વિમેન્સ T20 વર્લ્ડ કપમાં બંગલાદેશ સામે સાઉથ આફ્રિકાની લાગલગાટ ચોથી જીત

29 June, 2026 11:33 AM IST  |  London | Gujarati Mid-day Correspondent

બંગલાદેશે પાંચ વિકેટે ૧૧૭ રન કર્યા હતા. જવાબમાં સાઉથ આફ્રિકાએ ૧૯.૨ ઓવરમાં ૬ વિકેટના નુકસન સાથે ૧૧૮ રનનો ટાર્ગેટ ચેઝ કરી લીધો હતો

મૅરિઝાન કેપ ૧ વિકેટ અને ૧૬ રન કરવા બદલ પ્લેયર ઑફ ધ મૅચ બની હતી

ગઈ કાલે બપોરે લૉર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડમાં બંગલાદેશને ૪ વિકેટે હરાવીને સાઉથ આફ્રિકાએ સેમી-ફાઇનલની રેસને રસપ્રદ બનાવી હતી. આ મૅચના રિઝલ્ટ બાદ ગ્રુપ Aમાં સાઉથ આફ્રિકાએ +૦.૬૩૩ના નેટ રન-રેટ અને ૮ પૉઇન્ટ સાથે ત્રીજાથી બીજા ક્રમે પહોંચીને આશા જીવંત રાખી હતી.

બંગલાદેશે પાંચ વિકેટે ૧૧૭ રન કર્યા હતા. જવાબમાં સાઉથ આફ્રિકાએ ૧૯.૨ ઓવરમાં ૬ વિકેટના નુકસન સાથે ૧૧૮ રનનો ટાર્ગેટ ચેઝ કરી લીધો હતો. બંગલાદેશ સામે વિમેન્સ T20 વર્લ્ડ કપમાં સાઉથ આફ્રિકાની આ લાગલગાટ ચોથી જીત હતી.

બંગલાદેશમાં ત્રીજા ક્રમની બૅટર શોભના મોસ્ટરીએ ૪૮ બૉલમાં ૪૨ રન કર્યા હતા. કૅપ્ટન નિગાર સુલતાનાએ ૨૦ બૉલમાં ૩૨ રન કર્યા હતા. સાઉથ આફ્રિકન સ્પિનર નૉનકુલુલેકો મ્લાબાએ ૪ ઓવરમાં બાવીસ રન આપીને બે વિકેટ લીધી હતી.

રન-ચેઝ દરમ્યાન સાઉથ આફ્રિકાની બૅટર ઍનીરી ડેર્કસને ૪૫ બૉલમાં બે ફોર અને બે સિક્સની મદદથી ૪૫ રન કરીને જીતમાં મોટું યોગદાન આપ્યું હતું. એક વિકેટ લેવાની સાથે ૨૧ બૉલમાં ૧૬ રન કરનાર ઑલરાઉન્ડર મૅરિઝાન કેપ પ્લેયર ઑફ ધ મૅચ બની હતી. 

international cricket council womens world cup bangladesh south africa cricket news sports sports news