24 October, 2023 01:09 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બિશનસિંહ બેદી
સ્પિન-લેજન્ડ અને વિશ્ર્વના મહાન લેફ્ટ-આર્મ સ્પિનર્સમાં ગણાતા ભૂતપૂર્વ ભારતીય કૅપ્ટન બિશનસિંહ બેદીનું ગઈ કાલે દિલ્હીમાં સવારે અવસાન થયું હતું. તેઓ ૭૭ વર્ષના હતા. તેઓ બે વર્ષથી માંદા હતા અને તેમણે કેટલીક સર્જરી કરાવી હતી. ગયા મહિને તેમણે ઘૂંટણનું ઑપરેશન કરાવ્યું હતું. તેમના પરિવારમાં પત્ની અંજુ તેમ જ પુત્રી નેહા તથા પુત્ર અંગદનો સમાવેશ છે. પુત્ર અંગદ બેદી અને પુત્રવધુ નેહા ધુપિયા બૉલીવુડના જાણીતા ઍક્ટર્સ છે. બેદીના પ્રથમ લગ્ન ગ્લેનિથ માઇલ્સ સાથે થયા હતા અને બેદી-ગ્લેનિથના પુત્રનું નામ ગવાસિંદર તથા પુત્રીનું નામ ગિલિંદર છે.
ફર્સ્ટ ક્લાસ મૅચોમાં ૧૫૬૦ વિકેટ
ક્રિકેટજગતના મહાન સ્પિનર્સમાં ગણાતા બેદી ૧૯૬૭થી ૧૯૭૯ દરમ્યાન ૬૭ ટેસ્ટ તથા ૧૦ વન-ડે રમ્યા હતા. નિવૃિત્ત વખતે તેઓ ૨૬૬ વિકેટ સાથે ટેસ્ટમાં ભારતના હાઇએસ્ટ વિકેટ-ટેકર હતા. ૧૦ વન-ડેમાં તેમણે ૭ વિકેટ લીધી હતી. તેમણે કુલ ૭૦૦ જેટલા રન પણ બનાવ્યા હતા. ખાસ કરીને ૧૯૭૦ના દાયકામાં બેદી ઉપરાંત એરાપલ્લી પ્રસન્ના, ભાગવત ચંદ્રશેખર અને શ્રીનિવાસ વેન્કટરાઘવનું ભારતીય ક્રિકેટમાં પ્રભુત્વ હતું. ઇંગ્લિશ કાઉન્ટીમાં નૉર્ધમ્પ્ટનશર વતી ઘણી મૅચો રમેલા બેદીએ ૨૦.૮૯ની ઍવરેજે કુલ ૪૩૪ વિકેટ લીધી હતી. સમગ્ર ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં તેમના નામે કુલ ૧૫૬૦ વિકેટ છે.
બેદીએ ટેસ્ટમાં ૧૪ વખત પાંચ કે પાંચથી વધુ વિકેટ અને એક વાર ટેસ્ટમાં કુલ ૧૦ વિકેટ લીધી હતી.
કૅપ્ટન્સીમાં ભારતે રચ્યો વિશ્ર્વવિક્રમ
ક્લાસિકલ બ્યુટી બૉલિંગ ઍક્શન માટે જાણીતા બેદી લાંબા સ્પેલ દરમ્યાન પરફેક્ટ લેન્ગ્થ જાળવી રાખવા માટે જાણીતા હતા. બેદીએ બાવીસ ટેસ્ટમાં કૅપ્ટન્સી સંભાળી હતી જેમાંથી ૬ મૅચમાં ભારત જીત્યું હતું. ૧૯૭૬માં પોર્ટ ઑફ સ્પેનમાં બેદીના સુકાનમાં ભારતે વેસ્ટ ઇન્ડીઝ સામે ૪૦૩ રનનો ટાર્ગેટ ચેઝ કરીને વિશ્ર્વવિક્રમ રચ્યો હતો. એ રેકૉર્ડ ૨૭ વર્ષ સુધી રહ્યો હતો. રણજી ટ્રોફીમાં દિલ્હી તેમના નેતૃત્વમાં ચાર વાર ફાઇનલમાં પહોંચ્યું હતું જેમાંથી બે ફાઇનલ જીત્યું હતું. એમાં દિલ્હીની ટીમે પહેલાં ગુંડપ્પા વિશ્ર્વનાથની કર્ણાટકની ટીમને અને પછી ગાવસકરની બૉમ્બેની ટીમને હરાવી હતી.
૧૯૭૨માં ઑસ્ટ્રેલિયામાં રેસ્ટ ઑફ ધ વર્લ્ડ ટીમના ખેલાડીઓમાં ગાવસકર, એન્જિનિયર, બૉબ ટેલર, ઝહીર અબ્બાસ, લૉઇડ, ટૉની ગ્રેગ, કન્હાઈ, સોબર્સ, જેવા મહાન ખેલાડીઓ સાથે બિશનસિંહ બેદી.
લીવરનો વૅસેલીન કાંડ ખુલ્લો પાડ્યો
૧૯૭૬માં બેદીએ સબાઈના પાર્કમાં વેસ્ટ ઇન્ડીઝના ફાસ્ટ બોલર્સના ખરાબ પિચ પરના ઇરાદાપૂવર્કના બાઉન્સર તથા બીમર સામેના સખત વિરોધમાં ભારતનો પ્રથમ દાવ (૩૦૬/૬) ડિક્લેર કરી દીધો હતો તેમ જ ૧૯૭૮માં સાહિવાલમાં સરફરાઝ નવાઝના વધુપડતા બાઉન્સર સામેના વિરોધમાં વન-ડે મૅચ જતી કરી હતી અને પાકિસ્તાન વિજેતા ઘોષિત થયું હતું.
જોકે એ પહેલાં (૧૯૭૭માં) ઇંગ્લૅન્ડના લેફ્ટ-આર્મ ફાસ્ટ બોલર જૉન લીવર જેઓ પોતાની આંખોને પસીનાથી મુક્ત રાખવા આઇ-બ્રો પર વૅસેલીન લગાડતાં હતા એ કાંડને બેદીએ ખુલ્લું પાડ્યું હતું. ચેન્નઈની એ મૅચમાં બેદીએ આક્ષેપ કર્યો હતો કે લીવર બૉલની કન્ડિશન બદલવા વૅસેલીન વાપરતા હતા.
21,364
બેદીએ આટલા બૉલ કુલ ૧૧૮ ટેસ્ટ ઇનિંગ્સમાં ફેંક્યા હતા જેમાં ૭૬૩૬ રન બન્યા હતા અને તેમણે ૨૬૬ વિકેટ લીધી હતી.
200
ઓછામાં ઓછી આટલી ટેસ્ટ-વિકેટ લેનાર ૮૨ બોલર્સમાંથી ફક્ત લાન્સ ગિબ્સ, રિચી બેનૉ અને અન્ડરવુડનો ઇકોનોમી રેટ બેદીના ૨.૧૪ના રેટથી ચડિયાતો હતો.
બેદીએ મુરલીને ભાલાફેંકના ઍથ્લીટ તરીકે ઓળખાવેલો
બિશનસિંહ બેદી ટેસ્ટમાં સૌથી વધુ ૮૦૦ વિકેટ લેનાર શ્રીલંકાના સ્પિનર મુથૈયા મુરલીધરનની બોલિંગ ઍક્શનની ખૂબ વિરુદ્ધમાં હતા. તેઓ મુરલીને ભાલાફેંકના તથા શૉટ પૂટ (ગોળાફેંક)ના ઍથ્લીટ તરીકે ઓળખાવતા હતા. બેદીએ ઘણી વાર કહેલું કે ‘એક તરફ સ્પિનનો જાદુગર શેન વૉર્ન છે અને બીજી તરફ મુથૈયામુરલીધરન છે જે બૉલ ચક કરે છે અને હરભજન સિંહ પણ કંઈ કમ નથી.’
ક્રિકેટર્સની ભાવિ પેઢીઓને બેદી પ્રેરિત કરતા રહેશે : મોદી
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મહાન સ્પિનર બેદીના નિધન બદલ શોક વ્યક્ત કરતા જણાવ્યું હતું કે ‘ક્રિકેટ પ્રત્યે બેદીમાં ગજબનું પૅશન હતું અને તેમની બોલિંગ-કળાથી ભારતે અનેક યાદગાર જીત મેળવી હતી. તેઓ ક્રિકેટર્સની ભાવિ પેઢીઓને હંમેશાં પ્રેરિત કરતા રહેશે.’
સુનીલ ગાવસકર
મારા સાથી ખેલાડી બેદીના નિધનના સમાચાર સાંભળીને ખૂબ દુઃખ થયું. તેમના જેવા અદ્ભુત લેફ્ટ-હૅન્ડ બોલર આજ સુધી નથી જોવા મળ્યા.
સચિન તેન્ડુલકર
બિશન પાજી મને સશુ કહીને બોલાવતા. તેમના માટે હું ક્રિકેટર નહીં, પણ પુત્ર સમાન હતો. તેમના માર્ગદર્શનમાં જ મેં ઇંગ્લૅન્ડમાં પહેલી સેન્ચુરી ફટકારી હતી. તેમના વગર આ દુનિયામાં એક પ્રકારનો ખાલીપો સર્જાયો છે. ઈશ્ર્વર તેમના આત્માને શાંતિ આપે એ જ પ્રાર્થના.
અનિલ કુંબલે
પોતાને જે સાચું લાગે એ બોલી દેવામાં ક્યારેય ખચકાટ નહીં રાખતા બેદી પાજીનો એ અપ્રોચ મને ખૂબ ગમતો હતો. તેમના જવાથી મોટો ખાલીપો સર્જાયો છે. વી વિલ મિસ યુ, સર.
રવિચન્દ્રન અશ્વિન
મિલનસાર સ્વભાવના બેદી યુવા ક્રિકેટર્સને મદદરૂપ થવામાં ક્યારેય નહોતા ચૂકતા.
ઇયાન બિશપ
કૅરિબિયન ક્રિકેટના મારા પુરોગામી ખેલાડીઓ મને કહેતા કે બેદીમાં હરીફ ટીમના બૅટરને સ્પિનના કૌશલ્યથી જાળમાં ફસાવવાની બહુ સારી આવડત હતી.