03 June, 2024 12:43 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ગૌતમ ગંભીર
ભારતીય ક્રિકેટ ટીમના હેડ કોચ બનવા માટે તે સૌથી આગળ છે એવી અટકળો વચ્ચે ભૂતપૂર્વ બૅટ્સમૅન ગૌતમ ગંભીરે ગઈ કાલે દુબઈમાં આ વિશે મહત્ત્વનું નિવેદન આપ્યું હતું. ભારતીય ટીમના મુખ્ય કોચ પદ માટે અરજી કરવાની છેલ્લી તારીખ ૨૭ મે હતી, પરંતુ હજી સુધી એ સ્પષ્ટ નથી થયું કે ગંભીરે આ માટે અરજી કરી છે કે નહીં.
અબુ ધાબીમાં એક કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ દ્વારા પૂછવામાં આવેલા સવાલનો જવાબ આપતાં ગંભીરે કહ્યું હતું કે મને ભારતીય ટીમનું કોચિંગ કરવાનું ગમશે. મારા માટે રાષ્ટ્રીય ટીમને કોચિંગ આપવાથી મોટું કોઈ સન્માન નથી. ગંભીરે હાલમાં કોલકાતા નાઇટ રાઇડર્સને તેમના ત્રીજા ઇન્ડિયન પ્રીમિયર લીગ ખિતાબ જીતવામાં મેન્ટર તરીકે મદદ કરી હતી.