતગમતની ભાવનાથી રમવી જોઈએ, એશિયા કપ દરમિયાન જોવા મળતી રીતથી નહીં. હાફીઝે કહ્યું, "જ્યારે પણ ભારત-પાકિસ્તાન મૅચની વાત થાય છે, ત્યારે હું હંમેશા તેના પક્ષમાં રહ્યો છું. આ એવી મૅચ છે જે સમગ્ર વિશ્વ અને ખેલાડીઓની નવી પેઢીને પ્રેરણા આપે છે. હું ખરેખર ઇચ્છું છું કે આ મૅચ થાય." તેમણે વધુમાં કહ્યું, "હું ફક્ત એક જ મૅચ નથી ઇચ્છતો. હું ઇચ્છું છું કે ભારત-પાકિસ્તાન મૅચ નિયમિત રીતે યોજાય અને રાજકારણને ક્રિકેટથી હંમેશા દૂર રાખવામાં આવે. બન્ને દેશોને રમતને પ્રોત્સાહન આપવામાં પોતાનો ભાગ ભજવવાની છૂટ આપવી જોઈએ." હાફીઝે આગળ એમ પણ કહ્યું કે જો મૅચ 15 ફેબ્રુઆરીએ યોજાય છે, તો તે ખેલદિલીની સાચી ભાવનાથી રમવી જોઈએ. "અમે એશિયા કપ જેવી મૅચ નથી ઇચ્છતા. જો આ પ્રકારનું વાતાવરણ ચાલુ રહેશે, તો હું પ્રામાણિકપણે આવી મૅચ જોવા પણ માગતો નથી," તેમણે કહ્યું.
પાકિસ્તાની મીડિયા અનુસાર, પાકિસ્તાનના વડા પ્રધાન શેહબાઝ શરીફ અને શ્રીલંકાના રાષ્ટ્રપતિ અનુરા કુમારા દિસાનાયકે વચ્ચે ટૅલિફોનિક વાતચીત બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. ફોન દરમિયાન, બન્ને નેતાઓએ ભારત અને પાકિસ્તાન વચ્ચેની હાઇ-પ્રોફાઇલ મૅચ અંગે ચર્ચા કરી અને શ્રીલંકાના રાષ્ટ્રપતિએ પાકિસ્તાનના વડા પ્રધાનને તેમના દેશમાં સમયપત્રક મુજબ મૅચ રમવા વિનંતી કરી. પાકિસ્તાને અગાઉ ICC T20 વર્લ્ડ કપ 2026 માંથી બાંગ્લાદેશની બહાર થયા પછી ભારત સામે ન રમવાનો નિર્ણય લીધો હતો અને તેમણે સુરક્ષા ચિંતાઓને ટાંકીને પોતાનું સ્થળ ભારતથી શ્રીલંકા કરવા વિનંતી કરી હતી.