22 September, 2023 09:36 AM IST | Mumbai | Amit Shah
ફાઇલ તસવીર
એશિયા કપમાં યજમાન શ્રીલંકા સામે દમદાર જીત મેળવ્યા બાદ હવે ટીમ ઇન્ડિયાની નજર વિશ્વ ચૅમ્પિયન ઑસ્ટ્રેલિયા સામે ફતેહ મેળવવાની છે. ભારત મોહાલીના આઇ. એસ. બિન્દ્રા સ્ટેડિયમમાં રમાનારી પહેલી ટી૨૦માં પોતાનો વિનિંગ પર્ફોર્મન્સ જાળવી રાખવાના પ્રયત્ન કરશે, પરંતુ ટીમ માટે સ્ટેડિયમમાં દર્શકોની કેટલી હદે હાજરી હશે એ વિશે શંકા સેવાઈ રહી છે. પ્રથમ ટી૨૦ મુકાબલાની ટિકિટો હજી સંપૂર્ણપણે વેચાઈ ન હોવાને કારણે આયોજક પંજાબ ક્રિકેટ અસોસિએશન (પીસીએ)એ ક્રિકેટરસિકોને મેદાન તરફ આકર્ષવા માટે ‘બાય વન, ગેટ વન’ની સ્કીમ શરૂ કરી છે.
વન-ડે મૅચને લઈને પ્રેક્ષકોમાં ટિકિટ ખરીદવાનો ઉત્સાહ બહોળા પ્રમાણમાં જોવા નથી મળતો. પીસીએ તરફથી સ્ટુડન્ટ્સ માટે ૧૦૦ રૂપિયાની નજીવી કિંમતે મૅચની ટિકિટોના દર રાખવામાં આવ્યા છે. ૧૦૦૦ રૂપિયાના ભાવ ધરાવતી ટિકિટો ઉપલબ્ધ નથી, પરંતુ ૩૦૦૦, ૫૦૦૦ અને ૧૦,૦૦૦ રૂપિયાની ટિકિટોનું વેચાણ મંદ ગતિએ ચાલતું હોવાને કારણે પીસીએએ ‘બાય વન, ગેટ વન’ની સ્કીમ શરૂ કરી છે.
કપ્તાન રોહિત શર્મા, વિરાટ કોહલી અને હાર્દિક પંડ્યા જેવા સ્ટાર ખેલાડીઓને પ્રથમ મૅચમાંથી આરામ અપાયો હોવાને કારણે દર્શકોની ટિકિટબારી પર ગિરદી જોવા નથી મળી રહી એવું સ્થાનિક આયોજકોનું માનવું છે.