T20 ફાઇનલના ઇતિહાસમાં પહેલી વખત ૧૦૦ રનથી નીચેનો ટાર્ગેટ ડિફેન્ડ થયો

03 August, 2026 04:54 PM IST  |  Georgetown | Gujarati Mid-day Correspondent

ગ્લોબલ સુપર લીગ 2026ની ફાઇનલમાં ગયાના ઍમૅઝૉન વૉરિયર્સે માત્ર 85 રનનો ટાર્ગેટ સફળતાપૂર્વક બચાવી ઇતિહાસ રચ્યો. T20 ફાઇનલમાં 100થી ઓછો સ્કોર ડિફેન્ડ થવાનો આ પ્રથમ પ્રસંગ બન્યો.

T20 ફાઇનલના ઇતિહાસમાં પહેલી વખત ૧૦૦ રનથી નીચેનો ટાર્ગેટ ડિફેન્ડ થયો

ગ્લોબલ સુપર લીગની ત્રીજી સીઝનમાં ૪૭ વર્ષના સ્પિનર ઇમરાન તાહિરની ટીમે ટાઇટલ ડિફેન્ડ કરતી વખતે ઇતિહાસ રચ્યો છે. ગઈ કાલે ફાઇનલ મૅચમાં ગયાના ઍમૅઝૉન વૉરિયર્સે અમેરિકાના ઑલરાઉન્ડર હસન ખાનની ટીમ સૅન ફ્રાન્સિસ્કો યુનિકૉર્ન્સ સામે ૬ રને રોમાંચક જીત નોંધાવી હતી. T20 ફાઇનલના ઇતિહાસમાં પહેલી વખત ૧૦૦ રનથી નીચેનો ટાર્ગેટ એટેલે કે ૮૬ રનનો ટાર્ગેટ ડિફેન્ડ થયો હતો. અગાઉ ઑક્ટોબર ૨૦૨૩માં આફ્રિકા કપમાં નાઇજીરિયાએ રવાન્ડા સામે ૧૦૩/૭નો સ્કોર ડિફેન્ડ કર્યો હતો. ૮.૫ ઓવરમાં ગયાનાની ટીમે ૨૯ રનના સ્કોરમાં ૮ વિકેટ ગુમાવી દીધી હતી. છેલ્લા ત્રણ પૂંછડિયા બૅટર્સની નાની પણ મહત્ત્વપૂર્ણ ઇનિંગ્સની મદદથી આ ટીમ ૧૮.૫ ઓવરમાં ૮૫ રનના સ્કોરે ઑલઆઉટ થઈ હતી. ટાર્ગેટ ડિફેન્ડ કરતી વખતે ફાસ્ટ બોલર ડ્વેઇન પ્રિટોરિયસે ત્રણ વિકેટ, સ્પિનર્સ મોહમ્મદ નબીએ ત્રણ વિકેટ અને ઇમરાન તાહિરે બે વિકેટ લઈને ૧૮.૩ ઓવરમાં સૅન ફ્રાન્સિસ્કો યુનિકૉર્ન્સને ૭૯ રને તંબુભેગી કરી દીધી હતી.

sports news sports cricket news t20 imran tahir