04 September, 2023 03:24 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
ફાસ્ટ બોલર હીથ સ્ટ્રીક
ઝિમ્બાબ્વેના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર હીથ સ્ટ્રીકનું કૅન્સરની બીમારીને ઘણાં વર્ષો સુધી લડત આપ્યા બાદ ગઈ કાલે હોમટાઉન બુલવૅયોમાં અવસાન થયું હતું. તે ૪૯ વર્ષનો હતો. તેને આંતરડાનું અને લિવરનું કૅન્સર હતું. થોડા દિવસ પહેલાં તેના મૃત્યુની અફવા ઊડી હતી, જે ખુદ તેણે નકારી હતી અને સોશ્યલ મીડિયામાં જણાવ્યું હતું કે ‘હું હજી જીવતો છું અને મારી તબિયત સુધારા પર છે.’
૧૯૯૩ના નવેમ્બરમાં સ્ટ્રીક પ્રથમ ઇન્ટરનૅશનલ મૅચ રમ્યો હતો. સાઉથ આફ્રિકા સામેની હીરો કપની એ વન-ડે બૅન્ગલોરમાં રમાઈ હતી જે વરસાદને કારણે અનિર્ણીત રહી હતી. તે ડિસેમ્બર ૧૯૯૩માં પ્રથમ ટેસ્ટ રમ્યો હતો અને ૨૦૦૫માં તેની કરીઅર પર પડદો પડી ગયો હતો.
પત્નીનો હૃદયસ્પર્શી શોકસંદેશ
હીથ સ્ટ્રીકની પત્ની નૅડીને ગઈ કાલે ફેસબુક પર લખ્યું હતું કે ‘રવિવાર, ૩ સપ્ટેમ્બર ૨૦૨૩ની વહેલી સવારે ઈશ્વરના દૂત મારા સૌથી પ્રિય અને મારા સુંદર બાળકોના પિતાને અમારા ઘરેથી પોતાની સાથે સફરે લઈ જવા માટે આવ્યા હતા. પરિવારજનો અને સૌથી નજીકના પ્રિયજનોની હાજરીમાં તેમણે આ જ ઘરમાં છેલ્લા દિવસો માણવાની ઇચ્છા દર્શાવી હતી જે તેમણે પૂરી કરી. તેમને અમારા સર્વેના પ્રેમ અને લાગણીથી વીંટાળવામાં આવ્યા હતા અને તેઓ અનંતકાળની આત્મીય સફરે જવા રવાના થયા. તેમના શરીરે વિદાય લીધી, પરંતુ તેઓ અમારા દિલમાં સદા જીવંત રહેશે.’ હીથ સ્ટ્રીકના પરિવારમાં પત્ની અને ચાર સંતાનોનો સમાવેશ છે.
ત્રણ વર્લ્ડ કપ રમ્યો, બે વાર કૅપ્ટન
હીથ સ્ટ્રીક ૧૯૯૩, ૧૯૯૯ અને ૨૦૦૩ના વર્લ્ડ કપમાં રમ્યો હતો. સૌથી પહેલાં તે ૨૦૦૦માં ઝિમ્બાબ્વેનો કૅપ્ટન બન્યો હતો. જોકે સરમુખત્યાર રૉબર્ટ મુગાબેની સરકારની નીતિઓ સામેના વિરોધમાં સ્ટ્રીકે ૨૦૦૧માં સુકાન છોડી દીધું હતું. એ સમયે સરકારે અશ્વેતોને ટીમમાં સમાવવા વિશે ક્વોટા સિસ્ટમ દાખલ કરી હતી. ૨૦૦૨માં તે ફરી કૅપ્ટન બન્યો હતો અને ઘરઆંગણે ૨૦૦૩માં રમાયેલી વર્લ્ડ કપમાં ટીમનું નેતૃત્વ સંભાળ્યું હતું. જોકે ક્વોટા સિસ્ટમના મુદ્દે ક્રિકેટ બોર્ડ સાથે વિવાદ થવાને પગલે સ્ટ્રીકે ફરી કૅપ્ટન્સી છોડી દીધી હતી. ત્યારે ટીમના બીજા ૧૩ શ્વેત ખેલાડીઓ ટીમ છોડી ગયા હતા.
સરકારે ૭૦ ટકા જમીન હડપી લીધી
૨૦૦૦ના દાયકાની શરૂઆતમાં ઝિમ્બાબ્વેની સરકારે શ્વેત ખેડૂત-પરિવારોની જમીન હડપવાની શરૂઆત કરી હતી, જેમાં હીથ સ્ટ્રીકનો પરિવાર પણ નિશાન બન્યો હતો. બુલવૅયો નજીકની સ્ટ્રીકના પરિવારની ૭૦ ટકા જમીન લઈ લેવાઈ હતી. જોકે બાકીની જમીન પર તેમને ખેતી અને નાનો સફારી પાર્ક ચાલુ રાખવાની છૂટ અપાઈ હતી.
મૃત્યુ વખતે પ્રતિબંધ હેઠળ હતો
૨૦૨૧માં તેના પર ક્રિકેટને લગતા ભ્રષ્ટાચારમાં સંડોવણી હોવા બદલ આઠ વર્ષનો પ્રતિબંધ મુકાયો હતો. એ રીતે, તેને કોચિંગ આપવા કે ક્રિકેટલક્ષી કોઈ પણ પ્રવૃત્તિ કરવાની મનાઈ હતી. જો તે જીવિત હોત તો ૨૦૨૯માં તે ફરી કોચિંગ આપી શક્યો હોત. તેણે એક ભ્રષ્ટ વ્યક્તિ પાસેથી બીટકૉઇન્સમાં પેમેન્ટ સ્વીકાર્યું હોવાનો તેના પર આક્ષેપ હતો જે નકારીને તેણે ક્રિકેટ બોર્ડને જણાવ્યું હતું કે તેણે કોઈ પણ રીતે મૅચ-ફિક્સિંગ નહોતું કર્યું, પરંતુ ઇન્ટરનૅશનલ મૅચોને લગતી અંદરની અમુક વાતો પાસ-ઑન કરી હતી.
ઉત્તર પ્રદેશ તેમ જ કલકત્તા, ગુજરાતની ટીમને કોચિંગ
હીથ સ્ટ્રીકે ભારતીય ડોમેસ્ટિક ક્રિકેટમાં ખાસ કરીને ઉત્તર પ્રદેશની ટીમને અને આઇપીએલમાં કલકત્તા તથા ગુજરાત લાયન્સની ટીમને કોચિંગ આપ્યું હતું.
44
હીથ સ્ટ્રીકે ટેસ્ટ-ક્રિકેટમાં સૌથી વધુ આટલી વિકેટ પાકિસ્તાન સામે લીધી હતી. સૌથી વધુ ત્રણ વખત પાંચ કે વધુ વિકેટ લેવાની તેની સિદ્ધિ પણ તેણે આ જ દેશ સામે હતી.
હીથ સ્ટ્રીક ટેસ્ટમાં ૧૦૦ અને વન-ડેમાં ૨૦૦ વિકેટ લેનાર ઝિમ્બાબ્વેનો એકમાત્ર : સૌથી વધુ ૪૪ વિકેટ પાકિસ્તાન સામે
૧૯૯૩થી ૨૦૦૫ દરમ્યાન ૬૫ ટેસ્ટમાં ૨૧૬ અને ૧૮૯ વન-ડેમાં ૨૩૯ વિકેટ લેનાર રાઇટ આર્મ ફાસ્ટ મીડિયમ પેસ બોલર હીથ સ્ટ્રીક ૧૯૯૦ના દાયકામાં ઝિમ્બાબ્વેનો અગ્રગણ્ય બોલર હતો. તે ટેસ્ટમાં ૧૦૦થી વધુ અને વન-ડેમાં ૨૦૦ કરતાં વધુ વિકેટ લેનાર ઝિમ્બાબ્વેનો એકમાત્ર બોલર હતો. તેણે ટેસ્ટમાં ૧૯૯૦ રન બનાવ્યા હતા જે ઝિમ્બાબ્વેના બૅટર્સમાં સેવન્થ-હાઇએસ્ટ હતા. વન-ડેમાં તેના ૨૯૪૩ રન હતા અને ઓડીઆઇમાં ૨૦૦૦થી વધુ રન બનાવનારા ઝિમ્બાબ્વેના ૧૬ બૅટર્સમાં તે સામેલ હતો. ટેસ્ટમાં ડેબ્યુ પછીની આઠેઆઠ ટેસ્ટમાં ઝિમ્બાબ્વે જીત્યું હતું. તેની એકમાત્ર ટેસ્ટ-સદી ૨૦૦૩માં હરારેમાં વેસ્ટ ઇન્ડીઝ સામે હતી.