ભારતને ડબ્લ્યુટીસી ફાઇનલની ચિંતા, બંગલાદેશ પ્રથમ ટેસ્ટ-જીતની તલાશમાં

14 December, 2022 12:04 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

આજથી પહેલી ટેસ્ટ : ઇતિહાસ ભારતના પડખે, રાહુલના સુકાનની કસોટી, રનનો ઢગલો થવાની શક્યતા

ચટગાંવમાં ટેસ્ટ-સિરીઝની ટ્રોફી સાથે કે. એલ. રાહુલ અને શાકિબ-અલ-હસન.

બંગલાદેશ સામે વન-ડે સિરીઝ ૧-૨થી હારી ગયા પછી હવે ટીમ ઇન્ડિયાને આજે (સવારે ૯.૦૦ વાગ્યાથી) ચટગાંવમાં શરૂ થતી બે મૅચની ટેસ્ટ-શ્રેણી જીતી લેવાનો પાકો વિશ્વાસ હોવાનું સૌથી મોટું કારણ એ છે કે ઇતિહાસ ભારતના પડખે છે. ભારત અને બંગલાદેશ વચ્ચે અત્યાર સુધી કુલ ૧૧ ટેસ્ટ રમાઈ છે, એમાંથી ૯ ભારતે જીતી છે અને બે ટેસ્ટ ડ્રૉ ગઈ છે. બંગલાદેશ હજી સુધી ભારત સામે એક પણ ટેસ્ટ નથી જીતી શક્યું, પરંતુ તાજેતરની ઓડીઆઇ સિરીઝમાં તેઓ જે રીતે રમ્યા એ જોતાં શાકિબ-અલ-હસનની ટીમ આ વખતે ભારતને એકાદ ટેસ્ટમાં પછડાટ આપીને ઇતિહાસ સર્જવા સક્ષમ લાગે છે. જોકે ખુદ શાકિબની ફિટનેસ ચર્ચામાં છે.

ભારતને એક જ હાર પરવડી શકે

ભારતનો ટાર્ગેટ વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપ (ડબ્લ્યુટીસી)ની ફાઇનલ છે. દર બે વર્ષે રમાતી આ ફાઇનલમાં પ્રવેશવા પહેલા નંબરનું ઑસ્ટ્રેલિયા મોસ્ટ-ફેવરિટ છે. ટોચના દેશોના ટેબલમાં સાઉથ આફ્રિકા બીજા નંબરે અને શ્રીલંકા ત્રીજા નંબરે છે, જ્યારે ભારત છેક ચોથા સ્થાને છે. ભારતે ડબ્લ્યુટીસીના દાવા માટે બાકીની ૬ ટેસ્ટ રમવાની છે. બે બંગલાદેશ સામે અને ચાર (ઘરઆંગણે) ઑસ્ટ્રેલિયા સામે રમાશે. આ ૬માંથી ભારતને એક જ ટેસ્ટ હારવાનું પરવડશે. બે વર્ષ પહેલાંની સૌપ્રથમ ડબ્લ્યુટીસી ફાઇનલમાં ભારતનો ન્યુ ઝીલૅન્ડ સામે પરાજય થયો હતો.
આજે શરૂ થતી ટેસ્ટમાં કે. એલ. રાહુલ પર કૅપ્ટન્સીમાં સફળ થવાનો ભાર હશે. રોહિત શર્મા ઈજાને લીધે આ પહેલી ટેસ્ટમાં નથી રમવાનો. બુમરાહ, શમી અને જાડેજા આખી સિરીઝમાં ન હોવાથી ભારતીયોએ મોટી કસોટીમાંથી પાર ઊતરવું પડશે. ચટગાંવની પિચ પર રનનો ઢગલો થવાની સંભાવના છે.

સાત વર્ષે ફરી ટેસ્ટમાં ટક્કર

ભારતીયો છેલ્લે બંગલાદેશમાં છેક ૨૦૧૫માં ટેસ્ટ રમ્યા હતા. ફતુલ્લાની એ ટેસ્ટ વરસાદને લીધે ડ્રૉમાં પરિણમી હતી. ભારત ભલે બંગલાદેશ સામે ટેસ્ટ હાર્યું નથી, પરંતુ બંગલાદેશની ટીમ ૭ વર્ષ પહેલાં હતી એવી નથી. એમાં ઘણો સુધારો થયો છે.

મિરાઝથી બચ કે રહના

વન-ડે સિરીઝનો હીરો મેહદી હસન મિરાઝ ઓડીઆઇનું ફૉર્મ ટેસ્ટમાં પણ જરૂર જાળવવા માગશે. યાદ રહે, ભારત તેના કારણે જ વન-ડે સિરીઝ હાર્યું અને ઑફ-સ્પિનર મિરાઝની ખાસિયત એ છે કે તેણે ૨૦૧૬માં ચટગાંવના આ જ મેદાન પર ટેસ્ટ-કરીઅર શરૂ કરી હતી, જેમાં તેણે ઍલિસ્ટર કુકની ઇંગ્લૅન્ડની ટીમ સામે પ્રથમ દાવમાં ૬ વિકેટ લીધી હતી.

વિરાટ કોહલીએ છેલ્લે નવેમ્બર ૨૦૧૯માં ટેસ્ટ-સદી ફટકારી હતી અને એ બંગલાદેશમાં જ હતી. ઇન્ટરનૅશનલ ક્રિકેટમાં વિરાટની કુલ ૭૨ સદી છે. 

5
ભારત છેલ્લે આટલા મહિના પહેલાં ટેસ્ટ રમ્યું હતું. જુલાઈમાં બર્મિંગહૅમની એ ટેસ્ટ જીતીને ઇંગ્લૅન્ડે સિરીઝ ૨-૨થી લેવલ કરી હતી. ભારત ૨૦૨૨માં આટલી જ ટેસ્ટ રમ્યું છે.

સંભવિત ઇલેવન

ભારત : કે. એલ. રાહુલ (કૅપ્ટન), રિષભ પંત (વિકેટકીપર), ચેતેશ્વર પુજારા (વાઇસ-કૅપ્ટન), શુભમન ગિલ/અભિમન્યુ ઈશ્વરન, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, આર. અશ્વિન, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, ઉમેશ યાદવ અને મોહમ્મદ સિરાજ.

બંગલાદેશ : શાકિબ-અલ-હસન (કૅપ્ટન), મહમુદુલ્લા હસન જૉય, ઝાકિર હુસેન, નજમુલ હુસેન શન્ટો, મુશ્ફિકુર રહીમ, લિટન દાસ, નુરુલ હસન (વિકેટકીપર), મેહદી હસન મિરાઝ, શોરિફુલ ઇસ્લામ, ખાલેદ અહમદ અને ઇબાદત હુસેન.

12
ઉનડકટને આજે રમવા મળશે તો તેણે આટલાં વર્ષે કરીઅરની બીજી ટેસ્ટ રમી કહેવાશે. પાકિસ્તાનના યુનુસ અહમદનો બે ટેસ્ટ વચ્ચે ૧૭ વર્ષના અંતરનો વર્લ્ડ રેકૉર્ડ છે.

sports sports news indian cricket team cricket news test cricket bangladesh