10 May, 2026 07:48 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ફિન ઍલને સેન્ચુરી થયા બાદ કૅમરન ગ્રીન સાથે ઉજવણી કરી
પ્રથમ ૬ મૅચ સુધી જીતનું ખાતું ન ખોલાવી શકનાર કોલકાતા નાઇટ રાઇડર્સે શુક્રવારે દિલ્હી કૅપિટલ્સને હરાવીને સતત ચોથી જીત મેળવીને કમાલ કરી દીધી છે. કલકત્તાના જીતના ચોગ્ગાનો સારથિ હતો ન્યુ ઝીલૅન્ડનો ઓપનર બૅટર ફિન ઍલન. ઍલને ૪૭ બૉલમાં ૧૦ સિક્સર અને પાંચ ફોર સાથે અણનમ ૧૦૦ રન ફટકાર્યા હતા. બે વર્ષ બાદ કલકત્તાના કોઈ પ્લેયરે IPLમાં સેન્ચુરી ફટકારી હતી.
૧૪૩ રનના ટાર્ગેટ સામે બારમી ઓવર બાદ કલકત્તાને જીત માટે અને ઍલનને તેની પ્રથમ IPL સેન્ચુરી માટે એકસરખા ૩૯ રનની જરૂર હતી. એવા સમયે ૨૩ બૉલમાં ૨૯ રન બનાવીને રમી રહેલા તેના પાટર્નર કૅમરન ગ્રીનનો રોલ મહત્ત્વનો બની ગયો હતો. ઍલન જે રીતે રમી રહ્યો હતો એ જોતા તે સેન્ચુરી ફટકારી શકે એમ હતો એટલે ગ્રીને વધુમાં વધુ તેને જ સ્ટ્રાઇક આપી હતી. ત્યાર બાદ ગ્રીને રમેલા ૪ બૉલમાં ૪ જ રન બનાવ્યા હતાં, જ્યારે ઍલને ૧૦ બૉલમાં ૩૯ રન બનાવીને સેન્ચુરી પૂરી કરી હતી. ૧૪મી ઓવર બાદ કલકત્તાને જીત માટે માત્ર ૩ રનની જરૂર હતી અને ગ્રીન સ્ટ્રાઇક પર હતો. તે બાઉન્ડરી ફટકારીને વિનિંગ શૉટ ફટકારી શક્યો હોત પણ તેણે એક રન લઈને ૯૪ રન પર રમી રહેલા ઍલનને સ્ટ્રાઇક આપી હતી. ઍલને સિક્સર સાથે સેન્ચુરી કરી કરી હતી.
મૅચ બાદ ગ્રીને ઍલનની ઇનિંગ્સનાં ભરપૂર વખાણ કરતાં કહ્યું હતું કે ‘ઍલનની આ સ્પેશ્યલ ઇનિંગ્સને આટલી નજીકથી માણવી એ એક ખાસ અનુભવ હતો. કરીઅરમાં ક્યારેક જ આવી તક મળતી હોય છે. જ્યારે જીતવા માટે ૨૯ રનની જરૂર હતી ત્યારે તેની સેન્ચુરી થઈ શકે છે એવું લાગતું હતું. જો મેં ઍલનને સ્ટ્રાઇક ન આપી હોત તો કદાચ કલકત્તામાં હું વિલન બની જાત.’
|
કલકત્તાના IPL સેન્ચુરિયનો |
|||
|
વર્ષ |
ખેલાડી |
સ્કોર |
હરીફ |
|
૨૦૦૮ |
બ્રેન્ડન મૅક્કલમ |
૧૫૮ |
બૅન્ગલોર |
|
૨૦૨૩ |
વેન્કટેશ ઐયર |
૧૦૪ |
મુંબઈ |
|
૨૦૨૪ |
સુનીલ નારાયણ |
૧૦૯ |
રાજસ્થાન |
|
૨૦૨૬ |
ફિન ઍલન |
૧૦૦ |
દિલ્હી |
IPLની પ્રથમ સેન્ચુરી કલકત્તાની, સૌથી ઓછી પણ તેમની
૨૦૦૮માં IPLની પ્રથમ મૅચમાં કલકત્તાના બ્રેન્ડમ મૅક્કલમે અણનમ ૧૫૮ રન સાથે ટુર્નામેન્ટની પ્રથમ સેન્ચુરી ફટકારી હતી. ત્યારથી આ ૧૯મી સીઝન સુધી કુલ ૧૨૨ સેન્ચુરી જોવા મળી છે, પણ હાલ રમી રહેલી બધી ટીમોમાં સૌથી ઓછી સેન્ચુરી કલકત્તાના નામે છે. નવાઈની વાત છે કે ૨૦૨૨થી એટલે કે પાંચમી જ સીઝન રમી રહેલી ગુજરાત અને લખનઉની ટીમે એના કરતા વધુ સાત-સાત સેન્ચુરી ફટકારી છે.
છેલ્લા ત્રણેય સેન્ચુરિયનો બિગ બૅશની એક જ ટીમના
આ સીઝનના છેલ્લા ત્રણેય સેન્ચુરિયનો વચ્ચે એક અજબનું સામ્ય છે. કૂપર કૉનોલી,
મિચલ માર્શ અને ફિન ઍલન આ ત્રણેય વિદેશી સેન્ચુરિયનો ઑસ્ટ્રેલિયન T20 લીગ બિગ બૅશની એક જ ટીમ પર્થ સ્કૉર્ચર્સ વતી રમે છે.