25 January, 2026 09:18 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
બંગલાદેશ
ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ મેન્સ T20 વર્લ્ડ કપ 2026 પહેલાં મોટો નિર્ણય લીધો છે. આગામી વર્લ્ડ કપમાં બંગલાદેશની ભાગીદારી માટેના બધા રસ્તા બંધ થઈ ગયા છે. ભારતમાં વર્લ્ડ કપ મૅચ રમવાનો ઇનકાર કરનાર બંગલાદેશની જીદ્દને નકારીને ICCએ રૅન્કિંગના આધારે ૨૦ ટીમોના આ જંગમાં સ્કૉટલૅન્ડને સ્થાન મળ્યું છે. બંગલાદેશને અંતિમ નિર્ણય લેવા માટે છેલ્લી તક આપવામાં આવી હતી. જોકે સમયમર્યાદાની અંદર કોઈ જવાબ ન મળતાં ICCએ નિર્ણયની જાણ બંગલાદેશ ક્રિકેટ બોર્ડને કરી દીધી છે.
૪ ગ્રુપમાંથી ગ્રુપ Cમાં બંગલાદેશનું સ્થાન સ્કૉટલૅન્ડ લેશે. આ ગ્રુપમાં ઇટલી, નેપાલ, વેસ્ટ ઇન્ડીઝ અને ઇંગ્લૅન્ડની ટીમ સામેલ છે. યુરોપિયન દેશ સ્કૉટલૅન્ડ ૯માંથી ૬ મેન્સ T20 વર્લ્ડ કપ રમી ચૂક્યું છે. ૨૦૨૧માં આ ટીમે સુપર-12 રાઉન્ડ સુધી પહોંચીને વર્લ્ડ કપમાં પોતાનો શ્રેષ્ઠ દેખાવ કર્યો હતો. હમણાં સુધીના તમામ T20 વર્લ્ડ કપમાં ભાગ લેનાર, ૨૦૦૭ અને ૨૦૨૪ના વર્લ્ડ કપમાં સુપર-8 રાઉન્ડ સુધી પહોંચનાર બંગલાદેશ પોતાની સરકાર અને બોર્ડના જિદ્દી વલણને કારણે પહેલી વખત વર્લ્ડ કપમાંથી બાકાત રહેશે.
ICCનો આ નિર્ણય બંગલાદેશ ક્રિકેટ સાથેની ૩ અઠવાડિયાંની વાટાઘાટો પછી આવ્યો છે. ફાસ્ટ બોલર મુસ્તફિઝુર રહમાનને IPLમાંથી આઉટ કર્યા બાદ સુરક્ષા-ચિંતાઓનું બહાનું આપીને બંગલાદેશ ક્રિકેટ બોર્ડે ભારતમાં રમવાનો ઇનકાર કર્યો હતો. બંગલાદેશની ગ્રુપ-સ્ટેજની ૩ મૅચ કલકત્તા અને એક મૅચ મુંબઈમાં રમાવાની હતી. જોકે ICCએ આ નિર્ણય વિશેની ઑફિશ્યલ જાહેરાત કરી નથી.