IPL ઇતિહાસમાં એક દિવસમાં રેકૉર્ડ ૯૮૬ રનનો ઢગલો કર્યો હતો શનિવારે ચાર ટીમોએ ભેગી મળીને

27 April, 2026 04:35 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

એક દિવસમાં સૌથી વધુ ૫૯ સિક્સરનો રેકૉર્ડ પણ બન્યો

રેકૉર્ડ બ્રેકિંગ ડે

IPL 2026માં ૨૫ એપ્રિલે છેલ્લી વખત શનિવારે ડબલ હેડર મૅચ યોજાઈ હતી. હવે પછી સીઝનમાં માત્ર રવિવારે જ ડબલ હેડરના મુકાબલા જોવા મળશે. જોકે ડબલ હેડરવાળો એ છેલ્લો શનિવાર રેકૉર્ડબ્રેકિંગ સાબિત થયો હતો. દિલ્હી અને જયપુરમાં બે મૅચમાં ચાર ટીમોએ ૭૭.૨ ઓવર રમીને રેકૉર્ડ ૯૮૬ રન ઝૂડી નાખ્યા હતા. દિલ્હીમાં ૫૨૯ રન અને જયપુરમાં ૪૫૭ રનવાળી મૅચ જોવા મળી હતી. શનિવારે ૧૫૦ પ્લસનો એક સ્કોર, એક સદી અને ૬ ફિફટીને કારણે બોલર્સના પરસેવા છૂટી ગયા હતા. ૯૬ ફોર અને ૫૯ સિક્સને કારણે ૧૨.૨૨ના રન-રેટથી રન બન્યા હતા. શનિવારનો દિવસ T20 ક્રિકેટનો હાઇએસ્ટ રન-ચેઝ, ભારતીય દ્વારા સૌથી મોટો T20 સ્કોર અને ૩૬ બૉલની સેન્ચુરીને કારણે પણ યાદગાર રહ્યો હતો. પહેલી વખત IPLના એક દિવસમાં પ્લેયર્સે ૯૦૦ પ્લસ રન ફટકાર્યા હતા. અગાઉ ૨૦૨૪ની ૨૭ એપ્રિલે IPLમાં ૮૯૯ રન થયા હતા. દિલ્હી-મુંબઈની મૅચમાં ૫૦૪ રન અને લખનઉ-રાજસ્થાનની મૅચમાં ૩૯૫ રન બન્યા હતા. અગાઉ એક દિવસમાં હાઇએસ્ટ ૫૩-૫૩ સિક્સરનો રેકૉર્ડ ૨૦૨૫માં ૪ મે અને ૨૫ મેએ બન્યો હતો.

બન્ને મૅચના ૧૬ ડ્રૉપ કૅચ બન્યા રેકૉર્ડબ્રેકિંગ દિવસનું મુખ્ય કારણ

શનિવારની બન્ને મૅચમાં ખરાબ ફીલ્ડિંગ દરમ્યાન ૮-૮ વખત ખેલાડીઓના કૅચ છૂટ્યા હતા અથવા કૅચ પકડ્યા બાદ ફીલ્ડરના શરીરનો ભાગ બાઉન્ડરીલાઇનને અડી ગયો હતો. શ્રેયસ ઐયર, કે. એલ. રાહુલ અને ધ્રુવ જુરેલ જેવા બૅટર્સના કૅચ બે-બે વખત છૂટ્યા હતા. દિલ્હીના કરણ નાયર અને હૈદરાબાદના સાકિબ હુસેને બે-બે વખત સહેલા કૅચ છોડ્યા હતા. 

IPL મૅચની હાઇએસ્ટ 82 બાઉન્ડરી પંજાબ-દિલ્હીની મૅચમાં ફટકારાઈ.

IPL 2026 rajasthan royals sunrisers hyderabad delhi capitals kl rahul punjab kings sports news sports cricket news