11 September, 2025 09:04 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
સામાન્ય સંજોગોમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની મૅચની ટિકિટોનું બુકિંગ ઓપન થયાના ગણતરીના કલાકોમાં જ હાઉસફુલ થઈ જતું હોય છે, પણ એશિયા કપમાં દુબઈમાં આ બન્ને દેશો વચ્ચેના જંગના આડે ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે આશ્ચર્ચજનક રીતે હજી ટિકિટો ઉપલબ્ધ છે. પહલગામ અટૅક બાદ પહેલી વાર ભારત અને પાકિસ્તાન ક્રિકેટ-મેદાનમાં ટકરાવાનાં છે.
રવિવારનો આ મહાજંગ હજી સુધી હાઉસફુલ ન થવાનું સૌથી મોટું કારણ ટિકિટોની કિંમત અને પૅકેજ-સિસ્ટમને માનવામાં આવી રહ્યાં છે. આ વખતે આયોજકોએ ટિકિટિંગ-સિસ્ટમમાં બદલાવ કરીને મોટા ભાગની ટિકિટો પૅકેજ-સિસ્ટમના રૂપમાં વેચી રહ્યા છે. આને લીધે ચાહકોએ ભારત-પાકિસ્તાન મૅચની ટિકિટ સાથે ગ્રુપ-સ્ટેજની અન્ય મૅચોની ટિકિટો પણ ખરીદવી પડે. આ ઉપરાંત ટિકિટની કિંમતમાં પણ ધરખમ વધારો કર્યો છે. આ બધાને લીધે સામાન્ય ચાહકોને ટિકિટો જરાય પરવડે એમ નથી. ટિકિટિંગ પોર્ટલ પર ઉપલબ્ધ પૅકેજમાં VIP સ્વીટ ઈસ્ટની બે ટિકિટની કિંમત ૨,૫૭,૮૧૫ રૂપિયા છે જેમાં અનલિમિટડ ફૂડ અને ડ્રિન્ક્સ, પ્રાઇવેટ એન્ટ્રી, રેસ્ટરૂમ વગેરેનો સમાવેશ છે. રૉયલ બૉક્સમાં બે જણની ટિકિટની કિંમત ૨,૩૦,૭૦૦ રૂપિયા જ્યારે સ્કાય બૉક્સ ઈસ્ટમાં બે ટિકિટની કિંમત ૧,૬૭,૮૫૧ રૂપિયા છે. મિડ-ટાયર ઑપ્શનમાં પણ પ્લેટિનિયમ ટિકિટની કિંમત ૭૫,૬૫૯ અને ગ્રૅન્ડ લાઉન્જની ટિકિટની કિંમત ૪૧,૧૫૪ રૂપિયા છે. સૌથી સસ્તી ટિકિટ જનરલ ઈસ્ટ સ્ટૅન્ડની બે ટિકિટ પણ ૧૦,૦૦૦ રૂપિયાની આસપાસ છે. આ ઓછું હોય એમ ૧૩ અને ૧૪ સપ્ટેમ્બરની ફ્લાઇટની ટિકિટોની કિંમત પણ ઑલમોસ્ટ ડબલ થઈ ગઈ છે.