18 October, 2022 01:59 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ટી૨૦ વર્લ્ડ કપના ઇતિહાસમાં સૌથી વધુ વિકેટ અશ્વિને લીધી છે.
ઑસ્ટ્રેલિયામાં સનસનાટીભર્યા અપસેટ્સ સાથે ટી૨૦ વર્લ્ડ કપ શરૂ થઈ ગયો એ અવસરે પી. ટી. આઇ.એ આ ટુર્નામેન્ટની અગાઉની સીઝનને લગતી કેટલીક રસપ્રદ માહિતી એકઠી કરી જે અહીં પ્રસ્તુત છે :
(૧) ટી૨૦ વર્લ્ડ કપના ઇતિહાસમાં સૌથી વધુ શિકાર કરનારાઓમાં મહેન્દ્ર સિંહ ધોની (૩૨ શિકાર)નું નામ મોખરે છે.
(૨) ૨૦૦૭માં સૌપ્રથમ ટી૨૦ વર્લ્ડ કપ ભારત જીત્યું હતું, પરંતુ એક કરતાં વધુ વખત આ ફૉર્મેટનો વિશ્વકપ જીતનાર વેસ્ટ ઇન્ડીઝ એકમાત્ર દેશ છે. એ ૨૦૧૨ અને ૨૦૧૬માં ટ્રોફી જીત્યું હતું.
(૩) ફીલ્ડરોમાં સૌથી વધુ કુલ ૨૩ કૅચ પકડવાનો વિક્રમ એબી ડિવિલિયર્સના નામે છે.
(૪) ટી૨૦ વર્લ્ડ કપના ઇતિહાસમાં બે સેન્ચુરી ફક્ત એક જ બૅટરે ફટકારી છે અને એ છે ક્રિસ ગેઇલ, ૨૦૦૭માં સાઉથ આફ્રિકા સામે અને ૨૦૧૬માં ઇંગ્લૅન્ડ સામે. એક વર્લ્ડ કપમાં સૌથી વધુ ૧૧ સિક્સર અને તમામ સીઝન્સમાં કુલ ૬૩ સિક્સર ફટકારવાનો વિશ્વવિક્રમ પણ ગેઇલના નામે જ છે.
(૫) ટી૨૦ વર્લ્ડ કપ્સમાં રવિચન્દ્રન અશ્વિનની ૨૬ વિકેટ ભારતીય બોલર્સમાં હાઇએસ્ટ છે.
(૬) ક્યારેય કોઈ યજમાન દેશ ટી૨૦ વર્લ્ડ કપ નથી જીત્યો અને ક્યારેય કોઈ ડિફેન્ડિંગ ચૅમ્પિયન પણ બૅક-ટુ-બૅક ટ્રોફી નથી જીત્યું. ૨૦૨૧માં ઑસ્ટ્રેલિયા ટી૨૦નું વિશ્વવિજેતા બન્યું હતું. ૨૦૦૭ના સૌપ્રથમ ટી૨૦ વર્લ્ડ કપમાં ઑસ્ટ્રેલિયા એની પહેલી મૅચ ઝિમ્બાબ્વે સામે હાર્યું હતું.
(૭) ટી૨૦ વર્લ્ડ કપની મૅચમાં બૉલ-આઉટથી રિઝલ્ટ લાવવાની મેથડ ૨૦૦૭માં ભારત-પાકિસ્તાન વચ્ચેની મૅચમાં અપનાવાઈ હતી. ત્યાર પછી ૨૦૦૯ની સીઝનથી ‘વન ઓવર એલિમિનેટર’ એટલે કે ‘સુપરઓવર’ની પ્રથા શરૂ થઈ હતી.
(૮) હાઇએસ્ટ ટીમ-ટોટલ શ્રીલંકા (૨૦૦૭માં કેન્યા સામે ૨૬૦-૬)ના નામે છે. લોએસ્ટ સ્કોર નેધરલૅન્ડ્સ (૨૦૧૪માં શ્રીલંકા સામે ૩૯)નો છે.
(૯) ટી૨૦ વર્લ્ડ કપ્સમાં સૌથી વધુ કુલ ૧૦૧૬ રન માહેલા જયવર્દનેના નામે છે.
(૧૦) વર્લ્ડ કપના ઇતિહાસમાં હાઇએસ્ટ ૪૧ વિકેટ બંગલાદેશના સુકાની શાકિબ-અલ-હસનના નામે છે.
(૧૧) ટી૨૦ વર્લ્ડ કપમાં સૌપ્રથમ હૅટ-ટ્રિક બ્રેટ લીએ ૨૦૦૭ની સીઝનમાં લીધી હતી.