ડેથ ઓવર્સમાં સ્પિનર્સને અજમાવવાની મારી યુક્તિ કારગત નીવડી : શનાકા

24 October, 2022 09:48 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

શ્રીલંકાએ સ્પિનર્સ અને ઓપનર મેન્ડિસના અણનમ ૬૮ની મદદથી આયરલૅન્ડને હરાવ્યું, રન-રેટ ખૂબ વધી ગયો

ઓપનર કુસાલ મેન્ડિસે મૅચ-વિનિંગ સિક્સર ફટકારી હતી. તસવીર એ.એફ.પી (ડાબે) . ઓપનર ધનંજય ડિસિલ્વા આયરલૅન્ડના માર્ક અડેરના એક બૉલમાં શૉટ મારવા જતાં નીચે પટકાયો હતો.(જમણે)

‘જાયન્ટ કિલર’ આયરલૅન્ડને શ્રીલંકાએ ગઈ કાલે પોતાની તાકાત દેખાડી દીધી હતી. ટી૨૦ વર્લ્ડ કપના પ્રથમ રાઉન્ડમાં (સુપર-12 માટેના ક્વૉલિફાઇંગ રાઉન્ડમાં) બે વખતના ચૅમ્પિયન વેસ્ટ ઇન્ડીઝને હરાવીને સ્પર્ધાની બહાર કરી મૂકનાર આયરલૅન્ડને શ્રીલંકાએ હોબાર્ટમાં ૩૦ બૉલ બાકી રાખીને ૯ વિકેટના તોતિંગ માર્જિનથી હરાવીને મુખ્ય સ્પર્ધામાં વિજયી શ્રીગણેશ કર્યા હતા. શ્રીલંકાએ ૧૨૯ રનના લક્ષ્યાંક સામે ૧૫ ઓવરમાં એક વિકેટના ભોગે ૧૩૩ રન બનાવી લીધા હતા.

શ્રીલંકાને ત્રણ સ્પિનર્સે પાંચ વિકેટ લઈ આપી હતી, એને કારણે આયરલૅન્ડની ટીમ બૅટિંગ લીધા બાદ ૮ વિકેટે માત્ર ૧૨૮ રન બનાવી શક્યું હતું. પીઢ ઓપનર પૉલ સ્ટર્લિંગ ફક્ત ૩૪ રન અને હૅરી ટેક્ટર ૪૫ રન બનાવી શક્યો હતો. ત્રણ સ્પિનર્સ મહીશ થીકશાના (૪-૦-૧૯-૨), વનિન્દુ હસરંગા (૪-૦-૨૫-૨) અને ધનંજય ડિસિલ્વા (૨-૦-૧૩-૧)એ મળીને કૅપ્ટન દાસુન શનાકાને પાંચ વિકેટ લઈ આપી હતી. શનાકાના બોલિંગના ફેરફારો કારગત નીવડ્યા હતા. તેણે સ્પિનર્સને ડેથ ઓવર્સ માટે બાકી રાખ્યા હતા અને તેમને ૧૪, ૧૫, ૧૬, ૧૭, ૧૯મી ઓવર આપીને આયરલૅન્ડના બૅટર્સને સતત કાબૂમાં રાખ્યા હતા.

શનાકાએ મૅચ પછી પોતાના સ્પિનર્સના પ્રભુત્વની વાત કરતાં કહ્યું કે ‘ડેથ ઓવર્સ માટે સ્પિનર્સને તૈયાર રાખવાની યુક્તિ કારગત નીવડી. મને શરૂઆતથી જ ખબર હતી કે આ મૅચમાં સ્પિનર્સની ભૂમિકા મહત્ત્વની બનશે. અમે જાણતા હતા કે આયરલૅન્ડના બૅટર્સ છેલ્લી ઓવર્સમાં પેસ બોલર્સનો સામનો કરવાની રાહ જોઈને બેઠા હશે એટલે મેં સ્પિનર્સને ડેથ ઓવર્સમાં અજમાવવાનો વિકલ્પ અજમાવ્યો અને એમાં હું સફળ થયો.’

મેન્ડિસની બે મોટી ભાગીદારી

ઓપનર કુસાલ મેન્ડિસે (૬૮ અણનમ, ૪૩ બૉલ, ત્રણ સિક્સર, પાંચ ફોર) પહેલાં સાથી ઓપનર ધનંજય ડિસિલ્વા (૩૧ રન, પચીસ બૉલ, એક સિક્સર, બે ફોર) સાથે ૬૩ રનની અને પછી ચરિથ અસલંકા (૩૧ અણનમ, બાવીસ બૉલ, બે ફોર) સાથે ફક્ત ૪૦ બૉલમાં ૭૦ રનની અતૂટ ભાગીદારી કરી હતી. શરૂઆતથી છેક સુધી ક્રીઝ પર ટકી રહેલા મેન્ડિસે પોતાની ત્રીજી સિક્સર સાથે ટીમને શાનદાર વિજય અપાવ્યો હતો.

આયરલૅન્ડે બૅટિંગ લઈને ભૂલ કરી

શ્રીલંકાએ પાંચ ઓવર બાકી રાખીને જીત મેળવી એનો અર્થ એ થયો કે એનાથી એને રન-રેટ વધારવામાં ઘણી મદદ મળી. શ્રીલંકાનો રન-રેટ એકદમ વધીને +૨.૪૬૭ થયો છે. આયરલૅન્ડને બૅટિંગ પસંદ કરવાનો નિર્ણય ભૂલભરેલો લાગ્યો હશે. પ્રથમ રાઉન્ડમાં એણે તમામ વિજય ટાર્ગેટ ચેઝ કરીને મેળવ્યા હતા.

sports news t20 world cup cricket news sports